• Gujarati News
  • Lifestyle
  • Play The Political Game 'Shasan' And Learn To Think Like A Politician, What Is The Kejriwal Connection To This Boardgame?

ભાસ્કર ઇન્ટરવ્યૂઘેરબેઠાં ચૂંટણી લડાવતી અનોખી બોર્ડગેમ:પોલિટિકલ ગેમ ‘શાસન’ રમો અને રાજકારણીની જેમ વિચારતા શીખો, આ બોર્ડગેમનું કેજરીવાલ કનેક્શન શું છે?

અમદાવાદ3 મહિનો પહેલાલેખક: વિક્રમ મહેતા
  • કૉપી લિંક

શું ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ એક્ટ (GST) નાબૂદ કરવો જોઈએ?, શું ગાંજાના છોડનાં વાવેતરને કાયદેસરની માન્યતા આપવી જોઈએ?, શું ગેમ્બલિંગ અને બેટિંગને કાયદેસર કરવું જોઈએ?, જો પાડોશી દેશ પૂરમાં ફસાઈ જાય તો તમે આર્થિક સહાય કરશો?, ગૌરક્ષા દિવસને નેશનલ હોલિડેની માન્યતા મળવી જોઈએ?

આ કોઈ UPSCની પરીક્ષાના ઇન્ટરવ્યૂમાં પુછાતા સવાલોનું લિસ્ટ નથી. બલકે એક બોર્ડ ગેમમાં આવતા પ્રશ્નો છે. ‘શાસન’ નામની પોલિટિકલ બોર્ડ ગેમ રમતી વખતે પ્લેયર્સને આ પ્રકારના રાજકીય-સામાજિક-નૈતિક પ્રશ્નોનો સામનો કરવો પડે છે. આપણે હાઈસ્કુલમાં હતા ત્યારે ગુજરાતીમાં આપણે નિબંધ આવતો: ‘જો હું રાજનેતા હોઉં તો?’, ‘જો હું વડાપ્રધાન હોઉં તો?’ બસ, આ ગેમ આવી જ છે. તમે એક પોલિટિશિયન હો તો શું કરો? કોઈ પણ પોલિટિકલ ડિસીઝન લેતી વખતે એક પોલિટિશિયનની મનોસ્થિતિ શું હોઈ શકે એનો અનુભવ આપવાનું કામ કરે છે 'શાસન'.

આ ગેમમાં ચાર વિચારધારાનો જંગ છે
એક મિનીટ.. એક મિનીટ.. આ પોલિટિક્લ-બોલિટિકલ ને ગેમ બેમ ને શાસન-બાશન ને શું છે આ બધું? કાંઈ ફોડ પાડો તો સમજાય બાબુમોશાય! ઓકે, તો જુઓ ભાઈઓ-બહેનો, ચરમસીમા પર પહોંચેલો ગુજરાત ઇલેક્શનનો માહોલ આ બોર્ડ ગેમની વાત કરવા માટે નિમિત્ત બન્યો છે. શાસન એક પ્યોર સ્ટ્રેટેજી ગેમ છે. ભારત જેવા દેશમાં ચેસ જેવી ગેમને બાદ કરીએ તો પોલિટિકલ બોર્ડ ગેમનો માહોલ ખાસ બન્યો નથી, ત્યારે ‘શાસન’ (Shasn) કે પછી ‘ધ પોલ’ (The Poll) જેવી પોલિટિક્સ-ઇલેક્શન બેઝ્ડ બોર્ડ ગેમ્સ એક હદથી વધારે લાઈમલાઈટમાં આવી નથી. ખાસ્સી અંડરકોર્નર રહી જાય છે.

શાસન બોર્ડ ગેમની વાત કરીએ તો વર્ષ 2019માં કિકસ્ટાર્ટર નામના ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર લૉન્ચ થયેલી આ બોર્ડ ગેમ લ્યૂડો કે સાપસીડી કે નવો વેપારી જેવી સીધી સરળ નથી. કારણકે આમાં લક ફેક્ટર કામ નથી કરતું, પણ એમા ઇન્ટેલેક્ચ્યુઅલ ફેક્ટર-પોલિટિકલ આઈડિયોલોજીનું ફેક્ટર કામ કરે છે. એક એવી ગેમ છે કે જેમાં દરેક પ્લેયર એક પોલિટિશિયન છે. શાસન બોર્ડ ગેમ બેથી ચાર ખેલાડીઓ રમી શકે. આ ગેમમાં ચાર વિચારધારાઓ છે: ધ કેપિટાલિસ્ટ, ધ સુપ્રીમો, ધ શોસ્ટોપર, ધ આઈડિયલિસ્ટ.

