બ્રિટનનો રાજવી પરિવાર આમ તો દર થોડા સમયાંતરે ચર્ચામાં હોય જ છે. હમણાં થોડા સમય પહેલાં જ મહારાણી એલિઝાબેથ બીજાંનું અવસાન થયું અને એમના મોટા સુપુત્ર પ્રિન્સ ચાર્લ્સ ‘પ્રિન્સ’માંથી ‘કિંગ’ બન્યા તે વાવડ આવેલા. પરંતુ છેલ્લા થોડા દિવસોથી પ્રિન્સેસ ડાયેના અને કિંગ ચાર્લ્સના નાના દીકરા પ્રિન્સ હેરીના હવાલાથી ભારે મસાલેદાર સમાચારો આવી રહ્યા છે. અખબારોના દેશ-વિદેશનાં પાને છપાતા આ સમાચારો પર તમારું ધ્યાન ન પડ્યું હોય તો થોડાં સેમ્પલ અહીં ટેસ્ટ કરોઃ
મોટા પરિવારનો કોઠીનો કાદવ જાહેરમાં ધોવાય ને ઘરની અંદરની ગંદી-ગોબરી પંચાતો દુનિયાની સામે ચર્ચાવા લાગે એટલે સમજવાનું કે કોઈ સનસનાટી ભરેલું પુસ્તક આવી રહ્યું હશે. જી હા, બ્રિટનના કિંગ ચાર્લ્સ અને પ્રિન્સેસ ડાયેનાના નાના દીકરા પ્રિન્સ હેરીની આત્મકથા ‘સ્પેર’ (Spare) અબ્બીહાલ રિલીઝ થઈ છે અને વરસાદી ભજિયાંની જેમ ચપોચપ વેચાઈ રહી છે. પોતાના જન્મ વખતે સગ્ગા બાપે એને વધારાનો (સ્પેર) કહ્યો હતો, એટલે એ વાતનો બદલો લેવા માટે દીકરાએ પોતાની આત્મકથાનું નામ જ ‘સ્પેર’ રાખી દીધું! અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે વાવડ આવ્યા છે કે પ્રિન્સ હેરીની આત્મકથા લૉન્ચ થયાના પહેલા જ દિવસે અમેરિકા, બ્રિટન અને કેનેડામાં તેની 15 લાખ નકલો વેચાઈ ગઈ છે! અને લોકો સતત તેને ખરીદવા માટે લાઇનો લગાવી રહ્યા છે.
ખેર, આપણી આજની ચર્ચાનો વિષય પ્રિન્સ હેરીની આ બુક નથી. બલકે તેનો લેખક છે. જી હા, છે તો આ પ્રિન્સ હેરીની આત્મકથા. એટલે ટેકનિકલી તો એણે જાતે જ લખી હોવી જોઇએ. પરંતુ મોટા માણસોને આવો સમય હોય નહીં, ને એ કંઈ સારા લેખક હોય એવું પણ માની લેવાને કોઈ કારણ નથી. ત્યારે એન્ટ્રી થાય પ્રોફેશનલ બાયોગ્રાફરોની. પૈસા લઇને જીવનકથા લખી આપનારાઓની. કહેવા માટે તો પ્રિન્સ હેરીની આ આત્મકથા એમણે જાતે-સ્વમુખે-પ્રથમ પુરુષ એકવચનમાં લખી છે, પરંતુ તે તેમને લખી આપી છે જે.આર. મોરિંગર નામના લેખકે. જે.આર. મોરિંગર વિશ્વનો સૌથી શ્રેષ્ઠ ‘ઘોસ્ટરાઇટર’ યાને કે ભૂતિયો લેખક ગણાય છે. ઘોસ્ટરાઇટર એટલે એવો લહિયો જે પોતાનું નામ પુસ્તક પર છપાવાનો મોહ ત્યજીને માત્ર પૈસા માટે લખે. એટલે જ પ્રિન્સ હેરીની આત્મકથાના કવરપેજ પર મોરિંગરનું ક્યાંય નામ નથી.
અત્યારે 58 વર્ષના જે. આર. મોરિંગરનું સાચું નામ છે, જ્હોન જોસેફ મોરિંગર, પરંતુ તેઓ ‘જે.આર. મોરિંગર’ના ‘તખલ્લુસ’થી પુસ્તકો લખે છે.
