તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Lifestyle
  • In The Name Of Neeraj Chopra, Free Petrol, Free Ropeway Ride, Free Wedding Planning Air Tickets, Hand Washing In The Flowing River Of 'Moment Marketing'. P V Sindhu Sends Legal Notice

મોમેન્ટ માર્કેટિંગ:નીરજ ચોપરાના નામે ફ્રી પેટ્રોલ, ફ્રી રોપવે રાઇડ, ફ્રી વેડિંગ પ્લાનિંગ- એર ટિકિટ, ‘મોમેન્ટ માર્કેટિંગ’ની વહેતી ગંગામાં હાથ ધોનારાઓને પી. વી. સિંધુએ ધોઈ નાખ્યા

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિનંદનના નામે પોતાની તસવીરો વાપરવા બદલ બેડમિંટન પ્લેયર પી. વી. સિંધુએ 20 જેટલી કંપનીઓને પાંચ કરોડની નોટિસ ફટકારી
  • ખેલાડીઓના નામે ‘મોમેન્ટ માર્કેટિંગ’નો સીઝનલ વેપલો

ભારતના ખેલાડીઓ આ વખતે ટોક્યો ઓલિમ્પિકમાં ઐતિહાસિક દેખાવ કરતાં 1 ગોલ્ડ, 2 સિલ્વર અને 4 બ્રોન્ઝ સાથે સૌથી વધુ 7 મેડલ જીતી લાવ્યા. ભારતને મળેલા આ ગૌરવના સેલિબ્રેશન અને ખેલાડીઓને પ્રોત્સાહન આપવાના નામે જથ્થાબંધ કંપનીઓએ જાતભાતની વિચિત્ર સ્કીમો કાઢી અને ખેલાડીઓના ફોટા છાપીને તેમને અભિનંદન પાઠવ્યા. જેમ કે, ભરૂચ બાજુના એક પેટ્રોલ પમ્પે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનારા નીરજ ચોપરાના માનમાં ‘નીરજ’ નામ ધરાવતી વ્યક્તિઓને 501 રૂપિયાનું ફ્રી પેટ્રોલ આપવાની જાહેરાત કરીને નેશનલ હેડલાઇન્સ ઊસેટી લીધી. તમિલનાડુના એક ઇન્ડિયન ઓઇલના પેટ્રોલ પમ્પે પણ કંઇક આવી જ જાહેરાત કરી. દિલ્હીના પહાડગંજમાં આવેલી એક રેસ્ટોરાંએ ‘નીરજ’ નામ ધરાવતા લોકોને મફતમાં છોલે ભટુરે ખવડાવવાની જાહેરાત કરીને મફતમાં પોતાનું માર્કેટિંગ કરી લીધું. આ જ રીતે મહારાષ્ટ્રમાં ફ્રી આઇસક્રીમ તો અમદાવાદની રેસ્ટોરાંમાં 50% ડિસ્કાઉન્ટની જાહેરાત પણ થઈ. અરે, જુનાગઢમાં ગિરનાર રોપવેમાં પણ નીરજ નામધારીઓને 20 ઑગસ્ટ સુધીમાં ફ્રીમાં ગિરનારની રોપવે રાઇડ આપવાની જાહેરાત કરીને આ વહેતી ગંગામાં હાથ ધોવાની ચેષ્ટા થઈ.

ભરૂચ પાસેના પેટ્રોલ પમ્પની ‘નીરજ’ નામની વ્યક્તિઓને ફ્રી પેટ્રોલની ઑફર
ભરૂચ પાસેના પેટ્રોલ પમ્પની ‘નીરજ’ નામની વ્યક્તિઓને ફ્રી પેટ્રોલની ઑફર
તમારું નામ ‘નીરજ’ છે? લો, ફ્રીમાં છોલે-ભટુરે ખાઓ! દિલ્હીના પહાડગંજની એક રેસ્ટોરાંની ઑફર
તમારું નામ ‘નીરજ’ છે? લો, ફ્રીમાં છોલે-ભટુરે ખાઓ! દિલ્હીના પહાડગંજની એક રેસ્ટોરાંની ઑફર