ધ કેપિટાલિસ્ટ મુક્ત વેપાર પર ધ્યાન આપે છે, સુપ્રીમો ઓળખની રાજનીતિ પર આપે છે, અહીં સુપ્રીમો ક્યાંક ને ક્યાંક જમણેરી વિચારધારાનો પણ નિર્દેશ કરે છે. ધ શોસ્ટોપર મીડિયાનું ધ્યાન આકર્ષિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, અને આદર્શવાદી વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા પર ધ્યાન આપે છે.

નવ ઝોન છે અહીં. જે આ ઝોનમાંથી મેજોરિટી વોટશૅર મેળવી શકે તે ગેમનો વિજેતા બને છે. મેજોરિટી વોટ શૅર કેવી રીતે મળી શકે? તો કે નાણાંકીય ભંડોળ, વ્યક્તિગત પ્રભાવ, મીડિયા અને ટ્રસ્ટ જેવાં સંસાધનો દ્વારા મતદારો પ્રભાવિત થાય છે. આ સંસાધનો આઈડિયોલોજી કાર્ડ્સ પરના પોલિટિકલ-સોશિયલ-એથિકલ પ્રશ્નોને તમે કઇ રીતે ઉકેલો છો એના આધારે મળે છે. આ ગેમમાં તમારે મીડિયાને પણ સંભાળવાનું છે, કેમ્પેઇન ફંડ પણ સંભાળવાનું છે, કાર્યકર્તાઓને સંભાળવાના છે. આ બધુ સંભાળતાં મેજોરિટી વોટ શૅર મેળવવા માટે પ્લેયરને પોલિટિકલ-સોશિયલ-એથિકલ પ્રકારના પ્રશ્નો ઊકેલતા જવાના છે અને ઇલેક્શનમાં વિનર બનવાનું છે.

કોણ છે આ ગેમના સર્જક ઝેન મેમણ?
આવી કોમ્પલેક્સ પણ ઇન્ટરેસ્ટિંગ ગેમ કોણે ડિઝાઈન કરી હશે, આવો પ્રશ્ન તમારા મનમાં સળવળવા માંડે છે. તમે શાસન બોર્ડ ગેમ ઓનલાઈન ઓર્ડર કરો અને એના આકર્ષક બ્લેક કવર બોક્સ પર તમારી નજર પડે ત્યાં જવાબ સ્વરૂપે વંચાય છે: ક્રિએટેડ બાય ઝેન મેમણ.

ઝેન એક પોલિટિકલ થિંકર છે, વર્ચ્યુઅલ ફિલ્મમેકર છે, સ્ટોરી ટેલર છે અને ગેમ ડિઝાઈનર પણ છે. મુંબઈમાં ઊછરેલા ઝેનને ફોર્મલ એજ્યુકેશનમાં રસરુચિ નહીં. ટીનએજ હતા ત્યારે જ મીડિયા અને ડિજિટલ દુનિયામાં કદમ માંડી દીધા. 2013માં આવેલી મસ્ત ફિલ્મ ‘શિપ ઓફ થિસીયસ’ ફેમ ગુજરાતી ડિરેક્ટર આનંદ ગાંધી સાથે ફિલોસોફી, સાયન્સ અને સિનેમાની કલ્ચરલ લેબ 'મેમેસીસ'ના કો-ફાઉન્ડર પણ રહ્યા. જેમાં રાધિકા આપ્ટે, રસિકા દુગલ, જેકી શ્રોફ, વિજય વર્મા જેવા કલાકારો અભિનીત 'ઓકે કમ્પ્યૂટર' જેવી સાયન્સ ફિક્શનલ કોમેડી વેબસિરીઝના એક્ઝિક્યૂટીવ પ્રોડ્યુસર રહ્યા. ઝેન મેમણ ‘દિવ્ય ભાસ્કર’ એપ સાથે ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં રસપ્રદ વાત માંડે છે.

