ગર્ભવતી મહિલાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધુ:સોશિયલ મીડિયામાં ડિલિવરી પછીની સ્લિમટ્રીમ બોડીની તસવીરોથી મહિલાઓ ચિંતામાં ગરકાવ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

હાલ સોશિયલ મીડિયામાં મહિલાઓ પ્રેગ્નન્સી દરમિયાન અને ડિલિવરી બાદ તસવીર શેર કરવાનું ચલણ વધ્યું છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલી તસવીરમાં મહિલા ડિલિવરી બાદ પણ ફિટ જોવા મળે છે. તેમના પેટ પર ના તો સ્ટ્રેસમાર્ક જોવા મળે છે ના તો ઓપરેશનનાં નિશાન, પરંતુ આ હકીકત નથી.

ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટી ઓફ સિડનીમાં કરવામાં આવેલા એક સંશોધનમાં ખબર પડી હતી કે ડિલિવરી બાદ સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવતી તસવીરોમાં વાસ્તવિકતા દેખાડવામાં આવતી નથી. ઘણી તસવીરોમાં ફોટોશોપની કમાલ હોય છે. ટેક્નિક દ્વારા સુંદરતામાં ચારચાંદ લગાડવામાં આવે છે.

ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીર પર કરવામાં આવ્યું રિસર્ચ
સંશોધકો દ્વારા પોસ્ટપાર્ટમ બોડી હેશટેગથી ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી 600 તસવીર પર રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ 600 તસવીર પૈકી ફક્ત 5% તસવીરોમાં જ સ્ટ્રેચમાર્ક્સ અથવા ઓપરેશનનાં નિશાન જોવા મળ્યાં હતાં, જેમાં રિસેટ અને ટોપ મોસ્ટ કેટેગરીમાં જે તસવીર છે એ પૈકી 91% દૂબળી-પાતળી અથવા ઓછા વજનવાળી મહિલાઓની તસવીર હતી. આ બધી જ તસવીરોને તમામ સોફ્ટવેરની મદદથી જ ખૂબસૂરત બનાવવામાં આવી છે. આ પૈકી ઘણી તસવીરોમાં ફિલ્ટર પણ લગાવવામાં આવ્યાં છે.

જર્નલ ઑફ હેલ્થકેર રિસર્ચમાં પ્રકાશિત આ સંશોધનના મુખ્ય સંશોધક અને સિડની યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. મેગન ગૌ જણાવે છે કે સોશિયલ મીડિયા પર મૂકવામાં આવી રહેલી આ તસવીરો એક પ્રકારની મૂંઝવણ પેદા કરી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓ પહેલેથી જ દબાણમાં હોય છે. સોશિયલ મીડિયાની આ તસવીરો જોઈને તે વધુ તણાવમાં જઈ રહી છે.

નવી માતાઓમાં ડિપ્રેશનનું પ્રમાણ વધારે
જે મહિલાઓએ હાલમાં જ બાળકોને જન્મ આપ્યો છે તેમનામાં શરીર પ્રત્યે અસંતોષની લાગણી જન્મી રહી છે. ઘણી વખત તે ડિલિવરી પછી ડિપ્રેશન અને ચિંતાથી પીડાય છે. ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ સાઈટ પર ડિલિવરી પછીની તસવીર જોઈને તે પોતાની જાતને કહે છે, મારે પણ સુપર ફિટ અને પાતળું હોવું જોઈએ. બાળકોને ફીડિંગ કરાવતા સમયે પણ તેના ફિગર વિશે વિચારે છે, જેને કારણે અનિદ્રાનો શિકાર બને છે.

ઓસ્ટ્રેલિયામાં તો આ સ્થિતિ એ હદે કથળી છે કે બાળકને જન્મ આપ્યા બાદ મહિલાઓમાં ચિંતા ને હતાશા માટે એક હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. હેલ્પલાઇનના મુખ્ય અધિકારી જુલી બૉનીંકોફ જણાવે છે કે સોશિયલ મીડિયા પર ડિલિવરી બાદની તસવીરો જોઈને મહિલાઓ પોતાની ટીકા કરવા લાગી છે. આ મહિલાઓને સમજાવવું પડે છે કે આ સમયમાં લગભગ બધી જ મહિલાઓને આ પ્રકારના ફેરફારમાંથી પસાર થવું પડે છે.

હાલમાં જ માતા બનેલી મહિલાઓને શરીરને પ્રેમ કરવાનું ન કહો
સિડની સ્થિત ક્લિનિકલ સાઇકોલોજિસ્ટ કેથરિન સૉન્ડર્સ કહે છે, જે મહિલાઓએ હાલમાં જ બાળકને જન્મ આપ્યો હોય છે તેમની પર શરીરને પ્રેમ કરવો એ એક પ્રકારનું દબાણ જ છે. 3 વર્ષની છોકરીની માતા અને ફિટનેસ એક્સપર્ટ જુલી ફ્રીમેનનું કહેવું છે કે ડિલિવરી પછી સોશિયલ મીડિયા પર બોડી ફ્લોન્ટ કરવું ઠીક નથી. વધુ સારું છે કે સગર્ભા સ્ત્રીઓ એ સમય દરમિયાન થતા ફેરફારો વિશે વાત કરે.