કોરોના વાઈરસને લીધે માતા ગુમાવી ચૂકેલી એક દીકરીનો લેટર હાલ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. કર્ણાટકની રહેવાસી 9 વર્ષની રિતિક્ષાની માતાની કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર ચાલુ હતી. તેની માતાની તબિયત વધાર લથડતા તેણે 16 મેના રોજ અંતિમ શ્વાસ લીધા. રિતિક્ષાની માતાનો ફોન હોસ્પિટલમાંથી ચોરી થઈ ગયો આથી તેણે લેટર લખીને તેની માતાનો ફોન જેણે પણ લીધો હોય તેને પરત કરવા આજીજી કરી છે.
‘પિતા છૂટક મજૂરી કામ કરે છે, અમારું ઘર પાડોશીઓને લીધે ચાલે છે’
9 વર્ષની બાળકીએ કોડગુ જીલ્લાના ડેપ્યુટી કમિશનર, MLA અને હોસ્પિટલના સ્ટાફને સંબોધીને પત્ર લખ્યો કે, હું, મારી મમ્મી અને પપ્પા અમે બધા કોરોના પોઝિટિવ હતા. મમ્મીની હેલ્થ કન્ડીશન વધારે ખરાબ થઈ હતી. આથી તેને મડીકેરી કોવિડ હોસ્પિટલમાં દાખલ કરી હતી. હું અને પપ્પા હોમ ક્વોરન્ટીન હતા. અમે ઘરની બહાર જતા નહોતા. પપ્પા છૂટક મજૂરી કામ કરે છે. અમારું ગુજરાન હાલ પડોશીઓની મદદથી ચાલી રહ્યું છે. મમ્મી 16 મેના રોજ અમને એકલા મૂકીને ચાલી ગઈ. મમ્મી પાસે હોસ્પિટલમાં ફોન હતો તે કોઈકે ચોરી કરી લીધો. મેં મમ્મી ગુમાવી હું અનાથ બની ગઈ. તે ફોનમાં મમ્મી સાથે મારી યાદો હતી. જેણે પણ ફોન લીધો હોય તેને હું વિનંતી કરું છું કે મને પાછો આપી દો. મમ્મીનો ફોન શોધવામાં મારી મદદ કરો.
પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી
રિતિક્ષાના પિતા નવીનકુમારે ન્યૂઝ એજન્સી ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું, મારી પત્ની પ્રભા(36 વર્ષ)નું 16 મેના રોજ કોરોનાને લીધે અવસાન થયું. હોસ્પિટલે અમને તેની દરેક વસ્તુઓ આપી પણ ફોન ના આપ્યો. અમે ઘણીવાર ફોન કરવાના પ્રયત્નો કર્યા પણ નંબર સ્વીચ ઓફ આવે છે. અમે મિસિંગ ફોનની ફરિયાદ પણ પોલીસ સ્ટેશનમાં લખાવી છે.
નવીનકુમારે કહ્યું, જ્યારથી પ્રભા અમને મૂકીને ચાલી ગઈ ત્યારથી રિતિક્ષા રડ્યા કરે છે. તેને માતાનો ફોન જોઈએ છે. તે ફોનમાં અમારા પરિવારના ફોટો અને વીડિયો સાચવીને રાખતી હતી. તેમાં તેની મમ્મીની ઘણી બધી યાદો છે. રિતિક્ષા તેની મમ્મીના ફોનમાં જ ઓનલાઈન ભણતી હતી. હું અત્યારે નિ: સહાય અનુભવું છું. તેની માતાનો ફોન શોધી શક્યો નથી કે તેને નવો ફોન લાવી આપું એટલા રૂપિયા નથી.
9 વર્ષની બાળકીનો લેટર વાઈરલ થતા ઘણા યુઝર્સે પોલીસને તેની મદદ કરવા વિનંતી કરી છે. કર્ણાટકના DGP પ્રવીણ સૂદે કહ્યું, અમારી ટીમ તેમનું કામ કરી રહી છે. અમે ફોન ટ્રેસ કરવા માટે અમારાથી શક્ય દરેક પ્રયત્નો કરીશું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.