‘તમે મેડલ જીત્યો, અમે લગ્ન કરાવી આપીશું!’
23 વર્ષનો નીરજ ચોપરા સિંગલ છે અને એક ટેલિવિઝન ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં એણે ‘કોઈ ગર્લફ્રેન્ડ છે કે કેમ’ તેવા વાહિયાત સવાલના જવાબમાં બહુ સ્પષ્ટતાથી કહી દીધું કે ગર્લફ્રેન્ડ તો નથી, અને અત્યારે તો એ પોતાની ગેમને ઇમ્પ્રૂવ કરવા પર જ ફોકસ કરવાનો છે. છતાં બે દિવસ પહેલાં એક વેડિંગ પ્લાનર કંપનીએ દેશનાં અખબારોમાં અડધા પાનાની જાહેરખબર છાપીને લખ્યું કે, ‘નીરજ ચોપરા, તમે જ્યારે પણ લગ્ન કરવાનું નક્કી કરો ત્યારે તેને યાદગાર બનાવવાની જવાબદારી અમારી. અમે તમારા લગ્નનું સમગ્ર પ્લાનિંગ અંકે 87 રૂપિયા 58 પૈસામાં કરી આપીશું (સૌને ખ્યાલ છે કે નીરજે પોતાના બીજા પ્રયત્નમાં સૌથી દૂર 87.58 મીટર સુધી ભાલો ફેંકીને ગોલ્ડ સુનિશ્ચિત કરેલો). નીરજનાં પોતાનાં લગ્નની વાત અત્યારે તો ‘ભેંસ ભાગોળે ને છાશ છાગોળે’ ટાઇપની જ છે, પરંતુ તે વેડિંગ પ્લાનરે તો નીરજનું નામ મોટા અક્ષરે વાપરીને પોતાનું માર્કેટિંગ કરી લીધું.

વેડિંગ પ્લાનરની નીરજને 87 રૂપિયા 58 પૈસામાં લગ્ન કરાવી આપવાની જાહેરખબર
વેડિંગ પ્લાનરની નીરજને 87 રૂપિયા 58 પૈસામાં લગ્ન કરાવી આપવાની જાહેરખબર

ભારતની ટેલેન્ટેડ બેડમિંટન પ્લેયર પી. વી. સિંધુએ બેક ટુ બેક બબ્બે ઓલિમ્પિકમાં મૅડલ જીતીને અભૂતપૂર્વ સિદ્ધિ હાંસલ કરી. તેના કિસ્સામાં પણ ડઝનબંધ કંપનીઓએ આ અભિનંદનના હૈશો હૈશોમાં ઝંપલાવી દીધું. પરંતુ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો, જ્યારે સિંધુનું અકાઉન્ટ સંભાળતી ટેલેન્ટ મેનેજમેન્ટ કંપની બેઝલાઇન વેન્ચર્સે સિંધુ વતી 20 કંપનીઓને કાયદેસરની નોટિસ ફટકારી. તેમણે અંકે રૂપિયા પાંચ કરોડ પૂરાના વળતરની માગ સાથે ફરિયાદ કરી કે અમારી પરવાનગી વિના તમે તમારી જાહેરખબરોમાં પી. વી. સિંધુની તસવીર વાપરી જ શા માટે? આવી નોટિસ મેળવનારી કંપનીઓમાં ‘હેપ્પીડેન્ટ’ ચ્યુઇંગ ગમ બનાવતી ‘પર્ફેટી વાન મેલ’, ‘વિક્સ’ બનાવતી ‘પ્રોક્ટર એન્ડ ગેમ્બલ’, ‘પાન બહાર’, ‘અપોલો હોસ્પિટલ્સ’, ‘આદિત્ય બિરલા ગ્રૂપ’, ‘વોડાફોન આઇડિયા’, ‘યુરેકા ફોર્બ્સ’, ‘HDFC’, ‘ICICI’, ‘SBI’, ‘PNB’, ‘કોટક મહિન્દ્રા’ જેવી દિગ્ગજ કંપનીઓ કમ બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.

