• Gujarati News
  • Lifestyle
  • Did Swamiji Realize His Own Death? Where Did He Write A Letter To Gujarati? What Happened To Swamiji Before His Famous Chicago Speech

ભાસ્કર રિસર્ચસ્વામી વિવેકાનંદ જયંતી:સ્વામીજીને પોતાના મૃત્યુનો અણસાર આવી ગયેલો? તેમણે કયા ગુજરાતીને પત્ર લખેલો? શિકાગોની પ્રખ્યાત સ્પીચ પહેલાં સ્વામીજીની શું હાલત થઈ?

અમદાવાદ20 દિવસ પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

આપણે તારાઓનો ચૂરો કરી નાખીશું, જગતને બળપૂર્વક ઉખેડી નાખીશું, તમે નથી જાણતા કે આપણે કોણ છીએ? આપણે શ્રીરામકૃષ્ણદેવના દાસ છીએ. ભય! કોનો ભય?’ - સ્વામી વિવેકાનંદ.

ભારતવર્ષની એક વિરાટ પ્રતિભા. ભારતીય યુવાધનને જેમણે ભયમુક્ત બની સિંહમર્દ બનવા હાંકલ કરી. પૂરા વિશ્વમાં જેમણે ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો ડંકો વગાડી દીધો. એવા સ્વામી વિવેકાનંદની આજે જયંતી છે. કોઈપણ મહાપુરુષને નજીકથી જાણવા હોય તો તેમણે લખેલા પત્રોથી વિશેષ વિકલ્પ બીજો કોઈ નથી, કારણ કે પત્ર એ માણસની અંગત માન્યતા અને આંતરમનનો અરીસો છે.

સ્વામી વિવેકાનંદે પોતાના શિષ્ય આલાસિંગા, શ્રીમતી બુલ, ભગિની નિવેદિતા જૂનાગઢના દીવાન હરિદાસ દેસાઈને લખેલા પત્રોનો આસ્વાદ કરવા જેવો છે. સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદ સુધી કેવી રીતે પહોંચ્યા? એ પરિષદમાં ‘બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ ઓફ અમેરિકા’વાળી વિશ્વવિખ્યાત સ્પીચ આપતાં પહેલાં સ્વામીજીની મનોસ્થિતિ શી હતી? આપણા ગુજરાતનું અને સૌથી સ્ફોટક આત્મકથા લખનારા ગુજરાતી વિદ્વાન સાહિત્યકાર મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું વિશ્વધર્મ પરિષદ સાથે શું કનેક્શન છે? અમેરિકન કલ્ચર વિશે, અમેરિકન સ્ત્રી વિશે સ્વામીજી શું માને છે? સ્વામી વિવેકાનંદ ભારતીયોને કેમ કમ્ફોર્ટ ઝોન છોડીને વિશ્વ દર્શન કરવા પ્રેરિત કરતા હતા? શું સ્વામીજીને પોતાના મૃત્યુનો અણસાર હતો? આ સવાલોના જવાબો આપે છે: ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ નામનું સરસ પુસ્તક. સ્વામીજીએ વર્ષ ઇસ. 1888થી 1902 સુધી લખેલા પત્રો અહીં સમાવિષ્ટ છે. અહીં એક-એક પાને સ્વામીજીનું વિરાટ વ્યક્તિત્વ આપણી સામે ઊપસે છે. તેમની આધુનિક વિચારધારાથી આપણે મંત્રમુગ્ધ બની જઈએ છીએ. ધર્મ-શિક્ષણ-સંસ્કૃતિ વિશેના સ્વામીજીના ક્વોટેબલ ક્વોટ આપણને એંધાણ આપે છે કે આ પ્રતિભા કેટલી વિઝનરી હતી!

‘પશ્ચિમ એટલે બધું સારું અને પૂર્વ એટલે બધું ખરાબ’, ‘પશ્ચિમ એટલે બધું ખરાબ અને પૂર્વ એટલે બધું સારું’ એવી કોઈપણ અંતિમ છેડાની માન્યતાથી સ્વામીજી પર હતા. પોતાની જેમ અન્યને પણ દેદીપ્યમાન તેજસ્વી જોવા ઇચ્છતા સ્વામીજી આ પત્રોમાં વ્યક્ત થયા છે.

