મહિલાઓનો દબદબો:ટાઈમ મેગેઝીનમાં ટોપ 100  ઇનફ્લુએન્સર વ્યક્તિઓના લિસ્ટમાં 54 મહિલાઓ, મમતા બેનર્જી ટોપ લીડર્સમાં સામેલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 વર્ષની ઉંમરથી સોંગ લખનારી અમેરિકન સિંગર અને પૉપ સિંગર બિલી આઇલિશ પાયનિયર્સ કેટેગરીમાં ટોપ પર છે
  • આ લિસ્ટમાં પશ્ચિમ બંગાળના મુખમંત્રી મમતા બેનર્જીનું નામ સામેલ છે

વિખ્યાત ‘ટાઈમ’ મેગેઝીને 2021માં દુનિયાની 100 ઇનફ્લુએન્સર વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કર્યું છે. આ લિસ્ટમાં અડધાથી વધારે એટલે કે 54 મહિલાઓએ જગ્યા બનાવી છે. ખાસ વાત તો એ છે કે, 6 કેટેગરીમાંથી 5 કેટેગરીમાં મહિલાઓ પુરુષ કરતાં આગળ છે. છઠ્ઠી કેટેગરી ઇનોવેટર્સની છે અને તેમાં પણ મહિલાનો દબદબો છે. જો કે, આ કેટેગરીમાં ટોપમાં કોઈ મહિલાને સ્થાન મળ્યું નથી. ફેબ્રુઆરી, 2016ની વાત છે, જ્યારે ટાઈમ મેગેઝીને કોલેજ ક્લાસમાં 100 સૌથી વધારે ભણેલી મહિલાઓનું લિસ્ટ જાહેર કર્યું હતું. આ લિસ્ટમાં 97મા ક્રમ પર એક મહિલા નહીં પણ પુરુષ લેખક એવલિન વૉગને સ્થાન મળ્યું હતું. મહિલાઓના લિસ્ટમાં પુરુષનું નામ આવતાં વિવાદ થયો હતો. જાણીએ, 2021ના લિસ્ટમાં સામેલ પ્રભાવશાળી મહિલાઓ કોણ છે...

આઇકન્સ: પોતાના અલગ અંદાજ માટે ઓળખાય છે મેગન
ટાઈમના આઇકન્સ કેટેગરી લિસ્ટમાં બ્રિટનના પ્રિન્સ હેરીની સાથે તેની પત્ની મેગન મર્કલે સૌથી આગળના સ્થાન પર છે. કેટેગરીમાં 16 નામ છે, તેમાં 10 મહિલાઓ છે. મેગન પોતાના બિનધાસ્ત વ્યવહાર અને સ્ટાઈલ માટે ચર્ચામાં હોય છે. આ વર્ષે તેણે ઓપ્રા વિન્ફ્રેને આપેલા ઇન્ટરવ્યૂમાં બર્મિંઘમ પેલેસ પર ઘણા આરોપ મૂકીને સૌ કોઈને ચોંકાવી દીધા હતા. આ લિસ્ટમાં ટેનિસ પ્લેયર નાઓમી ઓસાકાનું નામ પણ છે. તેણે માનસિક તકલીફોને લીધે ફ્રેન્ચ ઓપનમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. તેમાં રેસિઝમ વિરુદ્ધ લડનારી ભારતીય અમેરિકન મંજૂષા પી. કુલકર્ણીનું નામ પણ છે.

પાયનિયર્સ: પૉપ સિંગર બિલી આઇલિશમાં છે દુનિયા બદલવાની તાકાત
ટાઈમ મેગેઝીનમાં પાયનિયર્સ કેટેગરીમાં 18 લોકો છે, તેમાં 11 મહિલાઓ છે. આ કેટેગરીમાં 4 વર્ષની ઉંમરથી સોંગ લખનારી અમેરિકન સિંગર અને પૉપ સિંગર બિલી આઇલિશ લીડ કરી રહી છે. તેણે આ વર્ષે સાતમો ગ્રેમી અવોર્ડ જીત્યો છે. તેમાં સુનીસા લી, ફેલિસ એમિડો જેવી અન્ય પ્રભાવશાળી મહિલાઓનાં નામ પણ છે.

ટાઇટન્સ: પોતાને બદલ્યા વગર દુનિયા સામે રજૂ કરી
આ કેટેગરીમાં કુલ 13 લોકો સામેલ છે, તેમાં 7 મહિલાઓ છે. અમેરિકાની જિમ્નાસ્ટ સ્ટાર સિમોન બાઇલ્સ લિસ્ટમાં ટોપ પર છે. ટોક્યો ઓલિમ્પિક દરમિયાન તે યૂથ આઇકન રહી. સિમોને મેટ ગાલામાં રેડ કાર્પેટ લુકથી પણ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

આર્ટિસ્ટ: મહિલા અધિકારો માટે લડી રહી છે કેટ
આ કેટેગરીમાં 16માંથી 7 મહિલાઓ છે, તેમાં ટોપ પર ટાઇટેનિક ફૅમ એક્ટ્રેસ કેટ વિન્સલેટ સામેલ છે. કેટે હાલમાં જ અફઘાનિસ્તાનમાં મહિલાઓને સપોર્ટ કર્યો હતો. આ ઉપરાંત તે ઘણાં પ્લેટફોર્મ પર મહિલાઓના અધિકાર માટે લડી રહી છે.

લીડર્સ: મમતા બેનર્જી, કમલા હેરિસ સામેલ, ઓકોન્ઝો ટોપ પર
આ કેટેગરીમાં 20માંથી 9 મહિલાઓ છે. આફ્રિકન મૂળનાં નગોઝી ઓકોન્ઝો ટોપ પર છે. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનનાં ડિરેક્ટર જનરલ ઓકોન્ઝોએ તેમના નિર્ણયથી આખી દુનિયા પર છાપ છોડી હતી. પ્રથમવાર કોઈ અશ્વેત મહિલાને ઓર્ગેનાઈઝેશનની કમાન સોંપી હતી. આ લિસ્ટમાં પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ સામેલ છે. તેમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ અને ભારતીય મૂળના કમલા હેરિસનું નામ પણ છે.

ઇનોવેટર્સ: મોડર્ન વિચારોથી દુનિયામાં હલચલ થઇ
આ કેટેગરીમાં 17માંથી 10 મહિલાઓ છે, પણ તેમાં લીડમાં તાઇવાની અમેરિકન અબજપતિ બિઝનેસમેન જેનસેન હુઆંગ છે. કેટેગરીમાં ટેસ્લાના CEO એલન મસ્કનું નામ પણ સામેલ છે. આ ઉપરાંત એન્ડ્રિયાન બેનફિલ્ડ નોરિસ, વિલો સ્મિથ અને અમેરિકન એક્ટ્રેસ જેડા પિન્કિટ સ્મિથ પણ સામેલ જેવી મોડર્ન વિચાર ધરાવતી મહિલાઓએ પણ સ્થાન મેળવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...