કેજરીવાલની ડૉક્યુમેન્ટ્રી બની ને આઇડિયા આવ્યો
પોલિટિકલ બોર્ડ ગેમ શાસનના આઈડિયા પાછળ મજાની વાત છે. યાદ હોય તો, વર્ષ 2016માં એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ આવી હતી. 'એન ઇનસિગ્નિફિકન્ટ મેન' નામની. અન્ના હજારેની ભ્રષ્ટાચાર વિરોધી મુવમેન્ટ અને આમ આદમી પાર્ટી-અરવિંદ કેજરીવાલના રાઈઝિંગ પર બનેલી આ સોશિયલ-પોલિટિકલ ડોક્યુમેન્ટ્રીની મેકિંગ ટીમ સાથે ઝેન ક્રિએટિવ પ્રોડ્યુસર તરીકે જોડાયેલા હતા. ઝેન કહે છે, ‘આ ડોક્યુમેન્ટ્રી બનાવતાં જ અમને પોલિટિકલ મશીનરીનો અભ્યાસ થયો. એક રાજકારણીને સફળ કે અસફળ બનાવતાં પરિબળો ધ્યાનમાં આવ્યાં. પોલિટિકલ નોલેજને ઇમ્પ્રુવ કરતાં પરિબળો વિકસ્યાં. અને શાસન પોલિટિકલ બોર્ડ ગેમના વિચારબીજે જન્મ લીધો.’

ઝેન બહુ સ્પષ્ટ હતા. લોકોને પોલિટિકલ આસ્પેક્ટ્સનો અભ્યાસ થાય એવી ગેમ ડેવલપ કરવી. કે જેની સાથે અનુસંધાન સાધી શકે. પોલિટિક્સ જેવા વિષય પર સિવિક સેન્સથી ડિસ્કસ થાય (સૌથી અઘરું છે આ હોં!). ઝેન કહે છે, ‘વર્ષ 2019 આસપાસ લોકો વચ્ચેનો પોલિટિકલ સંવાદ ઉગ્ર થઈ રહ્યો હતો. અમને એવું લાગ્યું કે આખરે કોઈ એવું પ્લેટફોર્મ ડેવલપ કરીએ કે જેમાં લોકો રાજકારણીઓ વિશે ચર્ચા ન કરતાં પોલિટિક્સની પોલિસી-આઈડિયોલોજી વિશે ચર્ચા કરે.’

શાસન ગેમને ડિઝાઈન કરવાની ડિઝાઈન કરવાની પ્રોસેસ વિશે વાત કરતાં ઝેન કહે છે, ‘પોલિટિકલ બોર્ડ ગેમ બનાવવાની પ્રોસેસ અન્ય મીડિયા ફોર્મેટ કરતાં થોડી અલગ છે. પોલિટિકલ ફિલ્મમાં વાર્તાને આગળ ધપાવવા માટે ઓડિયન્સને કશી મહેનત નથી કરવાની હોતી, જ્યારે પોલિટિકલ બોર્ડ ગેમની બાબતમાં એવું નથી. પોલિટિકલ બોર્ડ ગેમ ડિઝાઈન કરતાં તમારે એક વાર્તા ઘડવી પડે છે. પોલિટિકલ ગેમ ડિઝાઈન કરતા તમારે વ્યક્તિગત સ્તરે વિચારવું પડે છે. તમારે એમ જ વિચારવું પડે છે કે ગેમમાં ટાસ્ક તરીકે મૂકવામાં આવતી વાત તમારી પોતાની સાથે બની છે. આ ઘટના કોઈ અન્ય સાથે બની છે એવું વિચારવાનો અહીં અવકાશ નથી.’

પોલિટિકલ કોન્ટેન્ટ પર ઝેન દ્વારા ખૂબ કામ થયું છે. પોલિટિકલ રીડિંગ પણ ઝેને ખૂબ કર્યું છે. અને હજારો વીડિયો ગેમનો ઝેનને અભ્યાસ છે. આ પાસાંઓ પોલિટિકલ ગેમ બોર્ડ ડેવલપ કરતી વખતે ખૂબ કામ લાગ્યાં છે. ઝેન પાસેથી જાણીએ ત્યારે નવાઈ લાગે કે ઝેન અને એમની ટીમ દ્વારા આ ગેમનું ખૂબ ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે, ઝેનનો દાવો સાચો માનીએ તો સરેરાશ આઠ હજાર લોકોએ આ ગેમ રમી છે. શાસનની મેકિંગ ટીમ દ્વારા નિરીક્ષણ થયું કે ક્યાં ગેમ વેગ પકડે છે. કયાં ધીમી પડી જાય છે. કયાં માહોલ રસપ્રદ બને છે. આ પ્રકારની અનેક બાબતોની ચકાસણી થઈ અને પછી તેનું ફાઈનલ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું.