‘હું તમારી બ્રાન્ડ એમ્બેસેડર નથી, મને પૂછ્યા વિના મારો ફોટો કેમ વાપર્યો?’
‘હું તમારી બ્રાન્ડ એમ્બેસેડર નથી, મને પૂછ્યા વિના મારો ફોટો કેમ વાપર્યો?’
‘પાન બહાર’ની આ જાહેરખબર સામે પણ સિંધુની મેનેજમેન્ટ કંપનીએ નોટિસ ફટકારી છે
‘પાન બહાર’ની આ જાહેરખબર સામે પણ સિંધુની મેનેજમેન્ટ કંપનીએ નોટિસ ફટકારી છે
માત્ર નામ કે ફોટો જ નહીં, સિંધુએ પોતાનું કેરિકેચર વાપરવા સામે પણ વાંધો લીધો છે
માત્ર નામ કે ફોટો જ નહીં, સિંધુએ પોતાનું કેરિકેચર વાપરવા સામે પણ વાંધો લીધો છે
બેન્ક ઓફ બરોડાની બ્રાન્ડ એમ્બેસેડર એવી સિંધુએ બેન્કોને પણ અડફેટે લઈ લીધી
બેન્ક ઓફ બરોડાની બ્રાન્ડ એમ્બેસેડર એવી સિંધુએ બેન્કોને પણ અડફેટે લઈ લીધી
સિંધુનું નામ વાપરવા બદલ ‘હેપ્પીડેન્ટ’ ચ્યુઇંગ ગમના દાંત ખાટા કરી નાખે એવી નોટિસ ફટકારી
સિંધુનું નામ વાપરવા બદલ ‘હેપ્પીડેન્ટ’ ચ્યુઇંગ ગમના દાંત ખાટા કરી નાખે એવી નોટિસ ફટકારી
સિંધુને બિરદાવવાના નામે ‘મોમેન્ટ માર્કેટિંગ’ કરનારી અન્ય કંપનીઓની એડ્સ
સિંધુને બિરદાવવાના નામે ‘મોમેન્ટ માર્કેટિંગ’ કરનારી અન્ય કંપનીઓની એડ્સ

આ જ રીતે ઑક્ટોબર 2018માં જ્યારે ક્રિકેટર પૃથ્વી શૉએ પોતાની પહેલી જ ટેસ્ટ મૅચમાં સેન્ચુરી ફટકારી, ત્યારે ‘સ્વિગી’, ‘ફ્રીચાર્જ’ જેવી કંપનીઓને આ જ ‘બેઝલાઇન વેન્ચર્સ’ કંપનીએ એક એક કરોડ રૂપિયાની નોટિસ ફટકારી હતી. કેમ કે, આ કંપનીઓએ પૃથ્વી શૉને બિરદાવવાના નામે પોતાનું માર્કેટિંગ કરતી જાહેરખબરો વહેતી કરી દીધી હતી.

અત્યારે જેનો સૂર્ય મધ્યાહને હોય તેની સિદ્ધિને બિરદાવવાના કે અભિનંદન આપવાના નામે પોતાની કંપનીની જાહેરખબર કરી લેવાની પ્રવૃત્તિને ‘મોમેન્ટ માર્કેટિંગ’ કહેવામાં આવે છે. ખાસ કરીને સોશિયલ મીડિયામાં જેનું નામ પોઝિટિવ રીતે ચર્ચાતું હોય તેનો ઉપયોગ કરીને કોઈ ક્રિએટિવ એડ બનાવવી અથવા તો કોઈ તેના નામ, ફોટો કે કેરિકેચર સાથે જાહેરખબર કમ સ્કીમ વહેતી કરવામાં બીજો ફાયદો મફતિયા માર્કેટિંગનો પણ મળે છે. કેમ કે, એક તો જે તે વ્યક્તિ ચર્ચામાં હોવાને કારણે સોશિયલ મીડિયામાં તેનું નામ/કીવર્ડ સૌથી વધુ સર્ચ થતાં હોય છે. એટલે તેના પરથી બનાવેલું ક્રિએટિવ વાઇરલ થવાના ચાન્સ વધી જાય છે. જાણીતી તો ઠીક, અજાણી સ્થાનિક કંપનીઓ કે વેપારીઓ પણ રાતોરાત નેશનલ હેડલાઇન મેળવી લે છે (જેમ કે, ભરૂચ પાસેનો પેટ્રોલ પમ્પ કે દિલ્હીનો છોલે-ભટુરેવાળો).