કપડાં જોઈને સ્વામી વિવેકાનંદની અમેરિકામાં ફજેતી થઈ હતી
સ્વામીજીના પત્રવિશ્વમાં એક નજર કરીએ. શરૂઆત કરીએ તેમના અમેરિકા ગમનથી. તારીખ 20 ઓગસ્ટ, 1893ના રોજ સ્વામીજીએ પોતાના પ્રખર અનુયાયી આલાસિંગાને લખેલો પત્ર જોઈએ તો.. ખેતડીના મહારાજાની સહાયથી સ્વામીજી અમેરિકા તરફ પ્રયાણ કરે છે. સૌપ્રથમ તો જાપાનથી કેનેડાના વાનકુવર પહોંચે છે. કાતિલ ઠંડી કહે મારું કામ. સ્વામીજી પાસે ગરમ કપડાં પણ નહીં. જેમ તેમ કરીને વાનકુવર પહોંચ્યા અને ત્યાંથી અમેરિકાના શિકાગો આવ્યા. શિકાગોમાં બાર દિવસ રહ્યા બાદ બોસ્ટન આવ્યા. અહીં તેમનો ભેટો થાય છે એક વૃદ્ધ સ્ત્રી સાથે. આ સ્ત્રી સ્વામીજીને સાચવે છે. સ્વામીજી આ પત્રમાં લખે છે, ‘અત્યારે તો હું બોસ્ટન નજીકના એક ગામડામાં એક વૃદ્ધ સન્નારીના અતિથિ તરીકે રહું છું. ટ્રેનમાં મને તેની અચાનક ઓળખાણ થઈ ગઈ ને તેણે મને પોતાને ઘેર રહેવા આવવાનું આમંત્રણ આપ્યું. તેને ઘેર રહેવામાં મને એક લાભ થયો. થોડા સમય પૂરતું તો રોજનું એક પૌંડનો મારો ખર્ચ બચી ગયો; અને તેને લાભ છે મિત્રોને અહીં આમંત્રીને ભારતમાંથી આવેલી એક અજાયબીભરી વસ્તુ દેખાડવાનો! પરંતુ આ બધું વેઠી લેવું જ જોઈએ. ભૂખમરો, ઠંડી અને મારા વિચિત્ર પહેરવેશને કારણે શેરીમાં થતો હુરિયો: એ બધા સામે મારે જંગ ખેલવાનો છે, પરંતુ પ્રિય વત્સ! મહાન પુરુષાર્થ વિના મહાન કાર્ય કદાપિ સાધી શકાયાં નથી. હું તો આ ખ્રિસ્તીઓને એટલું જ કહું છું કે ‘પ્રભુ ઈશુની સાથોસાથ ભારતના મહાત્માઓનો પણ સ્વીકાર કરો’ મારા આ કથનની તેઓ કદર કરે છે.’

સ્વામીજીને ઠંડા પ્રદેશમાં ગરમ કપડાંની જરૂર પડી છે. અમેરિકા જેવા દેશમાં આર્થિક તંગીનો સામનો કરતા સ્વામીજી પણ પ્રસ્તુત પત્રમાં વ્યક્ત થાય છે, ‘ધીમે ધીમે હું મારો રસ્તો કરી શકીશ, પણ એનો અર્થ એ કે આ અત્યંત ખર્ચાળ દેશમાં મારે વધુ સમય લગી રોકાવું. હમણાં જ ભારતમાં રૂપિયાના ભાવમાં થયેલા વધારાને કારણે આ દેશમાં ગભરાટ ફેલાઈ ગયો છે અને પરિણામે સંખ્યાબંધ મિલો બંધ પડી છે; એટલે અત્યારે તો હું કંઈ આશા બાંધી શક્તો નથી, પણ મારે રાહ જોવી પડશે. જો મને અહીં રાખી શક્યાનું તમારાથી ન બની શકે તો આ દેશમાંથી પાછા ફરવા જેટલા પૈસા મને મોકલી આપશો. દરમિયાન મને અનુકૂળ થાય એવું કંઈ બની આવશે તો હું તમને પત્ર અથવા તારથી જાણ કરીશ.’