ઝેન એક વર્ચ્યુઅલ ફિલ્મમેકર છે ત્યારે પોલિટિકલ આઈડિયોલોજી બેઝ્ડ ફિલ્મ કે પોલિટિકલ આઇડિયોલોજી બેઝ્ડ વીડિયો-મોબાઈલ ગેમ ડેવલપ કરવાને બદલે ઝેને પોલિટિકલ બોર્ડ ગેમની પસંદગી કેમ કરી. ઝેન આની પાછળનું કારણ આપતાં કહે છે, આ ગેમ બનાવવાનું કારણ એ છે કે અમે લોકો વચ્ચે પોલિટિકલ સંવાદ ઇમ્પ્રુવ કરાવવા માગતા હતા. એક એવી ગેમ કે જેમાં લોકો સામસામે બેસીને ચર્ચા કરી શકે. પોલિટિશિયનની જેમ વિચારી શકે. પોલિટિકલ મંતવ્યો-પોલિટિકલ વિચારધારા એ માણસની બહુ અંગત બાબતો છે. ફેમિલીના લોકો પોતાના ડ્રોઈંગરૂમમાં કે બેડરૂમમાં બેસીને વિવિધ રાજકીય વિચારધારાઓ અને સ્ટ્રેટેજીઓ વિશે વાત કરે અને તેના માટે આ ગેમ એક પ્લેટફોર્મ બને એવી અમારી ગણતરી હતી. ડ્રોઈંગરૂમમાં એકદમ સુસભ્યતાથી પોલિટિક્સ વિશે લોકો એકબીજા સાથે હેલ્ધી ડિસ્ક્શન કરતા થાય એ આ પોલિટિકલ ગેમ બોર્ડ બનાવવા પાછળનો અમારો હેતુ હોવાથી વર્ચ્યુઅલ ગેમને બદલે પોલિટિકલ બોર્ડ ગેમ બનાવી. રાજકીય વિચારધારા આ ગેમ જીતાડી શકે?

તમે પોલિટિકલ મુદ્દાઓ આધારિત એક પ્યોર સ્ટ્રેટેજી બેઝ્ડ પોલિટિકલ ગેમ ડિઝાઈન કરી રહ્યા હો અને તમારી પર્સનલ આઈડિયોલોજી ગેમના મેકિંગ પર અસર ન કરે એ થોડું કઠીન છે. ઝેનની વ્યક્તિગત વિચારધારા આ ગેમમાં કેટલી પ્રભાવક રહી? સીધી રીતે કહીએ તો શું એવું છે કે જે પ્લેયર મેકરની વ્યક્તિગત વિચારધારાની નજીક હોય એટલો જ એ જીતનો વધુ દાવેદાર બની જાય? ઝેન કહે છે, ‘મહિનાઓ સુધી મારી ટીમ સાથે ચર્ચા-વિચારણા કર્યા પછી અમે એ તારણ પર આવ્યા કે આ પોલિટિકલ ગેમની કોઈ ચોક્કસ આઈડિયોલોજી ન હોઈ શકે. તમે લેફ્ટ વિંગર હો તો પણ આ ગેમ જીતી શકો છો અને રાઈટ વિંગર હો તો પણ આ ગેમ જીતી શકો છો. તમે કમ્યુનિસ્ટ હો તો પણ આ ગેમના વિજેતા બની શકો છો અને પાક્કા કેપિટાલિસ્ટ થઈને પણ આ ગેમ જીતી શકો છો. ઈન શોર્ટ, ગેમમાં મૂકવામાં આવેલી કોઈ ચોક્કસ વિચારધારાથી જ તમે ગેમ જીતી જાઓ એવું નથી. તમે ગેમનું સ્ટાર્ટિંગ વર્ઝન જુઓ તો અમે એમાં 216 જેટલા અલગ-અલગ પોલિટિકલ દૃષ્ટિકોણનો એમાં સમાવેશ કર્યો છે. મારી આઇડિયોલોજી ગેમ ડિઝાઈન સાથે માત્ર દસ જ ટકા મળે છે. ગેમ ડિઝાઇનિંગની બધી બાબતો સાથે હું સહમત નથી.’