ફૂડ અને ગ્રોસરી ડિલિવરી એપ ‘ડન્ઝો’નું મોમેન્ટ માર્કેટિંગ
ફૂડ અને ગ્રોસરી ડિલિવરી એપ ‘ડન્ઝો’નું મોમેન્ટ માર્કેટિંગ

હવે જ્યારે સેલિબ્રિટીઝ પોતે જ એક બ્રાન્ડ તરીકે ઊભરી આવતી હોય, તેઓ પોતે જાતભાતની કંપનીઓ સાથે કરોડોના કોન્ટ્રાક્ટ સાઇન કરતા હોય, તેમની પોતાની એક ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી હોય, ત્યારે તેમના નામનો-ફોટાનો તેમની જ પરમિશન વિના ઉપયોગ કરવો કેટલું યોગ્ય ગણાય? ફોર એક્ઝામ્પલ, પી. વી. સિંધુ કે નીરજ ચોપરાની ટ્રેનિંગ માટે જે તે કંપનીએ એક કાણી પાઈ પણ ખર્ચી ન હોય, તે ખેલાડી સાથે કે ઇવન સ્પોર્ટ્સ સાથે પણ કશી લેવાદેવા ન હોય, તેમની સાથે ફોર્મલ કોન્ટ્રાક્ટ ન કરેલો હોય, ત્યારે તે કંપનીઓ આ ખેલાડીઓનો ઉપયોગ પોતાના લોગો સાથેની જાહેરખબરોમાં કરે તે કેટલે અંશે યોગ્ય ગણાય?

‘ફર્બો ફાર્મા’ કંપનીએ તો ભારતના બધા મેડલવિજેતા ખેલાડીઓના નામે મોમેન્ટ માર્કેટિંગ કરી લીધું!
‘ફર્બો ફાર્મા’ કંપનીએ તો ભારતના બધા મેડલવિજેતા ખેલાડીઓના નામે મોમેન્ટ માર્કેટિંગ કરી લીધું!

વહેતી ગંગામાં હાથ ધોનારી કંપનીઓની દલીલો
આ રીતે સેલિબ્રેશનની ચાલુ ગાડીએ ચડી જનારી કંપનીઓની પણ અમુક સ્ટાન્ડર્ડ દલીલો હોય છે. જેમ કે...

  • ‘(આવી એડ્સમાં) અમે કંઈ અમારો માલ નથી વેચતા. આખો દેશ જે સિદ્ધિનું સેલિબ્રેશન કરી રહ્યો છે, અમે તો માત્ર તેમાં જોડાઈ રહ્યા છીએ.’
  • ‘અમે ક્યાં કહીએ છીએ કે આ ખેલાડી અમારી કંપનીની પ્રોડક્ટ કે સર્વિસ એન્ડોર્સ કરી રહ્યા છે? આ તો ખાલી સેલિબ્રેશન છે, યુ નૉ!’
  • ‘આ ખેલાડીઓની સિદ્ધિ આખા દેશની સિદ્ધિ છે. જે રીતે સામાન્ય લોકો ખેલાડીઓને અભિનંદન પાઠવી રહ્યા છે, એ જ રીતે અમારી બ્રાન્ડ/કંપની પણ એમને બિરદાવી રહી છે, ધેટ્સ ઑલ!’
  • ‘અમૂલ તો વર્ષોથી આ રીતે પોતાની જાહેરખબરોમાં આવું કરતું આવ્યું છે. ત્યાં તો કોઈ ખેલાડી કે સેલિબ્રિટી મેનેજમેન્ટ કંપનીએ નોટિસ નથી ફટકારી, વ્હાય?’
નીરજ ચોપરાના ગોલ્ડ મેડલના નામે HDFCની એડ
નીરજ ચોપરાના ગોલ્ડ મેડલના નામે HDFCની એડ