વિખ્યાત શિકાગો ધર્મપરિષદનો એ દિવસ
આખરે તારીખ 11 સપ્ટેમ્બર, 1893નો એ ગૌરવપૂર્ણ દિવસ પણ આવી પહોંચ્યો. શિકાગોની આર્ટ ઇન્સ્ટિટ્યૂટના વિશાળ મકાનમાં, ‘હૉલ ઓફ કોલંબસ’ તરીકે ઓળખાતા વિશાળ ખંડમાં વિશ્વધર્મ પરિષદનું વિધિપૂર્વક ઉદઘાટન કરવામાં આવ્યું. એ દૃશ્ય ખૂબ જ ભવ્ય હતું. અનેક ધર્મો અને પંથોના પ્રતિનિધિઓ પોતપોતાના પોશાકમાં સજ્જ હતા. ઈતિહાસકાર હોટનના શબ્દો અહીં ટાંકીએ તો, ‘19મી સદીની સર્વશ્રેષ્ઠ પળ આવી પહોંચી હતી.’

સ્વામીજીએ આ ભવ્ય દિવસની સ્મૃતિને 2 નવેમ્બર, 1893ના રોજ લખેલા પત્રમાં વાગોળી છે. તેઓ આલાસિંગાને લખે છે, ‘કલ્પના કરો કે નીચે એક હૉલ છે અને ઉપર વિશાળ ગેલરી છે અને એમાં દેશની સર્વોત્તમ સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ ધરાવતાં છ-સાત હજાર સ્ત્રીપુરુષો બેઠેલાં છે, વ્યાસપીઠ ઉપર જગતના તમામ દેશોના વિદ્વાનો બેઠેલા છે અને જેણે જીવનમાં ક્યારેય જાહેર વ્યાખ્યાન આપ્યું ન હતું એવો હું આ ભવ્ય સભાને સંબોધવાનો છું!’

વિવેકાનંદને પણ ‘સ્ટેજ ફિયર’ આવી ગયેલો!
સવારની બેઠકમાં સ્વામીજીનું નામ બોલાયું હતું, પણ સ્વામીજી ‘હમણાં નહીં, હમણાં નહીં’ કહીને ટાળતા રહ્યા. સવારની બેઠક જતી રહી. સ્વામીજી આ ઐતિહાસિક ક્ષણને યાદ કરતાં કહે છે, ‘ઘણા દબદબા સાથે સંગીત, વિધિ અને ભાષણોથી પરિષદની શરૂઆત થઈ; પછી પ્રતિનિધિઓનો એક પછી એક પરિચય કરાવવામાં આવ્યો અને તેમણે આગળ આવીને ભાષણો આપ્યા. અલબત્ત, મારું હૃદય ધડકવા લાગ્યું હતું અને મારી જીભ લગભગ સુકાઈ ગઈ; હું એવો તો ઢીલો થઈ ગયો કે સવારે તો બોલવાની હિંમત જ કરી શક્યો નહિ. મઝુમદારે સુંદર ભાષણ આપ્યું અને ચક્રવર્તીએ એથી પણ વધુ સુંદર. અને તેમની ખૂબ પ્રશંસા થઈ. એ બધાએ પૂર્વતૈયારી કરી હતી અને ભાષણો તૈયાર કરી લાવ્યાં હતાં. હું તો રહ્યો મૂર્ખ એટલે મારી પાસે કશું જ તૈયાર ન હતું, પણ દેવી સરસ્વતીને પ્રણામ કરીને હું આગળ ગયો અને ડૉ. બેરોઝે મારો પરિચય આપ્યો. મેં એક ટૂંકું ભાષણ આપ્યું . એમાં મેં એ સભાને ‘અમેરિકાનાં બહેનો અને ભાઈઓ!’ તરીકે સંબોધન કર્યું. એ સાથે જ બે મિનિટ સુધી કાન બહેરા કરી મૂકે એવો તાળીઓનો ગડગડાટ થઈ રહ્યો. ત્યાર બાદ મેં ભાષણ આગળ ચલાવ્યું અને જ્યારે એ પૂરું થયું ત્યારે ઊર્મિના આવેશથી લગભગ લોથપોથ થઈને હું બેસી ગયો.’

