એક બાળકનાં નામની સાથે પિતા અથવા તો માતાની અટક લગાવવામાં આવે છે. ભારત સહિત દુનિયાના ઘણાં દેશો છે, જેમાં પિતાની અટકનો ઉપયોગ કરવામાં આવે છે. હાલમાં જ ઇટલીમાં કોર્ટે નિર્ણય કર્યો છે કે, બાળકનાં નામ સાથે માતા અને પિતા બંનેની અટક લગાવવામાં આવી જોઈએ.
ઇટાલી કોર્ટના નિર્ણયની દુનિયામાં કરવામાં આવે છે ચર્ચા
અત્યાર સુધી ઈટાલીમાં નવજાત બાળક સાથે તેના પિતાની અટક જ લગાડવામાં આવતી હતી. ઇટલી કોર્ટે આ પરંપરાને ભેદભાવપૂર્ણ અને ઓળખ માટે હાનિકારક જણાવતા બાળકના નામ સાથે માતા અને પિતા બંનેની અટક લગાવવાનો ફેંસલો કર્યો હતો. કોર્ટના આ નિર્ણયને સંસદમાં હજુ સુધી પસાર કરવામાં આવ્યો નથી. પરંતુ પરિવાર મંત્રી એલિના બોનેટીએ કોર્ટના આ નિર્ણયનું સ્વાગત કર્યું છે.
બોલીવુડ સેલિબ્રિટીઓમાં પણ શરૂ થયો છે આ ટ્રેન્ડ
સામાન્ય રીતે બાળકના નામની પાછળ પિતાની જ અટક હોય છે. પરંતુ આજકાલ બૉલિવુડમાં માતા અને પિતા બંનેની અટક લગાવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. બોલિવુડના ઘણાં સ્ટારકિડસમાં નામની સાથે માતા અને પિતા બંનેની અટક લગાવવામાં આવી હોય છે. બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે તેમની દીકરીનું નામ માલતી મૈરી ચોપરા જોનાસ રાખ્યું છે. આ નામ અંગેની જાણકારી પ્રિયંકા અને નિકે સોશિયલ મીડિયા પર આપી હતી. આમિર ખાન અને કિરણ રાવે તેના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું છે. નેહા ધૂપિયા અને અંગદ બેદીએ તેમની દીકરીનું નામ મેહર ધૂપિયા બેદી રાખ્યું છે. મંદિરા બેદીએ ગત વર્ષ દીકરીને દત્તક લીધી હતી, જેનું નામ તારા બેદી કૌશલ રાખ્યું છે.
આ દેશોમાં છે કંઈક અલગ જ પરંપરા
સ્પેનના જાણીતા ચિત્રકાર સાલ્વાડોર ડાલીનું પૂરું નામ સાલ્વાડોર ફેલિપ જૈસિંટો ડાલી અને ડોમેનેચ હતું. આટલું મોટું નામ વાંચીને આશ્ચર્ય થયું ને ! સ્પેનમાં એવી પરંપરા છે કે બાળકના નામ સાથે પિતા અને માતાની અટક લગાવવામાં આવે છે. તો પોર્ટુગલમાં બાળકના નામમાં પહેલા માતાની અટક અને બાદમાં પિતાની અટક લગાવવામાં આવે છે. બ્રાઝિલમાં પણ બાળકના નામ પછી માતા-પિતાની બંને અટક લગાવવામાં આવે છે. લગ્ન પછી સ્ત્રીઓ ઘણીવાર માતાની અટક બદલીને પતિની અટક લગાવે છે.
અટકનું ચલણ
ભારત જેવા વિશાળ દેશમાં અનેક પ્રકારની અટકો જોવા મળે છે. પરંતુ આ ચલણ પહેલાં ન હતું. વિશ્વમાં રોમન સામ્રાજ્યમાં અટક લગાવવાની શરૂઆત થઇ હતી. આ બાદ આ ચલણ ધીમે-ધીમે પશ્ચિમ યુરોપમાં જોવા મળ્યું હતું. બિહારના અરાહમાં વીર કુંવર સિંહ યુનિવર્સિટીમાં ભાષા અને સાહિત્યના પ્રોફેસર આર.પી. સિંહે કહ્યું હતું કે, પ્રાચીન સમયમાં અટકની પ્રથા નહોતી. જૂનાગઢમાં રૂદ્રદમન શિલાલેખ પર મૌર્યકાળમાં બિંદુસાર, અજાતશત્રુ જેવા નામો જોવા મળે છે પણ અટક જોવા મળતી નથી. બીજી બાજુ, અશોક, ચંદ્રગુપ્તના નામની પાછળ મૌર્ય દેખાય છે પરંતુ તે કોઈ જ્ઞાતિની અટક નથી. ઈતિહાસમાં બાળકના નામની સાથે માતા અને પિતા બંનેની અટક કે નામ આજ સુધી જોવા મળ્યું નથી. જો કે દક્ષિણ ભારતમાં 2000 વર્ષ પહેલાં બાળકના નામમાં માતાનું નામ ચોક્કસપણે લખવામાં આવતું હતું.
ભારતનો કાયદો આપે છે આઝાદી
સુપ્રીમ કોર્ટના એડવોકેટ ઝુબેર અહેમદ ખાને કહ્યું હતું કે, ભારતનો કાયદો બાળકને કોઈપણ અટક લખવાની સ્વતંત્રતા આપે છે. બાળક માતા, પિતા અથવા બંનેની અટક લગાવી શકે છે. જ્યારે બાળકનો જન્મ હોસ્પિટલમાં થાય છે, ત્યારે જન્મ અને મૃત્યુ કાયદા હેઠળ, બાળકની માહિતી કલમ 8 અને 9 હેઠળ રજિસ્ટ્રારને આપવામાં આવે છે. જેમાં પિતા અને માતા બંનેના સંપૂર્ણ નામ અને વિગતો મોકલવાની રહેશે. જો માતા-પિતા ઇચ્છે તો તેઓ બાળકનું નામ અટક સાથે મોકલી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.