આપણે આપણાં દેશમાં તો પૈસા લઈને રેલીઓમાં આવતા લોકોની વાત તો અનેકવાર સાંભળી હશે. તમે એ પણ સાંભળ્યું હશે કે, રેલીમાં જનારા લોકો માટે ખાવા-પીવાનો પણ બંદોબસ્ત કરવામાં આવે છે પણ જો તમને એમ કહેવામાં આવે કે, બ્રિટન જેવા વિકસિત દેશોમાં પણ આવું થાય છે? આ વાત ગળે ઉતારવી થોડી અઘરી છે પણ સાચી છે. ભરપેટ ભોજન અને ધાબળાની લાલચમાં સામાન્ય લોકો કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શનમાં જવા તૈયાર થઈ જાય છે. પછી ભલેને તેઓ તે વિરોધનો અર્થ અને તેનાં આયોજકોને પણ જાણતાં ન હોય.
અંગ્રેજી પત્રકારે ખુલાસો કર્યો
છેલ્લા થોડા દિવસોમાં બ્રિટેન અને વિશ્વભરનાં પ્રોટેસ્ટમાં અમુક વિશેષ ટ્રિક્સ અપનાવવામાં આવી છે. ક્યાંક પર્યાવરણીય કાર્યકરોએ ઓઇલ પેઇન્ટિંગ પર ચટણી રેડીને વિરોધ નોંધાવ્યો હતો તો ક્યાંક મીણનાં મ્યુઝિયમમાં પૂતળાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
આવા જ એક કિસ્સામાં પ્રાઇવેટ જેટનો વિરોધ કરી રહેલી એક છોકરીએ ભૂતપૂર્વ બ્રિટિશ સૈનિક કેપ્ટન ટોમસ મૂરની પ્રતિમા પર પેશાબ અને મળ ઉડાડ્યું હતું. લોકોને એ સમજાતું ન હતું કે, પર્યાવરણની ચિંતા માટે સૈનિકની પ્રતિમાને શા માટે ગંદી કરવામાં આવે છે? 21 વર્ષીય યુવતીનાં આ પગલાની દેશભરમાં ઘણી ટીકા થઈ હતી.
હવે ‘ધ સન્ડે ટાઈમ્સ’માં બ્રિટન પત્રકાર જેરની કલકર્સને આવા પ્રોટેસ્ટર્સની પોલ ખોલી.
ભોજન અને ધાબળાની લાલચમાં પ્રોટેસ્ટર્સ આવે છે
જેરની કલકર્સને જણાવ્યું કે, યુવાઓને બર્ગર અને ધાબળાની લાલચ આપીને રેલીઓમાં બોલાવી વિરોધ કરાવવાનું ચલણ વધ્યું છે. તેમની ઉંમર 20-22 વર્ષની વચ્ચે હોય છે અને તે પણ બેરોજગાર હોય છે. એવામાં જો કોઈ તેને ખાવાનું ઓફર કરે તો તે કોઈપણ પ્રદર્શનમાં પહોંચી જાય છે. તેને ઘરેથી લઈ જવાથી લઈને પાછા મૂકી જવા સુધીની જવાબદારી પણ પ્રદર્શનનાં આયોજકો લે છે.
સોશિયલ મીડિયા પર ફોટો અપલોડ કરીને કૂલ બને છે
પૈસા અને ખાવાની લાલચમાં પ્રોટેસ્ટ કરનાર યુવા પછી તે જ ફોટોને સોશિયલ મીડિયા પર અપલોડ કરીને કૂલ પણ બને છે. તમને જણાવી દઈએ કે, બ્રિટનમાં ચાલનારા અમુક પ્રદર્શનો પર આખા વિશ્વની નજર છે. અહીં નર્સ અને જૂનિયર ડૉક્ટર સેલરી હાઈકની માગને લઈને હડતાલ પર છે. હજારો રેલ કર્મચારીઓની હડતાલ હાલ પૂરતી તો ટળી ગઈ છે પણ સેલેરી અને કામ કરવાની સ્થિતિને જોઈને એવું લાગી રહ્યું છે કે, આ હડતાલ પાછી થઈ શકે. હીથ્રો એરપોર્ટનાં કર્મચારીઓ પણ પ્રદર્શનની તૈયારી કરી રહ્યા છે.
આ પ્રદર્શનને લઈને મિશ્ર પ્રતિભાવ જોવા મળી રહ્યા છે. અમુક તેને ભાડે આવેલ પ્રદર્શનકારીઓનો જમાવડો ગણાવી રહ્યા છે તો અમુક લોકોનું માનવું એવું છે કે, બ્રિટનની આર્થિક સ્થિતિ ડગમગવાને કારણે લોકોમાં આર્થિક અસુરક્ષાની ભાવના જન્મી રહી છે અને તેવા કારણે આ પ્રકારની સ્થિતિઓ સર્જાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.