વિવેકાનંદના આ ભાષણની નોંધ અમેરિકાનાં પ્રમુખ વર્તમાનપત્રોએ લીધી અને તેમના આ વિશ્વવિખ્યાત ભાષણને સર્વશ્રેષ્ઠ જાહેર કર્યું. વિખ્યાત ‘ધ ન્યૂયોર્ક હેરલ્ડ’ અખબારે લખ્યું હતુંઃ ‘સ્વામી વિવેકાનંદ વિશ્વધર્મ પરિષદની સૌથી મહાન વ્યક્તિ છે, એમાં શંકા નથી. તેમનું વ્યાખ્યાન સાંભળ્યા પછી એમ લાગે છે કે આવી સુશિક્ષિત પ્રજા માટે મિશનરીઓને મોકલવા એ કેટલું મૂર્ખાઈભર્યું છે!’

‘સ્ત્રીઓનું સ્વર્ગ છે અમેરિકા’
અમેરિકાનાં ઘરઘરમાં સ્વામી વિવેકાનંદ પ્રખ્યાત થઈ ગયા. અમેરિકાના અતિથિ વિશેષ વિવેકાનંદ અમેરિકન કલ્ચર-અમેરિકન મેન્ટાલિટી, અમેરિકન સમાજમાં સ્ત્રીઓનું સ્થાન.. આ બધી બાબતોનો અભ્યાસ પણ કરતા જાય છે. સ્વામીજી પત્રમાં આગળ લખે છે, ‘આ દેશમાં જેવી કુતૂહલવૃત્તિ દેખાય છે તેવી બીજે તમે નહિ જુઓ. આ લોકોને બધી વસ્તુઓ જાણવાની ઇંતેજારી હોય છે; ને અહીંની સ્ત્રીઓ તો જગતમાં સૌથી વધુ પ્રગતિશીલ છે. એકંદરે અમેરિકન પુરુષ કરતાં અમેરિકન સ્ત્રી ઘણી વધારે સંસ્કારી હોય છે. પુરુષો આખી જિંદગી સુધી પૈસા કમાવા માટે વૈતરું કરે છે અને સ્ત્રીઓ પોતાને વધુ સંસ્કારી બનાવવાની પ્રત્યેક તક ઝડપી લે છે. એશિયાએ સંસ્કૃતિનાં બીજો વાવ્યાં, યુરોપે પુરુષનો વિકાસ સાધ્યો અને અમેરિકા સ્ત્રીઓનો તેમજ જનતાનો વિકાસ સાધી રહેલ છે, સ્ત્રીઓનું તેમજ મજૂરવર્ગનું એ સ્વર્ગ છે. તમે અમેરિકન જનતા અને સ્ત્રીઓ તેમજ આપણી જનતા અને સ્ત્રીઓ વચ્ચે રહેલો ભેદ જુઓ તો તમને તરત જ ખ્યાલ આવી જશે. અમેરિકન લોકો ઝડપથી ઉદાર વિચારના બનતા જાય છે.’

આપણા ગુજરાતી સાહિત્યકાર મણિલાલ દ્વિવેદી અને સ્વામી વિવેકાનંદ..

