વિશ્વભરમાં ‘લિંગ સમાનતા’ એટલે કે સ્ત્રી-પુરુષને સમાન અધિકાર મળી રહે તે માટે શક્ય તમામ પ્રયાસ કરવામાં આવે છે. આપણા દેશમાં પણ તેના માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે પણ ફ્રાન્સના એક શહેરે આ વિચારનાં અમલીકરણ માટે એક વિશેષ જ પગલું હાથ ધર્યું છે. અહીંનાં મેયરે ‘લિંગ સમાનતા’ માટે શહેરનું નામ જ બદલી નાખ્યું છે. એમણે શહેરના નામનું લિંગ પરિવર્તન કરીને હવે તેને સ્ત્રૈણ બનાવી દીધું છે!
જો કે, આ શહેરના પુરુષોને આ નિર્ણય ખાસ પસંદ આવ્યો નથી. અમુક લોકો તો ગુસ્સામાં આવીને સ્કર્ટ પહેરીને ઓફિસ જવાની વાત કરવા લાગ્યા તો અમુક લોકોએ મેયરને મહિલા બની જવાની સલાહ આપી.
ફ્રેન્યમાં નામનાં અંતમાં ‘e’ જોડીને બનાવે છે સ્ત્રૈણ નામ
ફ્રેન્ચ ભાષામાં કોઈપણ નામનાં અંતમાં ‘e’ જોડીને તેને ફેમિનાઇન એટલે કે સ્ત્રૈણ બનાવવામાં આવે છે. આ રીતે આ ફ્રેન્ચ શહેરનું નામ ‘પેંટેન’માંથી બદલીને ‘પેંટેની’ કરી દેવામાં આવ્યું છે. શહેરનાં સોશિયલિસ્ટ મેયર બર્ટ્રેંડ કર્ન ટ્વિટર પર અપલોડ કરીને તેની જાહેરાત કરી. તેઓએ જણાવ્યું કે, મહિલાઓ અને તેનાથી જોડાયેલાં પ્રતીકોને પ્રોત્સાહન આપવા માટે શહેરનું નામ બદલવામાં આવ્યું છે.
‘પબ્લિક ડોમેઈનમાં મહિલાઓને જગ્યા મળતી નથી’
નવા વર્ષ પર શહેરનું નામ બદલવાની જાહેરાત કરતાં મેયરે જણાવ્યું કે, સ્થિતિ પહેલાથી ઘણી સારી થઈ ગઈ હોવા છતાં પણ પબ્લિક ડોમેઈનમાં મહિલાઓને એટલી જગ્યા મળી નથી અને તેઓને પુરુષોની સાપેક્ષે સેલેરી પણ ખૂબ જ ઓછી મળે છે. મેયરનાં મત મુજબ શહેરનું નામ ફેમિનિન કરવાથી લોકોનો વિચાર બદલાશે.
પુરુષોને મેયરનો આ નિર્ણય જરા પણ ના ગમ્યો
ફ્રાન્સ સહિત આખા વિશ્વમાં મેયરનાં આ નિર્ણયનાં ખૂબ જ વખાણ કરવામાં આવ્યાં છે. શહેરની મહિલાઓ પણ તેના આ નિર્ણયથી ખુશ છે પણ આ શહેરમાં વસતા પુરુષોને આ નિર્ણય જરા પણ ગમ્યો નથી. તેઓનું કહેવું છે કે, ‘લિંગ સમાનતા’ માટે જૂના શહેરનું નામ બદલવું બેકાર નિર્ણય છે.
સોશિયલ મીડિયા પર પુરુષ તેનો ગુસ્સો જાહેર કરે છે. તેનાં મીમ્સ પણ વાઈરલ થયાં. એક યૂઝરે કહ્યું કે, ‘ખબર નહી મેયર પુરુષોને સ્કર્ટ પહેરીને આવવાનો હુકમ ક્યારે આપી દે?’ બીજા યૂઝરે મેયરને પોતાનું નામ બદલીને મહિલાનાં નામ પર નામ રાખવાની સલાહ આપી.
નામ જ સર્વસ્વ છે
વિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે એવું લખેલું કે, ‘નામમાં શું રાખ્યું છે?’ પણ હકીકતમાં નામ ઘણું મહત્ત્વ ધરાવે છે. તેનાથી જ લોકોની ઓળખ જોડાયેલી રહે છે. નામ શહેરનું હોય કે માણસનું, તે જ તેની ઓળખ હોય છે. વિશ્વ તેના નામથી જ તેને ઓળખે છે.
જો કે, શહેરોનાં નામ બદલવાની પરંપરા નવી નથી. મુઘલકાળમાં જૂના શહેરોનાં નામ બદલવામાં આવ્યા હતા. યૂપીમાં જ્યારે યોગી આદિત્યનાથ સત્તામાં આવ્યા ત્યારે તેઓએ શહેરોનાં નામ બદલી નાખ્યાં હતાં. અલ્લાહાબાદ ‘પ્રયાગરાજ’ થઈ ગયું તો ફૈઝાબાદ ‘અયોધ્યા કેન્ટ’. હજુ અમુક લોકો અલીગઢને ‘હરિગઢ’ અને આગ્રાને ‘અગ્રેસન નગર’ કરવાની માગ ઉઠાવી રહ્યા છે. દિલ્હીમાં ઐતિહાસિક ‘રાજપથ’નું નામ કર્તવ્યપથ કરી દીધું તો મદ્રાસ, ‘ચેન્નઈ’ અને બોમ્બે, ‘મુંબઈ’ થઈ ગયું. પરંતુ કોઈ શહેરના નામને પુરુષમાંથી સ્ત્રી બનાવવામાં આવ્યું હોય તેવો સૌપ્રથમ દાખલો ફ્રાન્સના આ શહેરે બેસાડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.