• Gujarati News
  • Lifestyle
  • Inform The Source Of The New Wave Of Corona And Take Away The Prize Of Rs 11 Lakh, New Announcement In China

ડ્રેગનને રેલો આવ્યો:કોરોનાની નવી લહેર ક્યાંથી આવી તેની માહિતી આપો અને 11 લાખ રૂપિયાનું ઇનામ લઈ જાઓ, ફફડેલા ચીનમાં નવી જાહેરાત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચીનમાં અત્યાર સુધીમાં કોરોના વેક્સિનના 2.33 અબજ ડોઝ અપાઈ ચૂક્યા છે
  • ચીનની 83.4% વસ્તી ફુલ્લી વેક્સિનેટેડ છે
  • ત્યાંના 3થી 11 વર્ષની ઉંમરનાં 35 લાખ બાળકોને પણ વેક્સિન અપાઈ ચૂકી છે

લશ્કરી અટકચાળાં અને સરમુખત્યારીને કારણે ચર્ચામાં રહેતા ચીનમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટને કારણે ભારે ફફડાટ ફેલાયો છે. ત્યાંના 20 પ્રોવિન્સ અને પ્રાંતોમાં છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી કોવિડ-19ના ડેલ્ટા વેરિયન્ટના કેસ રોજિંદા ધોરણે બે આંકડામાં આવી રહ્યા છે. મંગળવારે તો તેની સંખ્યા વધીને 43 થઈ ગઈ. આનાથી હવે વિવિધ પ્રાંતોના સત્તાધીશો ઘાંઘા થયા છે. ત્યાંના ઉત્તર ભાગમાં રશિયાની સાથે બોર્ડર શૅર કરતા હાઇહે (Heihe) શહેરના સત્તાધીશોએ જાહેરાત કરી છે કે જે પણ વ્યક્તિ આ નવી લહેરના ઉદગમ વિશે નક્કર માહિતી આપશે તેને 1 લાખ યુઆન એટલે કે 11.46 લાખ રૂપિયા જેટલું જંગી ઇનામ આપવામાં આવશે.

આખી દુનિયામાં કોરોનાના વિશ્વવ્યાપી રોગચાળાનું મૂળ ગણાતા ચીનમાં સરકારે કોરોનાને હવે ‘પીપલ્સ વૉર’ એટલે કે લોકોનું યુદ્ધ જાહેર કર્યું છે. આખી દુનિયા જ્યારે હવે ધીમે ધીમે કોરોનાને લગતાં નિયંત્રણો હળવા કરીને ઉઠાવી રહી છે, ત્યારે ચીનમાં સખતાઈથી ‘ઝીરો-કોવિડ પોલિસી’ અપનાવવામાં આવી રહી છે. તેમાં બોર્ડર ક્લોઝર, ટાર્ગેટેડ લોકડાઉન અને લાંબા ક્વોરન્ટીન પિરિયડનો સમાવેશ થાય છે. અત્યારે પણ ત્યાં ડોમેસ્ટિક ટ્રાવેલિંગમાં એટલાં સખત નિયંત્રણો છે કે લાખો લોકો કડક ક્વોરન્ટીન હેઠળ પુરાયેલા છે. રોજિંદા ધોરણે અનેક ફ્લાઇટ્સ અને ટ્રેઇનો કેન્સલ થઈ રહી છે.

ચીનમાં વ્યાપક વેક્સિનેશન ઉપરાંત ડોમેસ્ટિક ટ્રાવેલિંગ પર પણ ક્વોરન્ટીનનાં સખત નિયંત્રણો લાગુ છે
ચીનમાં વ્યાપક વેક્સિનેશન ઉપરાંત ડોમેસ્ટિક ટ્રાવેલિંગ પર પણ ક્વોરન્ટીનનાં સખત નિયંત્રણો લાગુ છે

કોરોનાના ઉદગમની માહિતી માટે માતબર ઇનામની જાહેરાત કરનારા હાઇહે શહેરના સત્તાધીશોને શંકા છે કે રશિયા સાથે બોર્ડર શૅર થતી હોવાને કારણે ગેરકાયદે માછીમારી, શિકાર, દાણચોરી વગેરે જેવી પ્રવૃત્તિઓને કારણે કોરોનાનો વાઇરસ પણ ઘૂસી આવે છે. ત્યાં તો ઓનલાઇન ખરીદી કરતા લોકોને પણ પોતાની વસ્તુઓને અડકતાં પહેલાં તાત્કાલિક સ્ટરિલાઇઝ કરવાની તાકીદ કરાઈ છે.

ઇન્ટરેસ્ટિંગ વાત છે કે ચીનનું આ છેવાડાનું શહેર હાઇહે અને રશિયાનું બ્લાગોવેશ્ચેન્સ્ક એક નદીથી અલગ પડે છે. હેલોંગઝાંગ નદી બે દેશ વચ્ચેની કુદરતી સરહદની ગરજ સારે છે. તે બંને વચ્ચે બે દેશોને જોડતો પુલ પણ બનાવવામાં આવ્યો છે.

ચીનમાં 3થી 11 વર્ષની ઉંમરનાં 35 લાખ બાળકોને પણ વેક્સિન અપાઈ ચૂકી છે
ચીનમાં 3થી 11 વર્ષની ઉંમરનાં 35 લાખ બાળકોને પણ વેક્સિન અપાઈ ચૂકી છે

ચીનમાં અત્યારે પાંચ અપ્રૂવ્ડ વેક્સિન લોકોને અપાઈ રહી છે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે ચીનમાં અત્યાર સુધીમાં લોકોને કોરોના વેક્સિનના 2.33 અબજ ડોઝ અપાઈ ચૂક્યા છે. દરેક વ્યક્તિના બબ્બે ડોઝ ગણીએ તો ત્યાં અત્યાર સુધીમાં ચીનની 83.4% વસ્તી ફુલ્લી વેક્સિનેટેડ છે. ઇવન ત્યાંના 3થી 11 વર્ષની ઉંમરનાં 35 લાખ બાળકોને પણ વેક્સિન અપાઈ ચૂકી છે. છતાં ચીન જે રીતે કોરોનામુક્ત બનવા માટે ધમપછાડા કરી રહ્યું છે તે આશ્ચર્યજનક છે.