શા માટે કંપનીઓએ ચાલુ બસે ન ચડવું જોઇએ...

  • ખેલાડીઓને બિરદાવતી આવી દરેક જાહેરખબરમાં જે તે કંપની પોતાનો લોગો અને બ્રાન્ડનેમ ચિપકાવી દે છે. એટલું જ નહીં, આ તમામ કંપનીઓ સોશિયલ મીડિયામાં ઊછળી ઊછળીને પ્રમોશન પણ કરે છે, જેથી લોકોનાં મનમાં એવી જ છાપ પડે કે જે તે ખેલાડી તે કંપનીનો જ બ્રાન્ડ એમ્બેસેડર છે.
  • આ ચાલુ ગાડીએ ચડી જનારી કંપનીઓએ ખેલાડીમાં, તેની ટ્રેનિંગમાં કોઈ જ નાણાંકીય સહાય કરેલી હોતી નથી. ખાસ કરીને ક્રિકેટ સિવાયની રમતોમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી આર્થિક રીતે નબળા બેકગ્રાઉન્ડમાંથી ખેલાડીઓ આવતા હોય ત્યારે. હવે જ્યારે તે ખેલાડીઓ પોતાની મહેનતથી ટાંચા સાધનો અને કપરી પરિસ્થિતિમાં પણ મેડલ જીતી લાવે ત્યારે તેમને બિરદાવવાના નામે પોતાની જાહેરાત કરી લેવી તે હળાહળ તકવાદીપણું જ છે.
  • આવી રીતે ‘મોમેન્ટ માર્કેટિંગ’ની ગંગામાં ડૂબકી મારી લેતી કંપનીઓ પોતાની એડ એજન્સી મારફતે જે તે ખેલાડી, તેની સિદ્ધિ અને પોતાની બ્રાન્ડ વચ્ચેનું ક્રિએટિવ કનેક્શન શોધી કાઢીને તે એડ મેક્સિમમ વાઇરલ થાય તેના પ્રયત્નો કરે છે.
‘ઝોમેટો’એ મોઘમ રીતે મોમેન્ટ માર્કેટિંગ કરી લીધું
‘ઝોમેટો’એ મોઘમ રીતે મોમેન્ટ માર્કેટિંગ કરી લીધું

ખેલાડીના નામે પોતાનો ઉદ્ધાર
તાજેતરમાં જ ‘બી સોશિયલઃ બિલ્ડિંગ બ્રાન્ડ યુ ઓનલાઇન’ નામનું પુસ્તક લખનારા મીડિયા માર્કેટિંગ એનાલિસ્ટ કાર્તિક શ્રીનિવાસન કહે છે કે બ્રાન્ડ્સ એ કોઈ વસ્તુ, સર્વિસ કે કન્સેપ્ટ વેચવા માટે અસ્તિત્વ ધરાવે છે. એ જીવતું જાગતું માણસ નથી, કે જેને પોતાની કોઈ ફીલિંગ્સ હોય. તેનો એકમાત્ર આખરી ઉદ્દેશ પોતાની બ્રાન્ડને યેનકેન પ્રકારે લોકો સુધી પહોંચાડવા અને લોકોનાં મનમાં રજિસ્ટર કરાવવાનો જ હોય છે. ખેલાડીઓને અભિનંદન આપવાના બૅન્ડવેગનમાં જોડાઈ જવું એ આ ઉદ્દેશ પૂરો કરવાનું એક સાધનમાત્ર છે. માની લો કે ઓલિમ્પિક સિવાયના કોઈ નોર્મલ દિવસે ઉપર ગણાવી તેમાંની (નોટિસ મેળવનારી) કોઈ બ્રાન્ડ અચાનક એવી એડ બનાવીને સોશિયલ મીડિયામાં વહેતી કરે કે ‘પી. વી. સિંધુ તો જોરદાર પ્લેયર છે’, તો તે વિચિત્ર લાગશે અને સીધું જ સિંધુની બ્રાન્ડનો પોતાના ફાયદા માટે ઉપયોગ કર્યાનું આળ લાગશે.

