હેર કટ કરતા સમયે મહિલાના માથામાં પર થૂંકનાર જાવેદ હબીબે હવે એક વીડિયો દ્વારા માફી માગી છે. તેને જણાવ્યું છે કે, તેના આવા વર્તણથી જો કોઈને દુઃખ પહોંચ્યું છે તો તેના માટે હું માફી માગુ છું. આ પહેલા રાષ્ટ્રીય મહિલા આયોગની ચેરપર્સન રેખા શર્માએ દિલ્હી અને UP પોલીસને પત્ર લખીને હબીબની વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી અંગે રિપોર્ટ માગ્યો છે. હિન્દુ સંગઠનોએ હબીબની ધરપકડ માટે પ્રદર્શન પણ કર્યું હતું.
પીડિતાએ મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો
આ વીડિયો 6 જાન્યુઆરીના રોજ સામે આવ્યો હતો, જેના પછી તે વાયરલ થઈ ગયો હતો. મહિલાની ઓળખ પૂજા ગુપ્તા તરીકે થઈ હતી. તે બાગપત જિલ્લામાં બડોત વિસ્તારમાં રહે છે અને બ્યુટી પાર્લર ચલાવે છે. પૂજાએ આ વિશે 6 જાન્યુઆરીના રોજ મુઝફ્ફરનગરમાં મંસૂરપુર પોલીસ સ્ટેશનમાં જાવેદ હબીબની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. હબીબ પર IPCની કલમ 355, 504 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો. તેના પછી હિન્દુ સંગઠનોએ તેની ધરપકડ માટે પ્રદર્શન કર્યું હતું.
NCWએ આ કેસની નોંધ લીધી
રાષ્ટ્રીય મહિલા આયોગ એટલે કે NCWએ વાયરલ વીડિયોની નોંધ લીધી છે અને સમગ્ર કેસમાં UP પોલીસના DGP અને દિલ્હી પોલીસને પત્ર લખ્યો છે. NCWના ચેરપર્સન રેખા શર્માએ ટ્વીટ કરીને આ કેસમાં પોલીસે જરૂરી કાર્યવાહી કરવી જોઈએ. મહિલા આયોગના કડક વલણ બાદ જાવેદ હબીબની મુશ્કેલીઓ વધી શકે છે.
દેશના જાણીતા હેરસ્ટાઈલિસ્ટ જાવેદ હબીબ એક મહિલાના માથા પર થૂંકતા હોવાનો ચોંકાવનારો વીડિયો સામે આવ્યો તેના પછી તે વિવાદમાં ફસાઈ ગયો છે. એક ટ્રેનિંગ ક્લાસ દરમિયાન હબીબ બધાની સામે એક મહિલાના માથા પર એવું કહીને થૂંકતો જોવા મળે છે કે તેના વાળ સૂકાઈ ગયા છે. મજાકમાં એવું પણ કહે છે કે તેના થૂકમાં તાકાત છે.
પ્રખ્યાત હેરસ્ટાઈલિસ્ટ હેરકટિંગ સમયે મહિલાના માથા પર થૂંક્યો
વીડિયોમાં જાવેદ જેના વાળ પર થૂંકતો જોવા મળે છે તે મહિલા મુઝ્ફફરનગરની હોવાનું કહેવાય છે. જો કે આ વીડિયો કઈ તારીખનો છે તેની પુષ્ટિ નથી થઈ શકી. વીડિયોમાં એક મહિલા સ્ટેજ પર સલૂનની ખુરશી પર બેઠેલી જોવા મળી રહી છે. ટ્રેનિંગ સેમિનારમાં હાજર લોકોને ટિપ્સ આપતા જાવેદ હબીબ બેદરકારીથી મહિલાના માથા પર થૂંકે છે અને કહે છે, 'જો પાણી ન હોય તો... આ થૂંકમાં તાકાત છે.'
ગુસ્સે થયેલી મહિલાએ વીડિયો શેર કરીને વાત કહી
વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, જાવેદ હબીબ વાળ કાપતી વખતે પાણીનો ઉપયોગ નહીં કરીને થૂંકનો ઉપયોગ કરે છે અને તે એવું પણ કહે છે કે, આ થૂકમાં તાકાત છે. એ પછી સોશિયલ મીડિયા પર જાવેદ હબીબની ભારે ટીકા થઈ રહી છે. આ વિડિયો મુઝ્ફફરનગરનો હોવાનું કહેવામાં આવે છે. જેમાં તે એક મહિલાને વાળ કાપવા માટે સ્ટેજ પર બોલાવે છે અને કહે છે કે, જો વાળ કાપતી વખતે પાણી ના હોય તો મારા થૂંકમાં તાકાત છે અને તેવુ કહીને તે વાળમાં થૂંકે છે. આ સમયે મહિલા ગુસ્સે થાય છે.
જે મહિલા સાથે આવો વ્યવહાર થયો છે તે પૂજા ગુપ્તા કહે છે કે, જાવેદે મીસ બિહેવ કર્યું હતું. એટલે મેં હેર કટ કરવાનું માંડી વાળ્યું. હું ગલીના હેર ડ્રેસર પાસે વાળ કપાવી લઈશ પણ જાવેદ હબીબ પાસે નહીં. મહિલા કહે છે કે, મારું બ્યુટી પાર્લર છે અને હું જાવેદ હબીબનો સેમિનાર એટેન્ડ કરવા માટે ગઈ હતી. તેણે મિસબિહેવ કર્યું હતું. હવે જાવેદનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની ઝાટકણી કાઢી રહ્યા છે.
વીડિયો જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા
સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા અને ઘણા લોકોએ તેનો બહિષ્કાર કરવાની માગ કરી છે. ટ્વિટર પર આ વીડિયોને @pb3060 નામના અકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે અને તેને અત્યાર સુધી લગભગ 1 લાખ 44 હજારથી વધુ લોકોએ વીડિયો જોયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.