પત્ર પૂરો કરતાં સ્વામીજીને વળી પાછું કંઇક યાદ આવ્યું હોય એમ ‘તા.ક.’ (તાજાં કલમ) સાથે નોંધ કરે છે, જેમાં પહેલા તો સ્વામીજી આલાસિંગાના કાકાના લાંબા નિબંધ વિશે હળવી ટીકા કરે છે. પછી કહે છે, ‘ઓછામાં ઓછા શબ્દોમાં, વધુમાં વધુ વિચારોને સમાવવા એ એક મહાન કળા છે. મણિલાલ દ્વિવેદીનો નિબંધ પણ ઘણો ટૂંકાવી નાખવામાં આવ્યો હતો, એક હજાર કરતાં પણ વધારે નિબંધો ત્યાં વંચાયા, તેથી એવી બેફામ વાચાળતા માટે પરિષદ પાસે સમય ન હતો. સામાન્યતઃ અપાતા અર્ધા કલાક કરતાં મને ઠીક ઠીક વધુ સમય આપવામાં આવતો હતો. ... શ્રોતાજનોને બેસાડી રાખવા માટે સૌથી વધુ લોકપ્રિય વક્તાઓનો વારો હંમેશાં છેલ્લો રાખવામાં આવતો. પ્રભુ આ લોકોનું કલ્યાણ કરો! શી તેઓની સહાનુભૂતિ ને શું તેઓનું ધૈર્ય!’

અહીં મણિલાલ નભુભાઇ દ્વિવેદી પર તમારું ધ્યાન ખેંચાયું હશે. શિકાગો પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરનાર હતા મૂળ મહુવાના વીરચંદ ગાંધી. આ ઉપરાંત બીજું પણ એક ગુજરાતી કનેક્શન હતું. મણિલાલ નભુભાઈ દ્વિવેદી. જી હા, રસપ્રદ વાત એ છે કે આપણા આ સુપ્રસિદ્ધ સાહિત્યકાર-ચિંતકે પણ શિકાગોની વિશ્વ ધર્મ પરિષદ માટે નિબંધ લખી મોકલ્યો હતો, કારણ કે પોતે ત્યાં જઈ શકે એમ ન હતા! સ્વામી વિવેકાનંદે ગુજરાત ભ્રમણ દરમિયાન મણિલાલ સાથે પણ મુલાકાત કરી હતી!

‘ભારતીયો જંગલી નથી, તે બતાવવા માટે નીકળી પડો’
સ્વામીજીને જૂનાગઢના ભૂએપૂર્વ દીવાન હરિદાસ બિહારીદાસ દેસાઈ સાથે પણ નાતો હતો. સ્વામીજીની ગુજરાત મુલાકાત દરમિયાન હરિદાસ બિહારીદાસ દેસાઈ સાથે મુલાકાત થઈ હતી. સ્વામીજીએ એમને ‘ભારતના ગ્લેડસ્ટોન’ (ઇંગ્લેન્ડના પૂર્વ વડાપ્રધાન)ની ઉપમા આપી હતી. સ્વામીજી હરિદાસજીને લખેલા એક પત્રમાં કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને આખી દુનિયાની પ્રજાને ઓળખવાનો, ભારતીય સંસ્કૃતિ-ધર્મને વિશ્વ આખાને ખરી ઓળખ કરાવવાનું આહવાન કરતા જણાય છે. એ સમયે કે જ્યારે પરદેશગમન એ પાપનું કામ ગણાતું. પરદેશ જનારને નાતબહાર કરવામાં આવતો. આ સમયમાં એક હિંદુ ધર્મનો સંન્યાસી કેવા આધુનિક ખ્યાલ ધરાવતો હતો, એનું વિઝન કેટલું બ્રોડ સ્કેલ પર હતું એ જુઓ. સ્વામીજી આ પત્રમાં લખે છે, ‘સંન્યાસીએ અમેરિકા શા માટે જવું જોઈએ? એ આપ પણ ન સમજો; પરંતુ જવું જરૂરી હતું, કારણ કે દુનિયા પાસે આપણો સ્વીકાર કરાવવાનું આપણી પાસેનું એકમાત્ર સાધન આપણો ધર્મ છે. અને ભારત મરી ગયું નથી એવો ખ્યાલ બીજી પ્રજાઓને આપવા માટે આપણે આપણા ધાર્મિક પુરુષોમાંથી સારી કોટિના માણસોને બહાર મોકલવાની આવશ્યકતા છે. પ્રતિનિધિરૂપ કેટલાક પુરુષોએ ભારતમાંથી બહાર નીકળી પડવું જોઈએ, અને ઓછામાં ઓછું ભારતીયો જંગલી નથી તેટલું બતાવવા ખાતર પણ તેમણે દુનિયાની બધી પ્રજાઓ પાસે પહોંચી જવું જોઈએ. ભારતમાં આપણા ઘરમાં બેઠા આપણને એ આવશ્યક નહીં જણાય; પણ આટલું જરૂર માનજો કે આપણા રાષ્ટ્રને માટે એના પર ઘણી બાબતોનો આધાર છે.’