KFCનું પણ સટલ મોમેન્ટ માર્કેટિંગ
KFCનું પણ સટલ મોમેન્ટ માર્કેટિંગ

IPLની દાદાગીરી
આ તબક્કે BCCI અને IPL જેવી બ્રાન્ડનું ઉદાહરણ પર્ફેક્ટ સેટ થાય છે. આ બંનેની કોઇપણ ઇવેન્ટનો કોઇપણ કંપની કોઇપણ ઠેકાણે ઉપયોગ કરી શકતી નથી. યાને કે BCCIની કોઇ મૅચ કે IPLનાં વિઝ્યુઅલ્સ કે ઇવન તેનો લોગો કે ઇવન તેનું નામ પણ ક્યાંય કોઈ તેમની પરવાનગી વિના વાપરવાની હિંમત કરતું નથી. આવી હિંમત કરનારને તરત જ કૉપીરાઇટ ભંગની નોટિસ મળી જાય છે. સોશિયલ મીડિયામાં તેમનું કન્ટેન્ટ બૅન થઈ જાય છે. ઇવન મીડિયા કંપનીઓ પણ IPL શબ્દ સુદ્ધાંનો ઉપયોગ પોતાના સ્પેશિયલ કવરેજમાં કરી શકતી નથી.

ડેટિંગ એપ્લિકેશન ‘ટ્રુલી મેડલી’એ પણ નીરજ ચોપરાના સેલિબ્રેશનની વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા
ડેટિંગ એપ્લિકેશન ‘ટ્રુલી મેડલી’એ પણ નીરજ ચોપરાના સેલિબ્રેશનની વહેતી ગંગામાં હાથ ધોઈ લીધા

મીરાબાઈ ચાનુને લાઇફટાઇમ ફ્રી પિત્ઝા અને બધા વિજેતાઓને ફ્રી એર ટ્રાવેલની ઑફર
ઑલિમ્પિકના પહેલા જ દિવસે વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારી ભારતીય ખેલાડી મીરાબાઇ ચાનુએ એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, એણે પોતાનું વજન નક્કી કરેલી મર્યાદામાં રાખવા માટે સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કર્યું હતું. હવે મેડલ જીત્યા પછી તે પિત્ઝા ખાશે. બસ, આ તક ‘ડોમિનોઝ’ પિત્ઝા કંપનીએ ઝડપી લીધી અને મીરાબાઈને આજીવન ફ્રી પિત્ઝાની ઑફર કરી દીધી. બીજા દિવસે ભૂતપૂર્વ સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરેન રિજિજુએ મીરાબાઈ ચાનુ સાથે માણેલી પિત્ઝા પાર્ટીના ફોટા પણ શૅર કર્યા હતા.

મીરાબાઈ ચાનુની પિત્ઝા ખાવાની ઇચ્છામાં ‘ઝોમેટો’એ મૌકે પે ચૌકા લગાવી દીધો!
મીરાબાઈ ચાનુની પિત્ઝા ખાવાની ઇચ્છામાં ‘ઝોમેટો’એ મૌકે પે ચૌકા લગાવી દીધો!

