સફેદ થઇ ગયેલા વાળને ફરીથી કાળા ના કરી શકાય, પરંતુ વાળને સફેદ થતા બચાવી શકાય છે. બ્યુટી એક્સપર્ટ શહેનાઝ હુસૈને જણાવ્યા ઘરેલુ ઉપચાર....
વાળ સફેદ કેમ થાય છે તેનું કારણ હજુ ખબર નથી પડી. ડૉક્ટરનું માનવું છે કે, આનુવંશિક કે ઇમ્યુન સિસ્ટમ નબળી હોવાને લીધે વાળ સફેદ થઈ શકે છે. વિટામિન B12, વિટામિન C અને Eની અછત તથા શરીરમાં ઝિંક અને કોપરની ઉણપથી વાળ સફેદ થવા લાગે છે. વાળ સફેદ થતા રોકવા માટે સૌપ્રથમ તો ડાયટ પર ધ્યાન આપવું જોઈએ. પૌષ્ટિક આહાર લો, જેથી શરીરમાં વિટામિનની કમી ના થાય. ડાયટમાં ખાટ્ટા ફળ જેમ કે સંતરા, લીંબુ, દ્રાક્ષ, ટમેટું અને લીલી શાકભાજી સામેલ કરો. આ ઉપરાંત અમુક ઘરેલુ ઉપાયથી પણ તમે વાળ સફેદ થતા અટકાવી શકો છો.
વાળ માટે આંબળા અસરકારક
આંબળા ઇમ્યુનિટી વધારે છે. આથી રોજ એક ગ્લાસ પાણીમાં આંબળાનો રસ મિક્સ કરીને પીવો. આંબળાનો પાઉડર મહેંદીની પેસ્ટમાં મિક્સ કરીને લગાવવાથી વાળ સફેદ થતા નથી અને વાળ પણ સફેદ થતા રોકી જશે.
નારિયેળનું તેલ અને દિવેલ મિક્સ કરીને લગાવો
જે લોકો કેમિકલયુક્ત હેર કલરનો ઉપયોગ કરે છે, તેમણે વાળનું એક્સ્ટ્રા ધ્યાન રાખવાની જરૂર છે અને નિયમિત રીતે ઓઇલ મસાજ કરવું જોઈએ. એક ચમચી નારિયેળ તેલ અને એક ચમચી દિવેલ મિક્સ કરીને વાળમાં લગાવો. એ પછી ટુવાલને ગરમ પાણીમાં પલાળો અને પછી નીચવીને પાઘડીની જેમ વીંટી દો. 5 મિનિટ સુધી આ રહેવા દો. આ પ્રોસેસ 3થી 4 વાર કરો. અઠવાડિયામાં આવું બે વાર કરવાથી વાળ સફેદ થતા અટકી જાય છે અને વાળ સોફ્ટ તથા હેલ્ધી બને છે.
મીઠા લીમડાના મીઠા ફાયદાઓ
ડાયટમાં મીઠો લીમડો સામેલ કરવાથી વાળના મૂળિયાં અને ફોલિકલ્સ મજબૂત બને છે, આ બીટા-કેરોટીન અને પ્રોટીનનો સારો સોર્સ છે અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. મીઠી લીમડો ખાવાથી વાળ ખરતા અને સફેદ થતા અટકી જાય છે. તેમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, ફોલિક એસિડ તથા વિટામિન A,B,C અને E હોય છે. મીઠા લીમડાની પેસ્ટ લગાવો અને 20થી 30 મિનિટ પછી ધોઈ લો. વાળ સફેદ થતા અટકાવવા માટે આ એક સારો ઘરેલું ઉપાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.