‘અહીં લોકો એક ભાષણના હજાર રૂપિયા આપવા તૈયાર છે’
અમેરિકા સ્વામીજી પર સમરકંદ-બુખારા ઓવારી ગયું હતું ત્યારે પોતાનો જ દેશ હિંદુસ્તાન સ્વામીજીની સિદ્ધિને આંકવામાં ઊણો ઊતરી રહ્યો હતો. સ્વામીજી વ્યથિત હતા. હરિદાસને લખેલા આ પત્રમાં સ્વામીજી આગળ લખે છે, ‘જે સંન્યાસીને પોતાના જાતભાઈઓનું ભલું કરવાનો વિચાર નથી તેઓ પશુ સમાન છે, સંન્યાસી નથી. હું માત્ર દૃશ્યો જોવા નીકળનારો શોખીન નથી કે નથી નિરર્થક પર્યટન કરનારો મુસાફર. હું તો ભારતમાં હતો તેવો જ અહીં છું; માત્ર અહીં આ ખૂબ સંસ્કારી ભૂમિમાં એક કિંમત છે, એક એવી કદર તથા સહાનુભૂતિ છે કે જે આપણા અભણ મૂર્ખોના સ્વપ્નમાં પણ ન આવે. ત્યાં (ભારતમાં) આપણા લોકો અમને સાધુઓને રોટલાનો એક ટુકડો આપતા સંકોચ દાખવે છે; અહીં તો લોકો એક ભાષણ માટે એક હજાર રૂપિયા આપવા તૈયાર હોય છે અને પાછા ઉપદેશ માટે પોતાની જાતને સદાયના ઋણી ગણે છે. ભારતમાં મારી જે કિંમત થતી એ કરતાં પણ અહીંના અજાણ્યા માણસો મારી ઘણી કિંમત કરે છે.’

જોકે આમ છતાં સ્વામીજીના દેશપ્રેમને, એની રાષ્ટ્રભાવનાને ઊની આંચ પણ આવી નથી. વિદેશના ગુણગાન ગાઈને દર બીજી વાતે ભારતને ગાળો દેનારાઓએ નોટ કરવા જેવી વાત સ્વામીજી પત્રમાં કરે છે: ‘જો ધારું તો હું અહીં એશઆરામમાં આખી જિંદગી રહી શકું, પણ હું તો સંન્યાસી છું; અને ‘હે ભારત! તારી બધી ક્ષતિઓ છતાં હું તને ચાહું છું!’

‘પંજાબની સ્ત્રીઓ ઘાટીલી અને નમણી હોય છે’
સ્વામીજીએ અમેરિકનોને ઘેલું લગાડ્યું હતું. સ્થાનિક ખ્રિસ્તી પાદરીઓમાં સ્વામીજીની વધતી લોકપ્રિયતા ચિંતાનો વિષય હતો. અમેરિકન સ્ત્રીઓ સ્વામીજીના વ્યક્તિત્વ પર ઓળઘોળ હતી, પણ આ સ્વામી વિવેકાનંદ હતા. અડગ હિમાલય. જાત પરનો કાબિલેદાદ સંયમ. કોઈ વિકાર ભાવની હાજરી વિના અહીં અમેરિકન સ્ત્રીની સુંદરતાથી અને તેના જ્ઞાનથી સ્વામીજી પ્રભાવિત પણ થતા જણાય છે. સ્વામીજી ભટ્ટાચાર્યને લખેલા પત્રમાં કહે છે, ‘અમેરિકાની સ્ત્રીઓ વિશેષ લાગણીપ્રધાન છે. તેમને રંગીલાપણાનું ઘેલું વળગેલું છે છતાં પણ હું અહીં એક વિચિત્ર પ્રકારનું પ્રાણી છું. મારામાં કૌતુકરાગી સંવેદન નથી. તેથી તેમની મારા પ્રત્યે આવી લાગણી ટકી શકતી નથી. તેઓ મારા તરફ ખૂબ આદરભાવ દાખવે છે, તેથી તેઓ મને ફાધર અને બ્રધર કહેતા થઈ ગયા છે!’