એ જ રીતે નીરજ ચોપરાને બિરદાવવાના નામે ‘ઇન્ડિગો એરલાઇન્સ’ના ડિરેક્ટર અને સીઈઓ એવા રોણોજોય દત્તાએ બાકાયદા પ્રેસ રિલીઝ બહાર પાડીને નીરજને એક વર્ષ માટે અનલિમિટેડ ફ્રી એર ટ્રાવેલ ઑફર કરી દીધું. સાથોસાથ એવું પણ લખ્યું કે, ‘નીરજ અમે ખરેખર ઇચ્છીએ છીએ કે તમે અમારી ઑફર સ્વીકારો અને આખા દેશમાં ખૂબ ટ્રાવેલ કરો, જેથી દેશના યુવા ખેલાડીઓમાં પ્રેરણાનો મેસેજ પ્રસરાવી શકો.’ આમાં ‘ગો એર’ને પણ માર્કેટિંગની તક દેખાઈ, એટલે તેમણે પણ તમામ ઓલિમ્પિક વિજેતાઓ માટે આ ઑફર લંબાવી, એ પણ એક વર્ષ માટે નહીં, પૂરાં પાંચ વર્ષ માટે! હોટેલ રેન્ટિંગ ચેઇન OYOએ નીરજ ચોપરા માટે યુરોપથી લઇને ભારતના કોઇપણ OYO રૂમ્સના દરવાજા ખોલી આપ્યા!

‘ઇન્ડિગો એરલાઇન્સે’ નીરજ ચોપરાને એક વર્ષ સુધી આખા દેશમાં અનલિમિટેડ ફ્રી એર ટ્રાવેલ કરાવવાની ઑફર આપી
‘ઇન્ડિગો એરલાઇન્સે’ નીરજ ચોપરાને એક વર્ષ સુધી આખા દેશમાં અનલિમિટેડ ફ્રી એર ટ્રાવેલ કરાવવાની ઑફર આપી

હવે નીરજ ચોપરાને બદલે અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર કે વિરાટ કોહલીને આવી ઑફર કરતો લૅટર જાહેરમાં રિલીઝ કરવાની હિંમત આ કંપનીઓ કરી શકે ખરી? એ માટે એમને બાકાયદા કરોડો રૂપિયા આપીને બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કરવા પડે! અને આ તમામ પ્રક્રિયા ખાનગીમાં થાય અને તે સેલિબ્રિટી સ્વીકારે પછી જ તેની જાહેરાત થાય.

‘સેલિબ્રેટિંગ નીરજ ચોપરા’ કહીને ઇન્ડિગો એરલાઇન્સનું મોમેન્ટ માર્કેટિંગ
‘સેલિબ્રેટિંગ નીરજ ચોપરા’ કહીને ઇન્ડિગો એરલાઇન્સનું મોમેન્ટ માર્કેટિંગ
ટોક્યો ઓલિમ્પિક ગયેલી ભારતીય ટીમના ઓફિશિયલ સ્પોન્સર ‘અમૂલ’નું તેની ટિપિકલ સ્ટાઇલમાં ‘મોમેન્ટ માર્કેટિંગ’
ટોક્યો ઓલિમ્પિક ગયેલી ભારતીય ટીમના ઓફિશિયલ સ્પોન્સર ‘અમૂલ’નું તેની ટિપિકલ સ્ટાઇલમાં ‘મોમેન્ટ માર્કેટિંગ’

