મેઘાલયના ખાસી અને ગારો જનજાતિનાં પુરુષો સમાન અધિકારની માગ કરી રહ્યા છે. આ જનજાતિઓમાં જ્યારે લગ્ન થાય છે ત્યારે પુરુષની ડોલી છોકરીનાં ઘરે જાય છે અને દીકરી પણ પારિવારિક સંપત્તિની વારસદાર બની જાય છે એટલું જ નહીં પરિવારમાં અટક પણ મહિલા અટકનાં આધારે ચાલે છે.
ખાસી ગારો સમુદાય રસ્મો-રિવાજ માટે ઓળખાય છે
મેઘાલયનાં ખાસી અને ગારો જનજાતિ સમુદાય સદીઓથી માતૃવંશીય પરંપરાને માનતા આવી રહ્યા છે પરંતુ, છેલ્લા થોડા સમયથી આ મહિલા-પુરુષ બરાબરીને લઈને અવાજ ઊઠ્યો. આવુ એટલા માટે પણ થાય છે કારણ કે, અહીં અનેક પરિવારોમાં દીકરીઓ નથી અથવા તો જનજાતિ સમુદાયથી અલગ કોઈ યુવકની પસંદગી કરે છે તો તે બહાર ચાલી જાય છે. એવામાં વારસદારને લઈને અનેક પ્રકારની સમસ્યાઓ રહેતી હતી.
પુરુષોને મહિલાઓનાં દબાણથી સ્વતંત્ર કરવા માટે 33 વર્ષથી આ સંસ્થા ચાલી રહી છે
સિંગખોંગગ રિમ્પઈ થેમ્પાઈ (એક નવુ ઘર) નામની સંસ્થા મેઘાલયની માતૃ સત્તાત્મક પ્રણાલીને ખતમ કરવાનું કામ કરે છે. આ સંસ્થાની સ્થાપના એપ્રિલ, 1990માં થઈ હતી. આ સંસ્થાનાં અધિકારીઓ મુજબ તેનો ઉદ્દેશ્ય પુરુષોને મહિલાઓનાં વર્ચસ્વમાંથી સ્વતંત્ર કરવાનો છે.
મહિલાઓ નિર્ણય લે છે, દીકરીને હક મળે છે
ખાસી સમુદાયમાં નિર્ણય ઘરની મહિલાઓ લે છે. અહી ઘર-પરિવાર અને સમાજને સંભાળવાની જવાબદારી મહિલાઓની હોય છે. બાળકોને ઉપનામ પણ માતાના નામ પર આપવામાં આવે છે. પૈતૃક સંપતિ પર દીકરીઓ અને વિશેષ તો સૌથી નાની દીકરીનો હક હોય છે. માતા-પિતાની સાર-સંભાળ રાખવા માટે નાની દીકરી પિયરમાં જ તેના પતિ સાથે રહે છે. નાની દીકરીને ખાડૂહ / રપ યૂંગ / રપ સ્ત્રીના નામથી પણ ઓળખવામાં આવે છે. જો ખાડૂહ પોતાનો ધર્મ બદલી નાખે છે તો તેની પાસેથી પરિવારની સાર-સંભાળ રાખવાની જવાબદારી પણ છીનવી લેવામાં આવે છે.
બર્માથી આવીને ઉતર પૂર્વીય ભારતમાં વસી આ જનજાતિઓ
અંદાજે 17 લાખ વસ્તી ઘરાવતી ખાસી જનજાતિનાં લોકો સામાન્ય રીતે મેઘાલયનાં ખાસી અને જયંતિયા હિલ્સ પર વસેલા છે. અસમ, મણિપુર, પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશનાં અમુક ભાગમાં પણ તેની વસ્તી સારી છે. એવુ જણાવવામાં આવી રહ્યુ છે કે, આ લોકો બર્મા એટલે કે આજનાં મ્યાનમારનાં પ્રવાસી છે. વર્ષો પહેલા મ્યાનમારથી આવેલા આ લોકોએ મેઘાલય સહિત પૂર્વોતર ભારતનાં ક્ષેત્રોમાં પોતાનાં વસવાટો વસાવ્યા હતા. મેઘાલયમાં ગારો જનજાતિની વસ્તી અંદાજે 30 લાખ છે.
વંશ ચલાવવા માટે દીકરીનો જન્મ થાય તો ઊજવણી કરવામાં આવે છે
દીકરીઓનાં જન્મ પર અહીં મોટાપાયે ઊજવણી કરવામાં આવે છે જ્યારે ભારતનાં બાકી વિસ્તારોમાં આનાથી તદ્દન વિપરિત જો દીકરાઓનો જન્મ થાય તો ઊજવણી કરવામાં આવે છે. અહીંનો દરેક પરિવાર એવુ ઈચ્છે છે કે, તેઓનાં ઘરે દીકરીનો જન્મ થાય કે, જે તેના વંશવેલાને આગળ વધારે અને પરિવારને તેનું સંરક્ષક મળી રહે. બાળકોની જવાબદારી પણ મહિલાઓ ઊઠાવે છે, પુરુષોનો બાળકો પર પણ એટલો અધિકાર નથી.
એક સમયે કેરળમનાં નાયર સમુદાયમાં પણ માતૃ સત્તાત્મક વ્યવસ્થા
20મી સદી પહેલા કેરળનાં નાયર સમુદાયમાં પણ માતૃ સત્તાત્મક સમાજ હતો, જેને વર્ષ 1925માં કાયદાનાં માધ્યમથી બદલવામાં આવ્યો. તે પછી મેઘાલય એકમાત્ર એવી જગ્યા રહી છે કે, જ્યા માતૃ સત્તાત્મક પરિવારનું ચલણ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.