મધ્યપ્રદેશની પેંચ ટાઇગર રિઝર્વની ખ્યાતનામ વાઘણ T-15 અથવા તો ‘કૉલરવાલી’ ઉર્ફે ‘માતારામ’નું 16 વર્ષની વયે અવસાન થયું છે. આ વાઘણનો જંગલ ક્વીન તરીકેનો કેવો જાજરમાન દબદબો હશે તેની એ વાત પરથી જ કલ્પના કરી શકાય છે કે આ કૉલરવાલીના વિધિવત્ રીતે અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે. ફોરેસ્ટ અધિકારીઓ અને સ્થાનિક લોકોએ ભીની આંખે પોતાની આ પ્રિય વાઘણને આખરી સલામી આપી હતી. વિશ્વના સૌથી વધુ ફોટોગ્રાફ લેવાયેલા વાઘમાં કૉલરવાલીનો સમાવેશ થાય છે. રુડયાર્ડ કિપલિંગ દ્વારા સર્જાયેલી પ્રસિદ્ધ નોવેલ ‘મોગલી’ ફેમ ‘જંગલ બુક’ની વાર્તા આ પેંચ ટાઇગર રિઝર્વમાં જ આકાર લે છે.
‘મધર ઑફ પેંચ’ અથવા તો ‘સુપરમોમ’ તરીકે ઓળખાતી આ વાઘણે 16 વર્ષની હતી. હજુ મકરસંક્રાંતિના દિવસે પણ ઘણા પ્રવાસીઓએ તેના ફોટોગ્રાફ લઇને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા હતા. ત્યારપછી આ વાઘણે છેલ્લા શ્વાસ લીધા. રસપ્રદ વાત એ છે કે 2008થી 2018નાં અગિયાર વર્ષમાં આ કૉલરવાલીએ ખાસ્સા 29 બચ્ચાંને જન્મ આપેલો. તેમાંથી 25 બચ્ચાં આજે પણ મધ્યપ્રદેશનાં જંગલોમાં આણ વર્તાવતાં ફરે છે. આજે વિશ્વના કુલ વાઘમાંથી 70 ટકા વાઘ ભારતમાં છે અને તેમાં પણ 525 જેટલા વાઘ સાથે મધ્યપ્રદેશ દેશમાં મોખરે છે. ભારતમાં રાષ્ટ્રીય પ્રાણીની વસ્તી વધારવામાં અને જંગલોમાં ઇકોલોજિકલ બેલેન્સ લાવવામાં કૉલરવાલીનો લિટરલી ‘સિંહફાળો’ છે.
કૉલરવાલીને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ શ્રદ્ધાંજલિ આપી. તેમણે લખ્યું કે, ‘મધ્યપ્રદેશની શાન અને 29 બચ્ચાંની માતા એવી પેંચ ટાઇગર રિઝર્વની સુપર ટાઇગ્રેસ મોમ કૉલરવાલીને શ્રદ્ધાંજલિ. તેણે મધ્યપ્રદેશને ટાઇગર સ્ટેટનો દરજ્જો અપાવવામાં મહત્ત્વનું યોગદાન આપ્યું. મધ્યપ્રદેશનાં જંગલોમાં પેંચની ક્વીનનાં સંતાનોની ત્રાડ હંમેશાં ગૂંજતી રહેશે.’
પેંચ ટાઇગર રિઝર્વના ફીલ્ડ ડિરેક્ટર આલોક મિશ્રાએ કહ્યું કે છેલ્લે તે પેંચના ભુરા નાલા વિસ્તારમાં જોવા મળી હતી. તેની સ્થિતિ જોઇને ફોરેસ્ટ ગાર્ડ્સને દાળમાં કાળું લાગ્યું એટલે તેને વેટરિનરી ડૉક્ટરોની નજર હેઠળ રાખવામાં આવી. શનિવારે 16 જાન્યુઆરીના રોજ કૉલરવાલીએ સાંજે 6-15 વાગ્યે છેલ્લા શ્વાસ લીધા. તેના મૃત્યુનું કારણ જૈફ વયને કારણે મલ્ટિ ઓર્ગન ફેલ્યોર તરીકે આપવામાં આવ્યું છે.
આ વાઘણનું નામ ‘કૉલરવાલી’ કઈ રીતે પડ્યું તેની પણ રસપ્રદ સ્ટોરી છે. માર્ચ 2008માં આ વાઘણને દહેરાદુનના એક્સપર્ટ્સ દ્વારા ગળામાં રેડિયો કૉલર બાંધવામાં આવ્યું હતું, જેથી તેની મુવમેન્ટ પર ધ્યાન રાખી શકાય અને તેનાં બચ્ચાંને પણ ટ્રેક કરી શકાય. રેડિયો કૉલર ધારણ કરનારી તે મધ્યપ્રદેશની પહેલી વાઘણ હતી. બે વર્ષમાં તે રેડિયો કૉલર કામ કરવાનું બંધ થઈ જતાં આ વાઘણને જાન્યુઆરી, 2010માં ફરીથી નવું કૉલર બાંધવામાં આવ્યું. ત્યારપછી તેનું નામ ‘કૉલરવાલી’ પડી ગયું.
કૉલરવાલીનો જન્મ 2005માં T-7 ઉર્ફે ‘બડીમાતા’ નામની વાઘણ અને T-1 ઉર્ફે ‘ચાર્જર’ નામના વાઘના સંવનનથી થયો હતો. ત્રણ વર્ષ બાદ 2008માં કૉલરવાલીએ ત્રણ બચ્ચાંને જન્મ આપેલો, પરંતુ તેમાંથી એકેય બચ્ચું જીવ્યું નહીં. પરંતુ ઓક્ટોબર 2010માં કૉલરવાલીએ પાંચ બચ્ચાંને જન્મ આપ્યો અને ત્યારપછીના દાયકામાં છ વખત માતૃત્વ ધારણ કર્યું અને મધ્યપ્રદેશનાં જંગલને વાઘની ત્રાડથી ગાજતું કરી દીધું.
જબલપુરની સ્ટેટ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના સાયન્ટિસ્ટ અનિરુદ્ધ મજુમદારે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, 16 વર્ષ કરતાં પણ વધુ સમય સુધી જંગલમાં બાદશાહતથી ફરવું એ પણ એક વાઘ માટે રેકોર્ડ સમાન છે. તેણે માત્ર પેંચ જ નહીં, પરંતુ પન્ના ટાઇગર રિઝર્વમાં પણ વાઘની વસ્તી વધારવામાં યોગદાન આપ્યું હતું. કૉલરવાલીનાં એક માદા સંતાનને પન્ના ટાઇગર રિઝર્વમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું, જ્યાં તેણે પાંચ તંદુરસ્ત બચ્ચાંને જન્મ આપેલો.
કૉલરવાલીના મૃત્યુને મોટી ઉંમરને કારણે આવેલું નેચરલ ડેથ કહેવામાં આવી રહ્યું છે. જોકે તેના પોસ્ટમોર્ટમમાં ડૉક્ટરોને જાણવા મળ્યું કે તેનું પેટ વાળ અને કાદવને કારણે બ્લોક થઈ ગયું હતું.
કૉલરવાલી BBCની ડૉક્યુમેન્ટરી ‘ટાઇગર-સ્પાય ઇન ધ જંગલ’માં પણ ચમકી હતી.
તેનાં મૃત્યુના સમાચાર આવ્યા પછી સોશિયલ મીડિયામાં કૉલરવાલીની તસવીરો અને શ્રદ્ધાંજલિનું ઘોડાપુર આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.