સફળ સર્જરી:ગર્ભમાં બાળક સાથે ટ્યુમરનો પણ ઉછેર, બાળક તેનાં હૃદય કરતાં પણ મોટાં 3 ઈંચનાં ટ્યુમર સાથે જન્મ્યું, ડૉક્ટર્સે સર્જરીથી ટ્યુમર દૂર કરી કરી નવજીવન આપ્યું

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળક માતાનાં ગર્ભમાં હતું ત્યારે જ આ ટ્યુમરની જાણ થઈ
  • બાળકનાં જન્મ્યા બાદ ગંભીર સ્થિતિ જોઈ ડૉક્ટર્સે તાત્કાલિક સર્જરી કરી
  • ટ્યુમર હોવાથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી

નવજાત બાળકમાં ટ્યુમરનો એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. 2 દિવસના નવજાતના હૃદય પર દુર્લભ ટ્યુમર જોવા મળ્યું, જેને સર્જરી કરી દૂર કરવામાં આવ્યું છે. બાળકની સર્જરી દિલ્હીની ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલમાં કરવામાં આવી. ડૉક્ટર્સનું કહેવું છે કે બાળક ટ્યુમર સાથે જ જન્મ્યું છે. આ દુર્લભ ટ્યુમરને 'ઈન્ટ્રાપેરિકાર્ડિયલ ટેરાટોમા' કહેવાય છે. તેની પુષ્ટિ બાળક જ્યારે માતાના ગર્ભમાં હતું ત્યારે થઈ હતી.

ટ્યુમરને કારણે બીપી લૉ થઈ રહ્યું હતું
હોસ્પિટલના સીનિયર પીડિયાટ્રિક કાર્ડિયાક સર્જન ડૉ. રાજેશ શર્મા કહે છે કે, નવજાતની સ્થિતિ ગંભીર હોવાને કારણે તાત્કાલિક સર્જરી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો. બાળકને તેના હૃદય કરતાં પણ મોટાં કદનું ટ્યુમર હતું. તેને લીધે તેનું બ્લડ પ્રેશર લૉ થઈ રહ્યું હતું. નવજાતને હાર્ટ-લંગ મશીન પર રાખી તેની સર્જરી કરવામાં આવી.

ECGથી બાળકનાં હૃદય પર નજર રાખવામાં આવી
ડૉક્ટર્સના જણાવ્યા પ્રમાણે, પ્રેગ્નન્સીના 20માં અઠવાડિયાંમાં અલ્ટ્રાસાઉન્ડમાં બાળકને ટ્યુમર હોવાની જાણ થઈ હતી. આ ટ્યુમર હૃદયની ઉપર જ થયું હતું. ટ્યુમરની પુષ્ટિ થયા બાદ બાળકનું દર અઠવાડિયો મોનિટરિંગ કરવામાં આવતું હતું. ECGનાં માધ્યમથી ટ્યુમરને કારણે હૃદય પર કઈ અસર થઈ રહી હતી તે જાણવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.

જન્મ સમયે શ્વાસ લેવામાં તકલીફ
જન્મ સમયે બાળકનું વજન 3.2 કિલો હતું. તેને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. શ્વાસનળીના મારફતે તેને ઓક્સિજન આપવામાં આવી રહ્યું હતું અને બાળકને વેન્ટિલેટરનો સપોર્ટ અપાયો હતો. સિટી એન્જિયોના રિપોર્ટમાં સામે આવ્યું કે, આ ટ્યુમર 7 સેન્ટિમીટરનું હતું. આટલું મોટું ટ્યુમર હોવાને કારણે તે હૃદય અને ફેફસાં પર પ્રેશર આપી રહ્યું હતું જેથી બાળકને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

ભવિષ્યમાં બાળકનું રેગ્યુલર ECG કરાવવું જરૂરી
પીડિયાટ્રિક કાર્ડિયોલોજીના કન્સલ્ટન્ટ સર્જન ડૉ. અશોક મારવાહ જણાવે છે કે, ટ્યુમર દૂર કર્યા બાદ હાર્ટ અને ફેફસાં પર કોઈ ખરાબ અસર જોવા મળી નથી, પરંતુ ભવિષ્યમાં સમયસર બાળકનું ECG કરાવી ફોલોઅપ લેવું જરૂરી છે. સર્જરી બાદ બાળકને ડિસ્ચાર્જ કરવામાં આવ્યું છે. હાલ તે સારી રિકવરી પર છે.

ડૉક્ટર્સનું કહેવું છે કે, આવા કેસમાં ડિલીવરી સમયે જોખમ વધી જાય છે. કારણ કે ટ્યુમરની અસર હૃદય અને ફેફસાં પર પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...