આ વાત લગભગ 3 વર્ષ પહેલાંની છે. રાતે 10 વાગ્યાનો સમય હતો. એ સમયે અફઘાનિસ્તાનમાં લડાકુ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે અમેરિકી મરીન તૈયારી કરી રહ્યું હતું, આ દરમિયાન જ પહાડીક્ષેત્રમાં વિદેશી લડાકુઓ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો, પરંતુ દુઃખદ વાત એ છે કે આ લડાકુ જે જગ્યા પર છુપાયા હતા એ જગ્યા પર થોડાઘણા કાચાં ઘર પણ હતાં, જેના પર બોંમ્બ ફેંકતાં ધરાશાયી થઈ ગયાં હતાં, પરંતુ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારમાં અમેરિકન સૈનિકોની એક 40 દિવસની બાળકી પર નજર ગઈ હતી. આ બાળકી ગંભીર રીતે ઇજાગ્રત હતી અને માથા અને પગ ઉપર પણ ઇજાનાં નિશાન જોવા મળ્યાં હતાં.
એ પછી એક અમેરિકન સૈનિક જોશુઆ મસ્ટનું દિલ ભરાઈ આવ્યું ને અકસ્માત સ્થળે પરિવારજનોને શોધવાની કોશિશ કરી હતી, પરંતુ 40 દિવસની બાળકી તેના પરિવારજનને ઓળખે એ પહેલાં તો તે લોકોએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. તો બીજી તરફ આ બાળકીની સ્થિતિ જોઈને અફઘાનિસ્તાનમાં આવેલી અમેરિકન સૈનિક હોસ્પિટલમાં તેને તાત્કાલિક સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી.
આ દરમિયાન સૈનિકોએ બધા જ નિયમનું પાલન કરીને કાગળની કાર્યવાહી પૂરી કરી હતી. બાળકીના હોસ્પિટલમાં રિપોર્ટ કાઢવામાં આવ્યા ત્યારે ખબર પડી કે તેનાં માથા અને પગમાં ફ્રેક્ચર છે. તો તેના નામ અંગે અજાણ હોવાથી તેનું નામ 'એલ' રાખી દેવામાં આવ્યું હતું. એલનો હોસ્પિટલમાં ઈલાજ કરવામાં આવ્યો અને સંપૂર્ણ સ્વથ્ય થઇ ગઈ હતી, પરંતુ કહેવાય છે ને કે કોઈ સાથે આપણે લાંબો સમય સુધી રહીએ છીએ તો તેની આદત આપણને થઈ જાય છે. આ જ રીતે જોશુઆ પણ એલ સાથે ભાવનાત્મક રીતે જોડાઈ ગયો હતો અને બાળકીને દત્તક લેવાનો નિર્ણય લીધો હતો, આ અંગે વ્હાઇટ હાઉસ તરફથી પણ લીલી ઝંડી મળી ગઈ હતી.
આ એલ નામની બાળકી અમેરિકન સૈનિક જોશુઆ મસ્ત અને તેની પત્ની સ્ટેફનીને વાલી તરીકે સોંપવામાં આવી હતી, પરંતુ સાડાત્રણ વર્ષની આ બાળકી ઓછામાં ઓછા ચાર કોર્ટ કેસોની ગૂંચવણમાં ફસાઈ ગઈ છે.
તાજેતરમાં જ શરણાર્થીઓ તરીકે અમેરિકા પહોંચેલા એક અફઘાન દંપતીએ ફેડરલ કોર્ટમાં અમેરિકન મરીન અને તેમના પત્ની સામે તેમની બાળકીનું અપહરણ કરવાના આરોપસર દાવો માંડ્યો છે. તો બીજી તરફ અમેરિકન આ કપલની બાળકી તરફ લાગણી એ હદે વધી ગઈ છે કે એવા કોઈપણ પરિવારને સોંપવા માટે તૈયાર નથી.
અફઘાન દંપતીનું કહેવું છે કે તેમને ખબર નહોતી કે અમેરિકાની અદાલતોમાં શું થઈ રહ્યું છે. જ્યારે તેઓ છોકરીને મળ્યા ત્યારે આનંદનાં આંસુ વહી ગયાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.