રસોડાનાં રાજકારણથી જીમની સફર:56 વર્ષની મહિલા સાડીમાં કરે છે નિયમિત વર્કઆઉટ, યૂઝર્સે કહ્યું, ‘ખરેખર, એક પ્રેરણા’

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોઈપણ વ્યક્તિ ઉંમરમાં 50નો આંકડો વટે એટલે પોતાની તમામ જવાબદારીઓ અને કામમાંથી મુક્તિ લેવાનું શરુ કરી દે છે અને ઘરેબેઠા આરામદાયક જીવન જીવવાનાં પ્લાનિંગ શરુ કરી દે છે પરંતુ, એક 56 વર્ષની મહિલાએ આ વિચારને અવગણ્યો અને આ ઉંમરે દરરોજ જીમમાં જઈને કસરતને જીવનનો એક ભાગ બનાવ્યો ફક્ત એટલું જ નહીં તે કસરત પણ સાડી પહેરીને કરે છે. આ મહિલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે અને લોકોએ તેને પ્રેરણારૂપ ગણાવ્યો છે.

અત્યારનાં સમયમાં અમુક મહિલાઓને સાડી પહેરીને ચાલવામાં પણ તકલીફ પડતી હોય છે ત્યારે આ 56 વર્ષીય મહિલા સાડી પહેરીને જીમમાં ભારે વર્કઆઉટ કરે છે અને તે ક્યારેય પણ પોતાનું વર્કઆઉટ ચૂકતી નથી.

56 વર્ષીય મહિલા સાડીમાં વર્કઆઉટ કરે છે

‘હ્યુમન્સ ઓફ મદ્રાસ’ દ્વારા મદ્રાસ બાર્બેલનાં સહયોગથી ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલ એક વીડિયોમાં 56 વર્ષીય મહિલાને જીમમાં વર્કઆઉટ કરતી જોઇ શકાય છે. એટલું જ નહીં, તે દરરોજ જિમમાં સાડી પહેરીને ભારે વજન અને ડમ્બેલ્સ ઉપાડે છે. આ મહિલા જિમમાં પોતાની વહુ સાથે વર્કઆઉટ કરે છે.

વીડિયો પરનાં કેપ્શન પરથી ખ્યાલ આવ્યો કે, તેણી 56 વર્ષની છે અને હજુ પણ તે વર્કઆઉટ કરે છે. ‘તમારો પોશાક તમે જે કરવા માગો છો, તે કરવાથી તમને અટકાવવો જોઈએ નહીં! હું અને મારી પુત્રવધૂ નિયમિત વર્કઆઉટ કરીએ છીએ. જ્યારે હું પહેલી વાર જીમમાં ગઈ ત્યારે મારી ઉંમર 52 વર્ષ હતી. આ બધું ત્યારે શરૂ થયું જ્યારે મને ઘૂંટણ અને પગમાં તીવ્ર દુખાવો થયો. આ વીડિયોનાં અંતમાં મદ્રાસની મહિલાને જીમના સ્ટાફ મેમ્બર્સ મેડલ અને હેલ્થ સપ્લિમેન્ટ્સથી સન્માનિત કરે છે.

લોકો આ મહિલાથી ખૂબ જ પ્રેરિત થયા
મહિલાની પ્રેરણાદાયી સફર દર્શાવતાં આ વીડિયોને 1 લાખથી વધુ વ્યૂઝ અને 80,000 થી વધુ લાઇક્સ મળી છે. ઘણા લોકોએ તેને પ્રેરણારૂપ ગણાવી હતી અને તેના પ્રયત્નોની પ્રશંસા કરી હતી. એક મહિલાએ લખ્યું, ‘આને કહેવાય પ્રગતિશીલ હોવું... રસોડાના રાજકારણને બદલે તે અને તેની પુત્રવધૂ કંઈક તંદુરસ્ત કરી રહ્યા છે ... કમ સે કમ આપણે તેમની પાસેથી તો શીખી જ શકીએ.’

બીજાએ લખ્યું, ‘તે કોઈપણ વ્યક્તિ માટે પ્રેરણાનો જીવંત દાખલો સાબિત થઈ શકે. આ ઉપરાંત તે મહિલાઓ માટે નિર્ધારિત દરેક રૂઢિપ્રયોગોને પણ તોડી નાખે છે. ખાસ કરીને જે લોકો કોઈપણ વ્યક્તિને તેનાં કપડાંથી જજ કરતાં હોય તો તેમના માટે આ એક જડબાતોડ જવાબ છે, આન્ટીને ખૂબ-ખૂબ શુભકામનાઓ.’ તમે આ વિશે શું વિચારો છો? કોમેન્ટ્સમાં કહો.