એક પુસ્તક લખવાના 8 કરોડ રૂપિયા!
પ્રિન્સ હેરી ભલે ચાર વર્ષ પહેલાં 2018માં પત્નીને લઇને બ્રિટિશ રાજઘરાણામાંથી છૂટો થઈ ગયો હોય. પરંતુ છે તો તે માલદાર પાર્ટી. વળી, એણે પોતાની આત્મકથા ‘ટેલ ઑલ’ (Tell All) પ્રકારની રાખી છે. યાને કે કશુંય છુપાવ્યા વિના, કોઇનીયે સાડાબારી રાખ્યા વિના બધું જ કહી દે તેવી તમામ પ્રકારના મરી-મસાલાથી ભરપુર. એટલે તેવી સ્ફોટક જીવનકથા લખવા માટે જે.આર. મોરિંગરને પૂરા 10 લાખ ડૉલર મળ્યા છે, જેને રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આજની તારીખે 8.18 કરોડ રૂપિયા! ભારતમાં કોઇ લેખકને એક પુસ્તક માટે આટલા તોતિંગ રૂપિયાનું મહેનતાણું મળ્યાનું સપનું આવે તોય એનું હૃદય ધબકારો ચૂકી જાય!
પરંતુ આ મોરિંગરભાઈ જેવાતેવા લેખક નથી. અમેરિકાના ન્યૂ યોર્ક સિટીમાં રહેતા આ લેખક કમ પત્રકારને 2000ના વર્ષમાં પત્રકારત્વનું નોબેલ કે ઓસ્કર ગણાતું ‘પુલિત્ઝર પ્રાઇઝ’ પણ મળી ચૂક્યું છે. પ્રિન્સ વિલિયમની આત્મકથા પહેલાં એણે દિગ્ગજ અમેરિકન ટેનિસ ખેલાડી આન્દ્રે અગાસીની આત્મકથા ‘ઓપન’ પણ લખી હતી. એ પુસ્તક પણ વિવાદોથી ભરચક હતું. એમાં આન્દ્રે અગાસીએ કબૂલ કરેલું કે એ ક્રિસ્ટલ મેથ નામનું ડ્રગ્સ લઇને ટેનિસ રમતો હતો. એના જવાબમાં તો રોજર ફેડરર જેવા સુપરસ્ટાર ટેનિસ પ્લેયરે પણ આઘાત વ્યક્ત કરેલો. મરાત સાફિન નામના બીજા એક ટેનિસ ખેલાડીએ તો ત્યાં સુધી કહી દીધેલું કે અગાસીમાં શરમ જેવું કંઈ બચ્યું હોય તો એણે પોતાના ટેનિસના બધા જ ખિતાબ પાછા આપી દેવા જોઇએ. અગાસીએ તેમાં પોતાના પિતાની વિરુદ્ધમાં પણ ભારે બળાપા કાઢ્યા હતા, કે એના પપ્પા એને ટેનિસ રમવા દેવા માગતા જ નહોતા. પરંતુ એ પુસ્તક વર્ષો સુધી નંબર વન બેસ્ટસેલરની યાદીઓમાં સામેલ રહ્યું, અને આજે પણ વિશ્વની શ્રેષ્ઠ સ્પોર્ટ્સ બુક્સમાં તેનો સમાવેશ થાય છે.
અત્યારે આ વાંચી રહેલા કેટલાય લોકોના પગમાં ‘નાઇકી’ (Nike) કંપનીનાં શૂઝ હશે. તે નાઇકી કંપનીના સ્થાપક ફિલ નાઇટનું સંસ્મરણાત્મક પુસ્તક છે ‘શૂ ડોગ’ (Shoe Dog). છ વર્ષ પહેલાં આવેલું આ સુપર ડુપર હિટ પુસ્તક બિઝનેસ, આંત્રપ્રેનરશિપ અને પ્રેરણાત્મક વાંચવાના શોખીનો માટે એકદમ મસ્ટ રીડ છે. આ પુસ્તકના ભૂતિયા લેખક પણ જે. આર. મોરિંગર જ હતા. વિશ્વના ટોચના બે ધનાઢ્ય એવા બિલ ગેટ્સ અને વૉરન બફેટ બંને આ પુસ્તક પર સમરકંદ-બુખારા ઓવારી ગયેલા છે.
