જનસેવા જ પ્રભુસેવા:મુંબઈની સ્કૂલમાં અંગ્રેજી ભણાવતા શિક્ષક રિક્ષા ચલાવીને કોરોના દર્દીઓને ફ્રીમાં હોસ્પિટલ લઈ જાય છે, યુઝર્સે વખાણનો ઢગલો કર્યો

7 મહિનો પહેલા
અત્યાર સુધી તેઓ 26 કોરોના દર્દીઓની મદદ કરી ચૂક્યા છે
  • દત્તાત્રેય સાવંત આ કામ PPE કિટ પહેરીને કરે છે
  • તેઓ સમયાંતરે રિક્ષાને પણ સેનિટાઈઝ કરે છે

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર ચાલુ છે. આ કપરા સમયમાં કોરોના દર્દીઓની મદદે અનેક લોકો આગળ આવ્યા છે. ઘણા લોકો માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. મુંબઈમાં એક રિક્ષા ડ્રાઈવરનાં કામના લોકો વખાણ કરી રહ્યા છે. અંગ્રેજી શિક્ષકે કોરોના દર્દીઓ માટે તેની રિક્ષાને મિનિ એમ્બ્યુલન્સમાં ફેરવી. તેઓ એક પણ રૂપિયો લીધા વગર દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું કામ કરે છે.

દત્તાત્રેય સાવંતનું કામ જોઇને યુઝર્સ તેમના વખાણ કરી રહ્યા છે. તો દર્દીઓને ઘરેથી હોસ્પિટલ કે હોસ્પિટલથી ઘરે લઇ જતી વખતે સેનિટાઈઝેશનનું ધ્યાન અને PPE કિટ પહેરેલી રાખે છે. કોરોનાકાળમાં ડ્રાઈવર બનેલા દત્તાત્રેય ધ્યાનસાગર સ્કૂલમાં બાળકોને અંગ્રેજી ભણાવે છે. રાજ્યમાં કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યા જોઇને તેમણે આ કામ શરુ કરવાનું વિચાર્યું. છેલ્લા ઘણા દિવસથી તેઓ મુંબઈમાં નોર્થઇસ્ટ વિસ્તારમાં ફ્રી સર્વિસ આપી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી ANIને દત્તાત્રેયે પોતાના કામ વિશે કહ્યું, હું કોરોના દર્દીઓને કોવિડ કેર સેન્ટર અને હોસ્પિટલ સુધી ફ્રીમાં પહોંચાડું છું. એ જ રીતે ડિસ્ચાર્જ દર્દીઓને હોસ્પિટલથી લઇ ઘરે મૂકી જઉં છું.

અત્યાર સુધી તેઓ 26 કોરોના દર્દીઓની મદદ કરી ચૂક્યા છે
અંગ્રેજી ટીચરે કહ્યું, હું દરેક પ્રિકોશનનું ધ્યાન રાખું છું. હાલ કોરોના દર્દીઓનો આંકડો સતત વધી રહ્યો છે. ઘણા લોકો સમયે સારવાર ના મળવાને લીધે મૃત્યુ પામી રહ્યા છે. આ સ્થિતિમાં ગરીબ દર્દીઓને સરકારની મદદ મળે પણ છે અને નથી પણ મળતી. તેઓ ખાનગી એમ્બ્યુલન્સનો ખર્ચ ઊઠાવી શકે તેમ નથી. મારી ફ્રી સર્વિસ આવા દરેક દર્દીઓ માટે હંમેશાં ચાલુ છે. જ્યાં સુધી મહામારી આપણા વચ્ચે રહેશે, ત્યાં સુધી મારું કામ પણ ચાલુ રહેશે.