માતાનો દેશી જુગાડ:સાઇકલ પર જ માતાએ દીકરા માટે બનાવી દીધું સિંહાસન, વીડિયો વાઇરલ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતના દેશી જુગાડની ચર્ચા ચારેબાજુ થતી રહે છે. આવા જ એક દેશી જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. આ જુગાડ એક માતાએ તેના દીકરા માટે કર્યો છે. વાઇરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સાઇકલ ચલાવી રહી છે અને તેની પાછળ એક બાળકને બેસાડવામાં આવ્યું છે. માતાએ જે રીતે તેના બાળકને સાઇકલ પર બેસાડ્યું છે, તે જુગાડ લોકોને બહુ જ પસંદ આવી રહ્યો છે.

વીડિયો વાઇરલ
આ વીડિયો છત્તીસગઢના રાયપુરના IPS ઓફિસર અંકિતા શર્માએ શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેમને કેપ્શનમાં લખ્યું હતું કે, 'બિયોન્ડ કેપ્શન'. આ વીડિયોને અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, ફેન્સ આ વીડિયોને 57,000 થી વધુ લાઈક્સ અને 6,500 થી વધુ રીટ્વિટ પણ કરી ચુક્યા છે.

માતાના આ જુગાડના થઇ રહ્યા છે વખાણ
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલા સાડી પહેરીને સાઇકલ ચલાવી રહી છે. સાઇકલની પાછળના કરિયરમાં બાળક પ્લાસ્ટિકની એક ખુરશી બેસેલું છે, જેને કેરિયર સાથે જોડી દેવામાં આવ્યું છે. આ જુગાડ જોઈને લાગે છે કે, માતાએ બાળક માટે ખુરશીની જગ્યાએ સિંહાસન તૈયાર કરી દીધું છે.

લોકો આપે છે અવનવી સલાહ
લોકો સોશિયલ મીડિયામાં માતા-પુત્ર બંને પર પ્રેમ વરસાવી રહ્યા છે. આ દેશી જુગાડ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ વીડિયો જોઈને ઘણા લોકોએ માતાના ઈનોવેશનના વખાણ પણ કર્યા છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે આ ડિઝાઇનની પેટન્ટ હોવી જોઈએ.

ઘણા લોકો ભલે આ વિડીયોના વખાણ કરી રહ્યા હોય પરંતુ એક શખ્સે જણાવ્યું હતું કે, વીડિયો ભલે સુંદર લાગે પણ બંનેની હાલત જોઈને દુઃખ થાય છે. હું આશા રાખું છું કે બાળક મોટો થઈને પોતાના માટે કાર ખરીદી શકે અને તેની વૃદ્ધ માતાને તેના પર લઈ શકે. આ પુરૂષની વાતનો એક મહિલાએ વિરોધ કર્યો હતો અને તેણે કહ્યું હતું કે આમાં દુઃખી થવા જેવું કંઈ નથી કારણ કે સાઈકલ ચલાવવી સ્વાસ્થ્ય માટે સારી છે અને લોકો હજારો રૂપિયા આપીને સાઈકલમાં બાળકો માટે સીટ મૂકે છે.