વર્લ્ડ ચેમ્પિયનશિપ દરમિયાન ઓસ્ટ્રિયાની ક્લાઈમ્બર જોહાના ફાર્બરની બોડીના અમુક ક્લોઝ-અપ શોટ્સ લાઈવ ટીવી પર દેખાડવાને લઈને મોટો હોબાળો શરૂ થયો. આ વિવાદ એટલો બધો વકર્યો કે, ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સ્પૉર્ટ્સ ક્લાઈમ્બિંગે જોહાનાની માફી માગવી પડી. ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સ્પોર્ટ ક્લાઈમ્બિંગે ટ્વિટર પર એક માફીનામું શૅર કર્યું છે.
ફેડરેશને લખ્યું, ક્લાઈમ્બિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપ મોસ્કો 2021માં ટીવી પર દેખાડવામાં આવેલા વિઝ્યુલ બદલ જોહાના ફાર્બર અને દરેક એથ્લિટ્સની માફી માગીએ છીએ.
ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ સ્પૉર્ટ્સ ક્લાઈમ્બિંગ આ કામની નિંદા કરે છે. ફેડરેશન આ મામલે કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. ભલે આ મામલે માફી માગી લીધી હોય, પરંતુ એકવાર ફરીથી ગેમમાં સેક્સિઝમને લઈને ચર્ચા થવા લાગી છે.
આવી ઘટના કોઈ પહેલીવાર નથી થઈ
આવું કોઈ પ્રથમવાર નથી થયું કે, જેમાં મહિલા ખેલાડીઓના ઓબ્જેક્ટિફિકેશનને લઈને વિવાદ થયો હોય. ઘણી મહિલાઓએ ટૂંકા કપડાં પહેરવાને લીધે ટ્રોલ થવું પડ્યું તો ઘણી ખેલાડીઓ પર શોર્ટ સ્કર્ટ પહેરવાનું દબાણ કરવામાં આવ્યું. હાલમાં પૂરા થયેલા ટોક્યો ઓલિમ્પિકમાં મહિલા ખેલાડીઓના ડ્રેસને લઈને આખી દુનિયામાં વિવાદ શરૂ થયા.
ટોક્યો ઓલિમ્પિકમાં જર્મનીની મહિલા જિમ્નાસ્ટિક ટીમે ફુલ બોડી સૂટ પહેરીને સ્પર્ધામાં ભાગ લીધો. જર્મન મહિલાઓએ કહ્યું, જિમ્નાસ્ટિકમાં સેક્સયુઆલાઈઝેશનના વિરોધમાં અમે આ પગલું ભર્યું છે. ટીમે પોતાને ગમતા પોશાક પહેરવાની આઝાદીને સપોર્ટ કરવા આ કામ કર્યું. જર્મન મહિલા જિમ્નાસ્ટિક ટીમના આ નિર્ણયના ચારેકોરથી વખાણ થયા.
તો બીજી બાજુ ટોક્યો ઓલિમ્પિકમાં નોર્વેની મહિલા બીચ હેન્ડબોલ ટીમે બિકીની બોટમ્સને બદલે શોર્ટ્સ પહેર્યા. નોર્વેની મહિલા ટીમે એક ટુર્નામેન્ટ દરમિયાન બિકીની બોટમ્સ પહેરવાની ના પાડી હતી અને તેને લીધે તે લોકો પર દંડ ફટકારવામાં આવ્યો હતો. ઓલિમ્પિકમાં તેમના નિર્ણયનો વિરોધ થયો તો ઘણા સેલેબ્સે નોર્વેની મહિલા ટીમને સપોર્ટ કર્યો. ગ્રેમી અવોર્ડ વિજેતા અને સિંગર પિંક નોર્વેની મહિલા ટીમના સમર્થનમાં ઊતરી. પિંકે ટ્વીટ કર્યું કે, મને નોર્વેની મહિલા બીચ હેન્ડબૉલ ટિમ પર ગર્વ છે. તેમણે યુનિફોર્મ સાથે જોડાયેલા મહિલા વિરોધી નિયમ-કાયદાઓનો વિરોધ કર્યો. આ સારી વાત છે. મને ખુશી થશે જ્યારે હું તમારા પર ફટકારવામાં આવેલા દંડને ભરી શકું.
ભારતીય મહિલા ખેલાડીઓને પણ ટ્રોલિંગનો સામનો કરવો પડ્યો
ભારતીય મહિલા એથ્લિટ્સને પણ ઘણીબધી વખત ડ્રેસને લઈને અનેક વિવાદનો સામનો કરવો પડ્યો છે. ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ ગેમમાં શોર્ટ સ્કર્ટ પહેર્યું ત્યારે એક ગ્રુપે વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.
વર્ષ 2011માં બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને ગેમમાં ગ્લેમર માટે મહિલા પ્લેયર્સને શોર્ટ્સને બદલે સ્કર્ટ પહેરવાનો આદેશ આપ્યો હતો, પણ વિરોધને લીધે નિર્ણય પાછો લેવો પડ્યો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમની મિતાલી રાજે વર્ષ 2017માં સ્લીવલેસ ટોપમાં સેલ્ફી શૅર કરી હતી ત્યારે યુઝર્સે તેને ટ્રોલ કરી. હરિયાણાની પહેલવાન વિનેશ ફોગાટના પોતાની રીતે કપડાં પહેરવાના નિર્ણય પર વાંધો ઉઠાવ્યો હતો. તેણે કુર્તા-પાયજામાને બદલે ટી-શર્ટ અને ટ્રેક પેન્ટ પહેર્યું તેમાં લોકોએ પ્રશ્નોનો ઢગલો કરી દીધો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.