સ્વામીજી આગળ લખે છે, ‘અમેરિકામાં યુરોપના ઉત્તમ રક્ત પ્રવાહોનું સંયોજન થયું છે, તેથી અમેરિકન સ્ત્રીઓ ખૂબ સુંદર છે. આપણા દેશની સૌથી રૂપાળી સ્ત્રી પણ અહીં કાળા ઘુવડ જેવી લાગે છતાં એટલું કબૂલ કરવું પડે કે પંજાબની સ્ત્રીઓ ઘાટીલી અને નમણી હોય છે. અમેરિકાની ઘણી સ્ત્રીઓ સુશિક્ષિત છે. કોઈ વિદ્વાન પ્રાધ્યાપકને પણ એ જ્ઞાનમાં શરમાવે. રૂપમાં દેવી લક્ષ્મી જેવી અને બુદ્ધિપ્રતિભા તથા સિદ્ધિઓની બાબતમાં એ સરસ્વતી છે. આ બધું પુસ્તકિયા જ્ઞાનથી નહીં મળે, હું તો કહું છું, તમે થોડા સ્ત્રીપુરુષોને વિશાળ દુનિયા નિહાળવા મોકલી શકો! ત્યારે જ આપણું રાષ્ટ્ર જાગશે. (ફરી પાછો કમ્ફર્ટ છોડીને દુનિયા જોવાની વાત!)

ન્યૂ યોર્ક એટલે ન્યૂ યોર્ક!
અલબત્ત, અહીં સ્વામીજી અમેરિકન સંસ્કૃતિ તરફ અંજાયા પણ નથી. શિષ્ય આલાસિંગાને લખેલા એક પત્રમાં અમેરિકનોની ભૌતિકવાદ તરફની દોડ તરફ અંગુલિનિર્દેશ કરતાં લખે છે, ‘ન્યૂ યોર્ક એટલે અમેરિકાનું મસ્તક, હસ્ત અને ધનભંડાર-અર્થાત્ અમેરિકાનાં બુદ્ઘિ, સાધનસામગ્રી અને ધનવૈભવ અહીં એકત્ર થયાં છે. ન્યૂ યોર્કના લોકો ઘણા નિખાલસ હોય છે. ત્યાં જોઉં છું કે હું શું કરી શકીશ. ગમે તેમ પણ આ વ્યાખ્યાન આપ્યા કરવાનું કાર્ય હવે મારા માટે કંટાળાજનક બનતું જાય છે. વધુ ઉચ્ચ આધ્યાત્મિકતાને સમજતાં પશ્ચિમવાસીઓને હજી ઘણો સમય લાગશે. એ લોકો દરેક વસ્તુને રૂપિયા, આના, પાઈથી જ માપે છે. જો કોઈ ધર્મ તેમને ધન, આરોગ્ય સૌંદર્ય કે દીર્ઘાયુષ્ચ લાવી આપે તો તેની આસપાસ તેઓ ટોળે વળશે, નહિતર નહીં..’