બીજાની અંગત અંગત વાતો કઢાવીને ચિક્કાર પૈસા કમાતા આ ભૂતિયાલેખક મહાશય પોતાની અંગત વાતો પણ લખી ચૂક્યા છે. 2005માં એમણે પોતાના બાળપણ અને જીવનનાં ઘડતરનાં વર્ષો પર ‘ધ ટેન્ડર બાર’ (The Tender Bar) નામનું સંસ્મરણાત્મક પુસ્તક લખેલું. તે પુસ્તક વાંચીને હોલિવૂડના વન ઑફ ધ મોસ્ટ ડૅશિંગ હીરોઝ એવા ‘ઓશન્સ ઇલેવન’ ફૅમ જ્યોર્જ ક્લૂની મોરિંગર પર ફિદા થઈ ગયેલા. એમણે એ પુસ્તક પર ફિલ્મ બનાવવા માટે મોરિંગર સામે રીતસર જીદ પકડેલી. ગયા વર્ષે તેના પરથી એ જ નામની ફિલ્મ આવેલી, જેમાં હીરો તરીકે બબ્બે ઓસ્કર અવોર્ડ વિજેતા અને ‘બેટમેન’નું પાત્ર ભજવતા બેન એફલેક હતા.
‘ઘરમાં ઘૂસીને’ વાર્તા કઢાવી લેવાની આવડત
આ રીતે કોઇના જીવનની ઝીણામાં ઝીણી વાતો પરથી પુસ્તક લખવાનું હોય, અને તે વ્યક્તિ પાછી ગ્લોબલ સેલિબ્રિટી હોય, ત્યારે જોખમ ઓર વધી જાય. કેમકે, એક તો ‘સેલિબ્રિટી કી ઇજ્જત કા સવાલ’ હોય, ઉપરથી તેમણે જેના વિશે લખ્યું (વાંચો, લખાવ્યું!) હોય, તે લોકોને પણ માઠું લાગવાના પૂરેપૂરા ચાન્સિસ. એનો મોરિંગરે મસ્ત રસ્તો કાઢ્યો છે. જેના પરનું પુસ્તક લખવાનું કામ હાથમાં લે તેની નજીકમાં જ ભાડે ઘર રાખીને રહેવા આવી જાય. પછી તે સેલિબ્રિટીના ઘરમાં પડ્યા પાથર્યા રહેવાનું અને કલાકોના કલાકો સુધી તેમને અલગ અલગ ઘટનાઓ-સમયગાળા વિશે પૂછી પૂછીને ઠૂસ કાઢી નાખવાની. એ દરમિયાન સેલિબ્રિટીનો એકેએક શબ્દ રેકોર્ડ કરી લેવાનો. પછી જ તેને લેપટોપમાં ઉતારવાનો અને ફરી ફરીને રિરાઇટ કરવાનું. આંદ્રે અગાસીની આત્મકથા લખવા માટે મોરિંગર બિસ્તરા-પોટલાં બાંધીને તેની પાસે લાસ વેગસ પહોંચી ગયેલા. અગાસી સાથે પૂરા અઢીસો કલાક વાતો કરી અને તેને રેકોર્ડ કરી. અગાસીની સાઇકોલોજી સમજવા માટે એણે પ્રસિદ્ધ મનોવિજ્ઞાનીઓ સિગ્મંડ ફ્રોઇડ અને કાર્લ યંગનાં પુસ્તકો વાંચી કાઢેલાં.
એમની રાઇટિંગ સ્ટાઇલ એવી અદભુત છે કે ખુદ આન્દ્રે અગાસીએ મોરિંગરની ‘ધ ટેન્ડર બાર’ બુક વાંચીને એમને આગ્રહભરી વિનંતી કરી હતી કે મારી આત્મકથા તમે જ લખો. જ્યોર્જ ક્લૂનીને પણ આવી જ ફીલિંગ આવેલી, એટલે એમણે મોરિંગરને મોં માગ્યા દામ આપીને ‘ધ ટેન્ડર બાર’ના રાઇટ્સ ખરીદી લીધા અને તેના પરથી ફિલ્મ બનાવી. યાને કે ‘શોલે’ ફિલ્મના ડાયલોગ જેવું, ‘કીમત જો તુમ ચાહો, કામ જો મૈં ચાહું...!’
