'માયોપિયા' નામની આંખની બીમારીની અસર ઓછી કરવા માટે વૈજ્ઞાનિકોએ સ્માર્ટ ગ્લાસ ડેવલપ કર્યા છે. 'માયોપિયા' બીમારીમાં દર્દીને દૂરની વસ્તુઓ સ્પષ્ટ દેખાતી નથી. 2 મીટરથી વધારે અંતરની વસ્તુઓ દર્દીને ધૂંધળી દેખાય છે.
આ સ્માર્ટ ગ્લાસ કેટલા કારગર સાબિત થશે તે જાણવા માટે ચીનની વેંઝાઉ મેડિકલ યુનિવર્સિટીએ રિસર્ચ કર્યું. રિસર્ચમાં 167 બાળકોને આ ચશ્માં પહેરાવી તેની અસર જોવામાં આવી. બાળકોને દિવસમાં 12 કલાક સુધી આ ચશ્માં પહેરાવવામાં આવ્યા. રિસર્ચમાં પુરવાર થયું કે 2 વર્ષ આ સ્માર્ટ ગ્લાસના ઉપયોગથી 'માયોપિયા'ની અસર 67% ઓછી થઈ ગઈ.
માયોપિયામાં આંખોમાં શું ફેરફાર આવે છે આ સ્માર્ટ ગ્લાસ કેવી રીતે કામ આવે છે અને આ બીમારીની દેશમાં શું સ્થિતિ છે આવો જાણીએ...
માયોપિયા
ઉંમરની સાથે આંખોની કીકી ગોળાકારમાં વધે છે. માયોપિયાના દર્દીની કીકી ઉંમર સાથે પહોળી થવા લાગે છે. તેનાથી રેટિના પર ખરાબ અસર થાય છે. તેને કારણે દૂરની દૃષ્ટિ નબળી પડી જાય છે જોકે દૂરની વસ્તુઓ જોવામાં કોઈ તકલીફ પડતી નથી.
આ બીમારી શા માટે થાય છે તેનું કોઈ ચોક્કસ કારણ શોધી શકાયું નથી. કેટલાક નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જનીનને કારણે આ બીમારી થાય છે.
કેટલાક વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ઘરમાં જ પૂરાઈ રહેવાથી આ બીમારી થઈ શકે છે. કેટલીક થિયરી પ્રમાણે આંખ પર તીવ્ર પ્રકાશ પડવાથી રેટિનાથી ડોપાઈમાઈન હોર્મોન રિલીઝ થાય છે અને આંખો પર ખરાબ અસર થાય છે.
સ્માર્ટ ગ્લાસનું સ્માર્ટ વર્ક
ચશ્માંના કાચમાં એક ખાસ રિંગ બનાવવામાં આવી છે. આ રિંગ્સ રેટિના પર પ્રકાશ ફેંકે છે. જેથી સ્પષ્ટ જોઈ શકાય. આ ચશ્માંનો ઉપયોગ કરવાથી કીકીનો આકાર વધવાનો દર ધીમો થાય છે. કીકીનો આકાર કેટલી હદે બગડ્યો છે તે પ્રમાણે આ બીમારીની તીવ્રતા માલુમ કરી શકાય છે.
આ કારણે દૂરની દૃષ્ટિમાં સમસ્યા
સંશોધકોનું કહેવું છે કે, સ્પેશિયલ કોન્ટેક્ટ લેન્સથી પણ આ બીમારી કન્ટ્રોલ કરી શકાય છે, પરંતુ તે તમામ લોકોને માફક આવતા નથી. તેથી સ્માર્ટ ગ્લાસ વધુ સારો વિકલ્પ છે. તે લુક પ્રમાણે સામાન્ય ચશ્માં જેવાં જ લાગે છે. ગ્લાસમાં રહેલી 11 પ્રકારની રિંગ્સ માયોપિયા કન્ટ્રોલ કરવાનું કામ કરે છે.
એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, છેલ્લાં કેટલાક વર્ષોમાં માયોપિયાની સ્થિતિ બગડી છે અને કેસ વધ્યા છે. તેનું કારણ સ્ક્રીન ટાઈમ વધવાનું છે. લોકો સ્માર્ટફોન પર વધારે નિર્ભર થયા છે. તેથી આ બીમારીનો ભોગ બની રહ્યા છે.
AIIMSના રિપોર્ટ પ્રમાણે, એશિયાના આશરે 13% બાળકો માયોપિયા નામની બીમારીથી પીડિત છે. અમેરિકાના આશરે 30% લોકો આ બીમારીની ઝપેટમાં છે. એક રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2010માં માયોપિયાના દર્દીઓનો આંકડો 28% હતો જે વર્ષ 2050માં વધીને 50% સુધી થઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.