અલબત્ત, ઝેનની સ્પષ્ટતાથી એક પ્રશ્ન એ પણ થાય કે તો પછી ઝેનની પર્સનલ આઈડિયોલોજી અને ગેમની ઓલઓવર આઈડિયોલોજી-ડિઝાઈનિંગને લઈને કોઈ કોન્ફ્લિક્ટ પેદા ન થયો? ઝેન કહે છે, 'બિલકુલ થયો. પર્સનલ આઈડિયોલોજી અને ગેમની ડિઝાઈનને અલગ કરતાં સમય લાગ્યો અને પછી શાસન બોર્ડ ગેમ ડિઝાઈન કરી.’

દેશનો એક બહુ મોટો વર્ગ આ ગેમથી અજાણ છે. અત્યાર સુધીમાં આ ગેમનું ખાસ માર્કેટિંગ થયું નથી એટલે ગેમની માંડ દસ હજાર જેટલી કૉપીનું વેચાણ થયું છે. અત્યારે ત્રણ હજારની કિમતમાં મળતી આ બોર્ડ ગેમ ભવિષ્યમાં કિફાયતી કિંમતે વેચાણ કરવાનો ઝેનનો પ્લાન છે. ઝેન આ ગેમના માર્કેટ વિશે વાત કરતાં કહે છે, ‘આ ગેમનું માર્કેટ ઇન્ડિયામાં માત્ર દસ ટકા જ છે. ફોરેન કન્ટ્રીઝ ખાસ તો નોર્થ અમેરિકામાં વધારે છે. ત્યાંના લોકો ભારતની રાજનીતિને સમજવા માગે છે. ઇન્ડિયામાં પોલિટિકલ બોર્ડ ગેમનું કલ્ચર નથી. અહીં પોલિટિકલ બોર્ડ ગેમનું કલ્ચર ડેવલપ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. દર શનિ-રવિવારે ફેમિલીના બધા સભ્યો ભેગા મળીને પોલિટિકલ બોર્ડ ગેમ રમે એ વાતાવરણ ભારતમાં ઊભું કરવું ઘણું અઘરું છે પણ શક્ય તો છે જ. આવનારાં પાંચથી-છ વર્ષમાં જ આ વાતાવરણ ઊભું થવાની શક્યતા હું જોઈ રહ્યો છું.’
ભારતમાં આવી ગેમ ‘ચાલે’ ખરી?
અહીં એક પ્રશ્ન ઉદ્ભભવે કે ઇન્ડિયા પોલિટિકલ કરંટવાળો દેશ છે એ વાત સાચી, પરંતુ અહીં ઝેને કહ્યું એમ હજુ પોલિટિકલ બોર્ડ ગેમનું કલ્ચર ડેવલપ થયું નથી. ભારતમાં લુડો કે નવો વેપારી જેવી લક ફેક્ટર પરની ગેમ વધુ ચાલે છે (એમાંય લુડો તો હવે લોકો મોબાઇલ પર રમતા થઈ ગયા છે), ત્યારે પોલિટિકલ આઈડિયોલોજી-ઇન્ટેલેક્ચ્યુઅલ ફેક્ટર પર કામ કરતી પ્યોર સ્ટ્રેટેજી બેઝ્ડ પોલિટિકલ બોર્ડ ગેમ દેશના એક ચોક્કસ બૌદ્ધિક-ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ગ પુરતી જ સીમિત રહી જાય છે. દેશના એક વિશાળ માસ વર્ગ સુધી આવી ગેમ પહોંચતી નથી. ત્યારે આવી ગેમને થોડી સરળ બનાવીને દેશના વિશાળ વર્ગ સુધી ન પહોંચાડી શકાય? ઝેન આ વાત સાથે બિલકુલ સહમત નથી. અસહમતીના સૂરમાં ઝેન કહે છે, ‘સરળ બનાવવાની શું જરૂર છે? આપણી દુનિયા જ ઘણી કોમ્પલેકસ છે. તમે કઇ પોલિટિકલ પાર્ટીને પસંદ કરશો એ સામાન્ય નિર્ણય નથી. તમારા મિત્રો કોણ હશે કે તમે કોને જીવનસાથી બનાવશો કે પછી તમે તમારા સંતાનોને કેવી તાલીમ આપશો... આ સામાન્ય નિર્ણયો નથી. જો સારા નિર્ણયો લેવા હશે તો આપણે કોમ્પલેક્સિટીની આદત પાડવી પડશે.’

