ઇંગ્લેન્ડ:કાર પાર્કિંગમાં દીકરીને સ્તનપાન કરાવવા બદલ કંપનીએ 17 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો, માતાએ કહ્યું, ‘આ યોગ્ય નથી’

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ કપલ 21 મિનિટ સુધી પાર્કિંગમાં હતું
  • 3 મહિનાની દીકરીને ભૂખ લગતા તેઓ કાર પાર્ક કરીને ઊભા હતા

ઇંગ્લેન્ડની એક મહિલાને પાર્કિંગમાં દીકરીને સ્તનપાન કરાવવું મોંઘુ પડ્યું છે. અમાન્ડા રગેરી નામની મહિલા તેના પતિ સાથે નોર્થ કોર્નવોલથી પોતાના ઘરે આવી રહી હતી. તેમની સાથે 3 મહિનાની દીકરી પણ હતી. રસ્તામાં દીકરી રડતા આ કપલે ગલ્ફ ક્લબ પાસે કાર પાર્ક કરી હતી. અહીં અમાન્ડાએ દીકરીને સ્તનપાન કરાવ્યું એટલી વારમાં 17 હજાર રૂપિયાની પેનલ્ટી આવી ગઈ.

આ કપલ 21 મિનિટ સુધી પાર્કિંગમાં હતું
અમાન્ડાએ કહ્યું, મારી દીકરીને કારમાં ડ્રાઈવિંગ ગમતું નથી . તે કારમાં બેસે ત્યારે રડવાનું શરુ થઈ જાય છે. ભૂખ લાગવાથી તે રડી રહી હતી આથી અમે સાઈડમાં કાર પાર્ક કરી. આજુબાજુ કોઈ દેખાયું નહીં આથી મેં તેને કારમાં જ દૂધ પીવડાવ્યું. 21 મિનિટ કાર પાર્ક કરવાનો દંડ 17 હજાર રૂપિયા થયો છે. થોડા મહિના પછી અમને ખોટી જગ્યાએ કાર પાર્ક કરવાની પેનલ્ટી મળી છે. આ દંડના રૂપિયા તો દરિયાકિનારે રાત્રિ રોકાણ કરતાં પણ વધારે છે.

ક્લબે કહ્યું, અમે કઈ મદદ ના કરી શકીએ
સ્માર્ટ પાર્કિંગ લિમિટેડને આ કપલે ઊભા રહેવાનું કારણ પણ જણાવ્યું તેમ છતાં બ્રેસ્ટફીડિંગ માટે ઊભા રહેવું એ કંપનીએ એક ભૂલ તરીકે જોયું. અમાન્ડાએ ક્લબ સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું, આ બાબતે અમે કોઈ તમારી મદદ ના કરી શકીએ. પાર્કિંગની વાતનું મેનેજમેન્ટ અન્ય કંપની એટલે કે સ્માર્ટ પાર્કિંગ લિમિટેડ કરે છે.

કપલે વધારે મગજમારી ના કરી
પાર્કિંગમાં 21 મિનિટ ઊભા રહેવાને લીધે 17 હજાર રૂપિયાનો દંડ યોગ્ય નથી પણ અમાન્ડા અને તેના પતિને કોઈ મગજમારી નહોતી કરવી આથી તેઓ પેનલ્ટી ભરવા માટે તૈયાર થઈ ગયા. સ્માર્ટ પાર્કિંગ લિમિટેડના કામથી બંને ઉદાસ થઈ ગયા.