અમેરિકાથી ભારત ટેલિગ્રામઃ એક શબ્દના ચાર રૂપિયા!
એક રીતે આ પત્રોમાં આપણે સ્વામીજીની નજરે અમેરિકન સંસ્કૃતિ અને ભારતીય સંસ્કૃતિને જોઈએ રહ્યા છીએ. આ પત્રોમાં ક્યાંક કયાંક એ સમયનો અમેરિકાનો ઇકોનોમિકલ સિનારિયો પણ જોવા મળે છે. આલાસિંગાને લખેલા એક પત્રમાં સ્વામીજી લખે છે કે ત્યાંથી ભારત તાર કરવા માટે એક શબ્દના ચાર રૂપિયા જેટલી ધરખમ રકમ ખર્ચવી પડતી! સ્વામી રામકૃષ્ણાનંદને લખેલા એક પત્રમાં સ્વામીજી લખે છે, ‘અહીં એક સિગારેટનો એક રૂપિયો બેસે છે; ઘોડાગાડીમાં બેઠા કે ત્રણ રૂપિયા આપવા પડે; એક કોટના સો રૂપિયા આપવા પડે; હોટલનો દૈનિક ખર્ચ નવ રૂપિયા છે.. ઇશ્વર બધું જ પૂરું પાડે છે... ઇશ્વરનો જ જય થાઓ..’

અદભુત વાચક સ્વામી વિવેકાનંદ
સ્વામીજીને પોતાનાં સંસ્મરણો પણ પ્રગટ કરવાની ઇચ્છા હતી. આલાસિંગાને લખેલા એક પત્રમાં સ્વામીજીએ આ વાતનો ઉલ્લેખ કર્યો છે. પ્રચંડ જ્ઞાની વિવેકાનંદ વક્તવ્યો પહેલાં કોઈ પૂર્વતૈયારી કરતા નહોતા એ એક પત્રમાં ખ્યાલ આવે છે. આફ્ટરઓલ સ્વામીજી એક શ્રેષ્ઠ વાચક હતા. પોતાના પત્રોમાં સ્વામીજી કાલિદાસના ‘કુમારસંભવ’ને પણ ટાંકે છે, ગીતાના શ્લોકો-વેદો ઉપનિષદોને પણ ટાંકે છે. શ્રીમતી બુલને લખેલા એક પત્રમાં ભર્તૃહરિના ‘નીતિશતક’ને ટાંકતાં લખે છે, ‘સંપત્તિને ગરીબીનો ભય છે, જ્ઞાનને અજ્ઞાનનો ભય છે, સૌંદર્યને વૃદ્ધત્વનો ભય છે, કીર્તિને પાછળથી નિંદનારાઓનો ભય છે, વિજયને અસૂયાનો ભય છે, અરે, શરીરને પણ મૃત્યુનો ભય છે! આ જગતમાં બધું ભયથી વ્યાપ્ત છે, પણ જેણે સર્વસ્વ ત્યજી દીધું છે તે જ ખરો નિર્ભય છે.’

વિવેકાનંદને પોતાના મૃત્યુનો અણસાર આવી ગયેલો?
સ્વામીજી તારીખ 4 માર્ચ 1902ના રોજ પોતાની પુત્રી સમી શિષ્યા ભગિની નિવેદિતાને પત્ર લખે છે, 'અત્યારે રાત છે અને લખતાં કે બેસતાં મને ખૂબ જ તકલીફ પડે છે છતાં તને આ પત્ર લખવાની મારી ફરજ સમજું છું, કારણ કે મને ડર છે કે એ મારો છેલ્લો પત્ર બને અને બીજાને, તકલીફમાં મૂકે. મારી સ્થિતિ એટલી ગંભીર નથી, પણ એ ગમે ત્યારે એવી બને; મારો કેડો નહીં મૂકતો ઝીણો તાવ અને શ્વાસની તકલીફનો અર્થ હું સમજી શકતો નથી. મારું મૃત્યુ થયું હોય તો એ આ શિવની નગરી (વારાણસી)માં થાય એ મને ઘણું ગમશે.’

સ્વામીજી આ પત્રમાં ભારત આવનારી પોતાની શિષ્યા ક્રિસ્ટીનની દેખભાળ રાખવાનું અને બેલુર મઠમાં જમા થયેલી મૂડી સ્વામી રામકૃષ્ણાનંદને આપવા સૂચન કરે છે. વારાણસીથી આ પત્ર લખ્યાને બરાબર ચાર મહિના બાદ તારીખ 4 જુલાઈ, 1902ના રોજ હિન્દુસ્તાનના આ વિરાટ આત્માની તેજસ્વી જીવન જ્યોતિ બુઝાઈ જાય છે!

અન્ય સમાચારો પણ છે...