ઝેન આગળ દલીલ કરતાં કહે છે, ‘આ ગેમ કોમ્પ્લેક્સ નિર્ણય લેતા શીખવાડે છે. ભારત જેવા દેશમાં એવું કોઈ નથી કે જે કોમ્પલેક્સ ડિસીઝન ન લઈ શકે. ફર્ક છે તાલીમનો, ફર્ક છે કોમ્પલેક્સ મુદ્દાને ઇન્ટરેસ્ટિંગ બનાવવાનો. આ ગેમ પોલિટિકલ ડિસીઝનને મજેદાર અને ઇન્ટરેસ્ટિંગ બનાવે છે. પોલિટિક્સ પ્રત્યેની તમારી નેગેટિવ મેન્ટાલિટી આ ગેમને કારણે પોઝિટિવ બની જશે. અમે આ ગેમને સિમ્પ્લિફાઈડ કરી શક્યા હોત અને અમને પ્રોફિટ પણ વધારે મળી શકત, પણ તો પછી અમારો જે મૂળ હેતુ છે એ સાર્થક ન થઈ શકે. આ ગેમ કોમ્પ્લેક્સ છે પણ એનાથી લોકોને ખ્યાલ આવશે કે દેશ-દુનિયાના પોલિટિકલ પ્રશ્નો શું છે. લોકોને એ ખ્યાલ આવશે કે પોલિટિક્લ વિશે વાત કરવી કેટલી જરૂરી છે. લોકો એકબીજા પર આક્ષેપ કર્યા વિના, ગુસ્સે થયા વગર, સુસભ્યતાથી-તર્કબદ્ધ રીતે પોલિટિક્સ પર ચર્ચા કરશે તો દેશનો વિકાસ થશે.’

‘શાસન’માં અત્યાર સુધી તેર વર્ઝન રિલીઝ થઈ ચૂક્યાં છે. ઇન્ડિયા 2019 ઇલેક્શન, અમેરિકા 2019, એન્શિઅન્ટ રોમ 40BC, આઝાદી, અમેરિકન સ્વાતંત્ર્ય, રશિયન રિવોલ્યુશન, ફ્રેન્ચ રિવોલ્યુશન, હોંગકોંગ રિવોલ્યુશન જેવાં વર્ઝન અત્યાર સુધી આ પોલિટિકલ બોર્ડ ગેમમાં એડ થયાં છે. ઝેન આ ગેમને લઈને પોતાના ફ્યુચર પ્લાન અંગે કહે છે, ‘અમે શરુઆતમાં પાંચ વર્ઝન પ્લાન કર્યાં હતાં અને પછી આઠ વધારાનાં વર્ઝન એડ કર્યાં છે. ફ્યુચરમાં 2021નું એક વર્ઝન અમે ઇન્સ્ટોલ કરવાના છીએ અને પછી 2023નું એક વર્ઝન ઇન્સ્ટોલ કરવાના છીએ. દરેક વર્ઝનમાં ઝેન અને એમની ટીમ કરંટ પોલિટિકલ મુદ્દા એડ કરે છે અને જૂના મુદ્દાઓને દૂર કરે છે.

ઝેન ભારતના પોલિટિક્સ અને યુથને લઈને ખૂબ આશાસ્પદ છે. ઝેન કહે છે, ‘મને ઇન્ડિઅન પોલિટિક્સના ફ્યુચરમાં બહુ શ્રદ્ધા છે. ઇન્ડિયન પોલિટિક્સમાં બદલાવની ઘણી જરૂરિયાત છે અને આ બદલાવ મને આગામી પાંચ-સાત વર્ષમાં આવતો દેખાઈ રહ્યો છે. આગામી વર્ષોમાં માહોલમાં ઘણો ઇમ્પ્રુવમેન્ટ આવશે એમ હું માનું છું.’

અન્ય સમાચારો પણ છે...