જતા રહેલા પિતાનો ભેદી અવાજ સંભળાવા લાગ્યો!
મોરિંગર અત્યારે ભલે સુપર સક્સેસફુલ રાઇટર ગણાતા હોય, પરંતુ એમનું બાળપણ પિતાની છત્રછાયા વિનાનું કપરું રહ્યું હતું. મોરિંગર બોલતા શીખ્યા તે પહેલાં જ એના પિતા એને છોડીને જતા રહેલા. એની મમ્મીએ એકલે હાથે દીકરાને ઉછેર્યો. મોરિંગરના પિતા ન્યૂ યોર્કમાં ડીજે હતા. પરંતુ એ પછી એમની સાથે ભેદી ઘટનાઓ બનવા લાગી. એમને સતત એમના પિતાનો ઘોઘરો અવાજ એમના કાનમાં સંભળાવા લાગ્યો! વર્ષો સુધી સંભળાતો રહ્યો. આ વાત તેમણે પોતાના સંસ્મરણાત્મક પુસ્તક ‘ધ ટેન્ડર બાર’માં લખી છે. કદાચ આ જ કારણ છે કે એમણે જે સેલિબ્રિટીઓ પર પુસ્તકો લખ્યાં છે તેમને પણ પોતાના પિતા સાથે સારા સંબંધો નહોતા, પછી તે આંદ્રે અગાસી હોય કે પ્રિન્સ હેરી.
અમેરિકાના સૌથી મોટા લૂંટારૂની સત્યકથા
વિલિ સટન નામના એક ધાડપાડુએ આજથી આઠ-નવ દાયકા પહેલાં અમેરિકન પોલીસના નાકમાં ભારે માયલો દમ કરી નાખ્યો હતો. એણે એટલી બધી બેંકો લૂંટેલી કે તે અમેરિકાના ઇતિહાસનો સૌથી મોટો ધાડપાડુ ગણાય છે. એટલું જ નહીં, અમેરિકાની જાસૂસી સંસ્થા FBIએ તેને મોસ્ટ વોન્ટેડ ક્રિમિનલ ગણાવ્યો હતો. ત્રીસ વર્ષની જેલમાં એ ત્રણ-ત્રણ વાર તો જેલ તોડીને ભાગી ગયેલો. છતાં એની છાપ ‘રોબિન હૂડ’ જેવા ‘જેન્ટલમેન થીફ’ની ગણાતી. સટન વિશે કહેવાય છે કે જ્યાં કોઈ સ્ત્રીની ચીસ કે બાળક રડતું સંભળાય તો તે બેંક તે લૂંટતો નહીં. આ ભારે રસપ્રદ લૂંટારૂની સત્યકથામાં થોડું કલ્પનાનું અટામણ ઉમેરીને તેને નવલકથા સ્વરૂપે જે.આર. મોરિંગરે ઉતારી હતી. 2012માં બહાર પડેલી તે ‘સટન’ નવલકથા પણ સફળ રહી હતી.
ઘોસ્ટરાઇટર, દાયણનું કામ
આગળ કહ્યું તેમ જે.આર. મોરિંગરને પોતાના ભૂતિયા લેખકકર્મ માટે પુસ્તકમાં નામ મળતું નથી. પુસ્તકની પબ્લિસિટી માટે મીડિયા ઇન્ટરવ્યૂ અને વર્લ્ડ ટૂર પણ જે તે સેલિબ્રિટી જ કરે. આ વાતને બરાબર સમજીને મોરિંગર પોતે પણ ખાસ ઇન્ટરવ્યૂ આપતા નથી. એ માને છે કે તેમનું કામ જ બોલવું જોઇએ. એમના વિશે અમેરિકાના દૈનિક ‘ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ’એ લખેલું, ‘દાયણ કંઈ પ્રસૂતિ કરાવેલું બાળક પોતાના ઘરે ન લઈ જઈ શકે!’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.