નાસાનું મૂન મિશન ચંદ્રની સૌથી નજીક:સોમવારે 6.27 વાગ્યે 130 કિમી દૂરથી પસાર થયું, આ ફ્લાઈટે 16 નવેમ્બરના રોજ ઉડાન ભરી હતી

14 દિવસ પહેલા

નાસાનું ઓરિયન અવકાશયાન આજે ચંદ્રની સૌથી નજીકથી પસાર થયું હતું. ભારતીય સમય અનુસાર સોમવારે સાંજે 6.27 વાગ્યે તેમની વચ્ચેનું અંતર માત્ર 130 કિલોમીટર હતું. આ બધું આર્ટેમિસ-1 મિશનનો એક ભાગ છે, જે તાજેતરમાં જ ફ્લોરિડાનાં કેનેડી સ્પેસ સેન્ટરથી 16 નવેમ્બરનાં રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મિશન અંતર્ગત નાસાએ વિશ્વનું સૌથી શક્તિશાળી 'સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS)રોકેટ' લોન્ચ કર્યું હતું. ઉડાન ભર્યાની થોડી જ મિનિટો બાદ ઓરિયન કેપ્સ્યુલ રોકેટથી અલગ થઈને ચંદ્ર તરફ રવાના થઈ ગઈ. નાસાએ ત્રીજા પ્રયાસમાં આ બધું કર્યું હતું. આ પહેલાં આ વર્ષે 29 ઓગસ્ટ અને 3 સપ્ટેમ્બરે લોન્ચનાં પ્રયાસ થયા હતા પરંતુ, ટેક્નિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે તેને સ્થગિત કરવી પડી હતી.

16 નવેમ્બરનાં રોજ નાસાના આર્ટેમિસ-1ને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું
16 નવેમ્બરનાં રોજ નાસાના આર્ટેમિસ-1ને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું

આર્ટેમિસ-1 મિશન શું છે?

  • આર્ટેમિસ-1 એ મોટા મિશન માટે એક ટેસ્ટ ફ્લાઇટ છે, જેમાં કોઇ અવકાશયાત્રીઓને મોકલવામાં આવ્યા નથી. આ ઉડાન સાથે વૈજ્ઞાનિકોનું લક્ષ્ય ચંદ્ર પર અવકાશયાત્રીઓ માટે યોગ્ય સ્થિતિ સુનિશ્ચિત કરવાનું છે. આ મિશન હેઠળ નાસાના SLSમેગા રોકેટ દ્વારા ઓરિયન ક્રૂ કેપ્સ્યુલ ચંદ્રની ખૂબ જ નજીક પહોંચશે, પરંતુ લેન્ડ નહીં થાય.
  • અવકાશયાત્રીઓ સામાન્ય રીતે ક્રૂ કેપ્સ્યુલમાં રહે છે પરંતુ, આ વખતે તે ખાલી છે. આ મિશન 25 દિવસ, 11 કલાક અને 36 મિનિટનું છે, જે બાદ તે પૃથ્વી પર પરત ફરશે. આ સ્પેસક્રાફ્ટ કુલ 20 લાખ 92 હજાર 147 કિલોમીટરની મુસાફરી કરશે.

ઓરિયન ચંદ્રની નજીક શું કરશે?
ચંદ્રની સપાટીની નજીકથી પસાર થતા ઓરિયન સ્પેસક્રાફ્ટ અપોલો 11, 12 અને 14 મિશનના લેન્ડિંગ સાઇટ્સની તસવીરો લેશે. તે 34 મિનિટ સુધી પૃથ્વી સાથે સંપર્કમાં રહેશે નહીં. ફરી સંપર્કમાં આવ્યા બાદ ડેટા અને ફોટા નાસાને મોકલવામાં આવશે. ઓરિયન પૃથ્વીથી ચંદ્ર સુધીની યાત્રા દરમિયાન ઘણી તસવીરો મોકલી ચૂકી છે.

મનુષ્યને ચંદ્ર પર મોકલવાનું આર્ટેમિસ મિશન

  • અમેરિકા 53 વર્ષ બાદ ફરી એકવાર આર્ટેમિસ મિશન દ્વારા મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. તે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. આર્ટેમિસ-1, 2 અને 3. આર્ટેમિસ-1નું રોકેટ ચંદ્રની કક્ષામાં જશે, કેટલાક નાના ઉપગ્રહોને છોડી દેશે અને પછી તેને ભ્રમણકક્ષામાં જ સ્થાપિત કરવામાં આવશે.
  • આર્ટેમિસ-2ને 2024ની આસપાસ લોન્ચ કરવાની યોજના છે. કેટલાક અવકાશયાત્રીઓ પણ તેમાં જશે, પરંતુ તેઓ ચંદ્ર પર પગ મૂકશે નહીં. તેઓ ફક્ત ચંદ્રની કક્ષામાં પરિભ્રમણ કરશે અને પાછા આવશે. આ મિશનનો સમયગાળો લાંબો હશે.
  • આ પછી, અંતિમ મિશન આર્ટેમિસ -3 ને રવાના કરવામાં આવશે. તેમાં જતા અવકાશયાત્રીઓ ચંદ્ર પર ઉતરશે. આ મિશનને 2025 અથવા 2026માં લોન્ચ કરી શકાય છે. પહેલી વાર મહિલાઓ પણ હ્યુમન મૂન મિશનનો હિસ્સો બનશે. તેમાં ક્રૂ મેમ્બર પણ હશે. અવકાશયાત્રીઓ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવમાં હાજર પાણી અને બરફ પર સંશોધન કરશે.

આર્ટેમિસ મિશનનો ખર્ચ કેટલો છે?
નાસા ઓફિસ ઓફ ઈન્સ્પેક્ટર જનરલના ઓડિટ મુજબ 2012થી 2025 સુધી આ પ્રોજેક્ટનો ખર્ચ $93 બિલિયન એટલે કે 7,434 અરબ રુપિયા થયો. તે જ સમયે, દરેક ફ્લાઇટનો ખર્ચ $4.1 બિલિયન એટલે કે 327 અરબ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં 37 બિલિયન ડોલર એટલે કે 2,949 બિલિયન રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે.