ફ્રાંસિસી ઓસ્કાર તરીકે જાણીતા સીઝર અવૉર્ડ્સના આગામી અવૉર્ડ ફંક્શન માટે આ વખતે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વખતે આયોજકોએ નક્કી કર્યું છે કે બળાત્કારના આરોપી એવા એક્ટર અને દિગ્દર્શકને આ વર્ષે ફેબ્રુઆરીમાં સીઝર અવૉર્ડ સમારોહમાં પ્રતિબંધિત કરવામાં આવશે. એનો અર્થ એ છે કે ફ્રેન્ચ એક્ટર સોફિયાન બેનેસરનો અવૉર્ડ ફંક્શનમાં સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. સોફિયાન પર બે બળાત્કારના આરોપોની તપાસ ચાલી રહી છે. આ સાથે જ તેના પર તેના પાર્ટનર પર હુમલો કરવાનો પણ આરોપ છે.
એક્ટર પર અનેક મહિલાઓ પર બળાત્કાર અને મારપીટનો આરોપ
ગત વર્ષે નવેમ્બરમાં એક્ટર સોફિયાન બેનેસર પર અન્ય ઘણી મહિલાઓ દ્વારા બળાત્કાર અને મારપીટ કરવાના આરોપ મૂકવામાં આવ્યા હતા. ફ્રાન્સના યુવાનોમાં લોકપ્રિય એવા સોફિયાને થિયેટરમાં એક્ટિંગ કરવાનું શરૂ કર્યું અને પછી તેને 'લા સ્ટેજિયર' સિરીઝમાં કામ કરવાની તક મળી હતી. આ બાદ આ સોફિયાનને સેમ્યુઅલ બેન્ચેટ્રિટની ફિલ્મ ' ધિસ મ્યુઝિક ડઝ નોટ પ્લે ફોર એનીવન'માં એક્ટિંગ કરવાની તક મળી હતી. આ ફિલ્મ દરમિયાન તેની મુલાકાત ગાયક, મોડેલ અને ભૂતપૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિની પત્ની કાર્લા બ્રુનીની સાવકી બહેન વેલેરિયા બ્રુની-ટેડેસ્કીની સાથે થઈ હતી. તેમણે સોફિયાનની તેની નવી ફિલ્મ 'લેસ એમેન્ડિયર્સ'માં માટે પસંદગી કરી હતી. ટેડેસ્કીને ત્યારથી સોફિયાનની ગર્લફ્રેન્ડ તરીકે ઓળખવામાં આવે છે.
સોફિયાન 32 ઊભરતા કલાકારોમાં સામેલ
આ ફિલ્મ રિલીઝ થયા બાદ સોફિયાને ફ્રેન્ચ સિનેમાના નવા સ્ટાર્સમાં સામેલ થવાનું શરૂ થયું. 32 ઊભરતા કલાકારો સાથે જોડાઈને તેને એકેડેમી ઓફ સીઝન્સની સમિતિ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો, પરંતુ આ સમય દરમિયાન સોફિયાન પર બળાત્કારના આરોપોને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આ કેસ ઓક્ટોબર 2022નો છે.
એક્ટ્રેસ સાથે સંબંધની પણ અફવા ફેલાઈ
આ ઉપરાંત ત્રણ વર્ષ પહેલાં, એટલે કે 2019માં સોફિયાન અન્ય એક એક્ટ્રેસ સાથે રિલેશનશિપમાં હતો. આ સમય દરમિયાન સોફિયાન પર બળજબરીથી જાતીય સંબંધોનો આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ આ વચ્ચે તેણે બધા જ આરોપોને નકારી દીધા હતા.
ટેડેસ્કીએ મીડિયા લિંચિંગના આરોપો ગણાવ્યા
'લેસ એમેન્ડિયર્સ' ના ડિરેક્ટર વેલેરિયા બ્રુની-ટેડેસ્કીએ તેની નિંદા કરી એને "મીડિયા લિંચિંગ" ગણાવ્યું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર સ્વીકાર્યું હતું કે ફિલ્મના નિર્માતાઓ કાસ્ટિંગ દરમિયાન બેનેસર સામેના આક્ષેપોથી વાકેફ હતા, "પરંતુ મેં તેને કહ્યું હતું કે હું આવી અફવાઓ સાથે રોકાવાનો નથી, કારણ કે હું તેના વિના ફિલ્મ બનાવવાની કલ્પના કરી શકતો નહોતો."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.