સ્પેસમાંથી આવેલો ખજાનો:ઓસ્ટ્રેલિયાના યુવકે રાતા રંગનાં પથ્થરને સોનું સમજી સાચવી રાખ્યો, તપાસમાં આ કરોડો રૂપિયાની ઉલ્કા નીકળી!

12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સપર્ટે કહ્યું, આ ઉલ્કા કોઈ સામાન્ય નથી તે 4.6 અબજ વર્ષ જૂની હોય શકે છે
  • આયર્ન અને નિકલના મિશ્રણથી બનેલી ઉલ્કાનું વજન 17 કિલો છે

ઓસ્ટ્રેલિયામાં વર્ષ 2015માં ડેવિડ હોલને મેલબોર્ન શહેર નજીક આવેલા મેરીબોરો રિજનલ પાર્કમાંથી એક પથ્થર મળ્યો. આ પથ્થરની અંદરની સાઈડ સોનું હશે તેમ સમજીને ડેવિડે પથ્થર સાચવીને મૂકી દીધો. મેલબોર્ન મ્યુઝિયમમાં જતા ડેવિડને ખબર પડી કે આ તો સોનાં કરતાં પણ મૂલ્યવાન ખજાનો છે. આ કોઈ સામાન્ય પથ્થર નથી પણ ઉલ્કા છે અને તે પણ 4.6 અબજ વર્ષ જૂની.

પૃથ્વી પર ‘ખરતા તારા’ની કિંમત અનેક ગણી
સામાન્ય ભાષામાં આપણે સ્પેસમાંથી આવતા પથ્થરને ‘ખરતો તારો’ કે ‘ઉલ્કાપાત’ કહીએ છીએ. આ પદાર્થ (meteoroid) ક્યારેક વાતાવરણમાં સંપુર્ણ ભસ્મીભૂત ન થતાં જમીન સુધી પહોંચી આવે છે, જેને આપણે 'ઉલ્કા' નું નામ આપીએ છીએ. ડેવિડ પાર્કમાં ફરતો હતો ત્યારે તેના મેટલ ડિટેક્ટરમાં કઈંક ડિટેકટ થયું.

અનેક પ્રયત્નો કર્યા હોવા છતાં ઉલ્કા ના તૂટી
19મી સદીમાં આ જગ્યાને સોનાની ખાણ કહેવામાં આવતી હતી. આથી આ પથ્થરની અંદર પણ સોનું હશે તેમ સમજીને ડેવિડે પથ્થર પોતાની સાથે રાખ્યા. ઘરે આવીને તેણે ધારદાર વસ્તુઓ અને એસિડથી આ પથ્થર તોડવાનો પ્રયત્ન કર્યો પણ તે તૂટ્યો જ નહીં. હિંમત હારેલા ડેવિડે પોતાના ઘરમાં આ પથ્થર સાચવીને મૂકી દીધો. હાલમાં ડેવિડ મેલબોર્ન મ્યુઝિયમમાં ગયો ત્યારે જિઓલોજિસ્ટની વાત સાંભળીને તેની આંખો પહોળી થઇ ગઈ. આ વસ્તુ તો સોનું કરતાં પણ અનેક ગણી મૂલ્યવાન હતી. આ રાતી અને પીળા રંગની ઉલ્કા કોઈ સામાન્ય નહીં પણ 4.6 અબજ વર્ષ જૂની હોય શકે છે. જે પૃથ્વી પર આવીને પડી અને ડેવિડનું ધ્યાન ગયું.

‘મેં અત્યાર સુધી માત્ર બે જ અસલી ઉલ્કા જોઈ છે’
મેલબોર્ન મ્યુઝિયમમાં જિઓલોજિસ્ટ ડેર્મોટ હેન્રીએ કહ્યું, આ સ્ટ્રેન્જ પથ્થર સ્પેસમાંથી ટ્રાવેલ કરીને પૃથ્વી પર આવ્યો છે. આ મૂલ્યવાન ઉલ્કા છે. હું 37 વર્ષથી આ ફિલ્ડમાં કામ કરું છું પણ મેં અત્યાર સુધી માત્ર બે જ અસલી ઉલ્કા જોઈ છે. આ ઉલ્કાનું વજન 17 કિલો છે. મેરીબોરો રિજનલ પાર્કમાંથી આ ઉલ્કા મળી હોવાથી તેનું નામ મેરીબોરો ઉલ્કા રાખ્યું છે. આયર્ન અને નિકલના મિશ્રણથી બનેલી આ ઉલ્કા વજનમાં ભારે છે.

‘ઘણા લોકો પથ્થરને ઉલ્કા સમજીને મારી પાસે આવે છે’
​​​​​​​જિઓલોજિસ્ટ હેન્રીએ જણાવ્યું કે, સ્પેસના રિસર્ચ માટે ઉલ્કાપિંડ ઘણી મહત્ત્વની છે. તે આપણને સૌરમંડળની ઉંમર, ફોર્મેશન અને કેમેસ્ટ્રી વિશે માહિતી આપે છે. ઘણી ઉલ્કાઓ ‘સ્ટાર ડસ્ટ’ હોય છે તે આપણા સૌરમંડળ કરતાં પણ જૂની હોય છે. ડેવિડને મળેલી ઉલ્કા પૃથ્વી પર 100થી 1000 વર્ષ પહેલાં પડી હશે તેવું મારું અનુમાન છે. ઘણા લોકો પથ્થરને ઉલ્કા સમજીને મારી પાસે આવે છે. ઉલ્કા ઓળખવાનું નોલેજ ના હોવાથી તે પૃથ્વી પર 200 વર્ષ કરતાં પણ વધારે સમય સુધી પડી રહે છે અને આપણે તેને એક સામાન્ય પથ્થર જ સમજતા રહીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...