દુનિયાના સૌથી ઠંડા પ્રદેશોમાં સામેલ સાઈબેરિયામાં વૈજ્ઞાનિકોને 28 હજાર વર્ષ જૂનાં માદા સાવજનો મૃતદેહ મળ્યો છે. સાવજનું મૃત શરીર હજુ પણ સોનેરી વાળથી ઢંકાયેલું છે. તેના દાંત, ચામડી અને મૂછ હજુ પણ મૂળભૂત સ્થિતિમાં છે. આ સાવજની શોધ કેવી રીતે થઈ, તે સુરક્ષિત કેવી રીતે રહ્યું અને તેની ઉંમર કેવી રીતે શોધાઈ આવો જાણીએ...
શોધ: 0 ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું તાપમાન ધરાવતાં બરફના લેયરમાં મળ્યું
આ સિંહણનો મૃતદેહ સ્વીડનના સેન્ટર ફોર પેલિયોજિનેટિક્સના વૈજ્ઞાનિકોને સાઈબેરિયામાં મળ્યો. વૈજ્ઞાનિકોએ તેનું નામ 'સ્પાર્ટા' રાખ્યું છે. આ બરફના એ પર્માફ્રોસ્ટ લેયરમાં મળ્યું, જ્યાં તાપમાન ઝીરો ડિગ્રી સેલ્સિયસ કરતાં પણ ઓછું હોય છે. આ જગ્યાએ વિલુપ્ત થયેલી સિંહણનો મૃતદેહ મળ્યો.
વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ સિંહોની વિલુપ્ત થયેલી પ્રજાતિનું છે. આ પ્રજાતિનાં વધુ એક સિંહનો મૃતદેહ અગાઉ મળી ચૂક્યો છે. બંને સિંહોને એક શિકારીએ સેમ્યુલ્યાખ નદી પાસે શોધ્યા હતા. બંને સાવજ 49 ફૂટના અંતરે મળી આવ્યા. વૈજ્ઞાનિકોએ બીજા સાવજનું નામ 'બોરિસ' રાખ્યું છે. તેમનું માનવું છે કે, સ્પાર્ટાનું મૃત્યુ બોરિસના મૃત્યુના 15 હજાર વર્ષ પહેલાં થયું. આ બંનેની શોધ 2017 અને 2018માં થઈ હતી. તપાસ બાદ વૈજ્ઞાનિકોએ હવે તેમનો રિપોર્ટ જાહેર કર્યો છે.
ઉંમર: રેડિયો કાર્બન ડેટિંગથી સાવજોની ઉંમર જાણી
વૈજ્ઞાનિકોએ બંને સિંહોની ઉંમર જાણવા માટે રેડિયો કાર્બન ડેટિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો. તેનાથી માલુમ પડ્યું કે, બોરિસનું મૃત્યુ 43,448 વર્ષ પહેલાં થયું. મૃત્યુ સમયે તેની ઉંમર 2 મહિનાની હતી. બોરિસ અને સ્પાર્ટની તપાસ રશિયા અને જાપાનના સંશોધકોએ કરી. તેમનું કહેવું છે કે સાવજોને કોઈ શિકારીએ માર્યા હોવાની પુષ્ટિ થઈ નથી.
સ્કેનિંગ: કંકાલ ડેમેજ થયાં
સંશોધક લવ ડાલેન કહે છે કે, સ્કેનિંગમાં સાવજના કંકાળ ડેમેજ થયેલાં જોવાં મળ્યા. તેની પાંસળીઓ પોતાની જગ્યાએથી ખસી ગયેલી જોવા મળી. જે સ્થિતિમાં તે મળ્યાં તેના પરથી કહી શકાય કે તેમનું મૃત્યુ કીચડમાં ફસાઈ જવાથી અથવા બરફની ક્રિકમાં ફસાઈ જવાથી થયું હશે.
લાઈફસ્ટાઈલ: તે 10 હજાર વર્ષ પહેલાં યુરોપ અને અલાસ્કામાં જોવા મળતા હતા
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, આ ગુફાઓમાં રહેતા કેવ લાયન છે. તેઓ 10 હજાર વર્ષ પહેલાં યુરોપ અને અલાસ્કામાં જોવા મળતા હતા. હવે તેઓ વિલુપ્ત થઈ ચૂક્યા છે. આ પ્રજાતિનો વયસ્ક સિંહ 3 ફૂટ 9 ઈંચ ઊંચો અને 6 ફૂટ 9 ઈંચ લાંબો હોઈ શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.