અમૂલ- ધ એડ્સ ઑફ ઇન્ડિયા
આ બાબતમાં છેલ્લા પાંચ દાયકાથી ટોપિકલ મુ્દ્દાઓ પર પોતાની ટિપિકલ સ્ટઇલમાં કાર્ટૂન્સ બનાવીને ટોપિકલ્સ બનાવતા અમૂલની સ્ટ્રેટેજી બડી સ્માર્ટ છે. તે ભાગ્યે જ જે તે સેલિબ્રિટીનું નામ વાપરે છે. તેને બદલે તે જે તે ઘટના કે વ્યક્તિને લગતી ક્રિએટિવ પંચલાઇન ક્રિએટ કરે છે અને તેને અમૂલ સાથે સાંકળી લે છે. અમુક છૂટક વિવાદોને બાદ કરતાં અમૂલનાં કાર્ટૂન્સની સામે કોઈ જાણીતી વ્યક્તિઓએ વાંધો નથી લીધો. પરંતુ કાલે ઊઠીને પી. વી. સિંધુની જેમ કોઈ સેલેબ અન્ય કંપનીઓ જેવો જ વાંધો ઉઠાવે તો તેમને પણ જવાબ તો આપવો પડે. અહીં ઉલ્લેખનીય છે કે અમૂલ ટોક્યો ઓલિમ્પિક્સમાં અને અગાઉ પણ ભારતીય ટીમનું સ્પોન્સર રહી ચૂક્યું છે.

‘‘વી આર ‘ચો-પ્રા’ઉડ ઓફ યુ’’ જેવી શબ્દરમત કરીને મોમેન્ટ માર્કેટિંગ કરી લેનારી મધર ડેરી
‘‘વી આર ‘ચો-પ્રા’ઉડ ઓફ યુ’’ જેવી શબ્દરમત કરીને મોમેન્ટ માર્કેટિંગ કરી લેનારી મધર ડેરી

પરોપજીવી જળો ન બનો
‘એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયા’ (ASCI)નાં જનરલ સેક્રેટરી મનીષા કપૂરે એક માર્કેટિંગ સાઇટને આપેલી બાઇટમાં મેડલવિજેતા ખેલાડીઓની પીઠ પર ચડીને પોતાનું બ્રાન્ડિંગ કરતી કંપનીઓના આ ‘જળો’ જેવા અપ્રોચની ટીકા કરી હતી. જે તે વ્યક્તિનું નામ લીધા વિના તેના વિશે જાહેરખબરમાં વાત કરવાની ઘટનાને ‘અમ્બુશ માર્કેટિંગ’ કે ‘ગેરિલા માર્કેટિંગ’ કહે છે. જેમ હુમલાખોર ઝાડી-ઝાંખરામાં છુપાઈને હુમલો કરે છે, તે જ રીતે આ પ્રકારની એડ્સમાં માર્કેટિંગના તીર છોડવામાં આવે છે. ઓલિમ્પિક્સની બ્રાન્ડ પ્રોટેક્શન ગાઇડલાઇન્સ તો પરવાનગી વગર ઓલિમ્પિક રિંગ્સનો ઉપયોગ કરવાની પણ મનાઈ ફરમાવે છે.

રવિ કુમાર દહિયાના સિલ્વર મેડલને બિરદાવતું કેરિયર એસીનું મોમેન્ટ માર્કેટિંગ
રવિ કુમાર દહિયાના સિલ્વર મેડલને બિરદાવતું કેરિયર એસીનું મોમેન્ટ માર્કેટિંગ

ઇન શોર્ટ, જ્યાં સુધી સિંધુની જેમ ખેલાડીઓ પોતાના માટે જાગ્રત ન થાય અને BCCIની જેમ ઓલિમ્પિક એસોસિએશન સ્ટ્રિક્ટ રુલ્સ ન બનાવે ત્યાં સુધી ‘મોમેન્ટ માર્કેટિંગ’ના નામે ખેલાડીઓની સિદ્ધિને એનકેશ કરવાની આ ક્વાયત ચાલતી જ રહેવાની છે. બાય ધ વે, અત્યાર સુધી આપણે ખેલાડીઓની સિદ્ધિ પર પોતાનું માર્કેટિંગ કરતી કંપનીઓની જ વાત કરી. જે જે રાજકારણીઓએ અને મંત્રીઓએ મેડલવિજેતા ખેલાડીઓને અભિનંદન આપવાના નામે પબ્લિકના પૈસે અખબારોનાં પાનાં અને વેબપેજિસ ભરી ભરીને એડ્સ આપી તેના વિશે આપ શું કહેશો?!