પાણીની અંદર મૂનવોક:ભારતનો પહેલો અંડરવોટર ડાન્સર 'હાઈડ્રોમેન', પિતાના મજાકને બનાવી દીધી હકીકત

16 દિવસ પહેલા
  • કૉપી લિંક

'મૂનવોક' એ વિશ્વભરના ડાન્સ પ્રેમીઓ માટે એક આઇકોનિક સ્ટેપ રહ્યું છે. પ્રોફેશનલ ડાન્સર્સ અને ન્યુ ડાન્સર્સ માઇકલ જેક્સનના આ મૂનવોકની કળામાં નિપુણતા મેળવવા માટે દિવસ-રાત એક કરી દેતા હોય છે ત્યારે ગુજરાતના એક યુવકે પાણીની અંદર આ આઇકોનિક સ્ટેપને પરફોર્મ કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. આ યુવકે પોતાના 'Hydroman' નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો અપલોડ કર્યો છે. આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, યુવક બિલિયર્ડ ટેબલ પર પાણીની અંદર મૂનવોક કરી રહ્યો છે અને ફક્ત આટલું જ નહી તે ફ્લિપ મારીને ઊંધો થઈને પાણી પર પણ મૂનવોક કરી રહ્યો છે.

આ વીડિયો પોસ્ટ કરતાં તેણે કેપ્શનમાં લખ્યું છે કે,'મારા દર્શકો માટે જે મારું #moonwalk વર્ઝન જોવા માંગતા હતા.' આ વીડિયોમાં તે પાણીની સપાટીની સામે પાણીની અંદર અને ઊંધો મૂનવોક કરતો જોવા મળે છે. ગુજરાતનો આ યુવક કોઈપણ આધાર કે ઓક્સિજન સિલિન્ડર વગર પાણીની અંદર ડાન્સ કરવાની આ અતુલ્ય પ્રતિભા બતાવે છે. આ વીડિયો 8 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ કરવામાં આવ્યો છે અને ત્યારથી અત્યાર સુધીમાં તેને 7 લાખથી પણ વધુ લાઇક્સ મળી ચૂક્યા છે અને યુઝર્સ કોમેન્ટ બોક્સમાં તેની પ્રતિભાની ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે.

કોણ છે આ યુવક?
ઈન્સ્ટાગ્રામ પર 'Hydroman' નામથી એકાઉન્ટ ચલાવતા આ યુવકનું નામ છે જયદીપ ગોહીલ. આ યુવક મૂળ ગુજરાત રાજકોટનો છે. પોતાની આ રસપ્રદ સફર વિશે વાત કરતાં જયદીપ કહે છે કે,'આની શરુઆત વર્ષ 2012માં દ્વારકામાં પારિવારીક રજાઓ માણતા સમયે થઈ. તેનો સ્વિમિંગ પ્રત્યેનો પ્રેમ આ સમય દરમિયાન ખીલ્યો. તે આ ટ્રિપ પર જવા પણ નહોતો ઈચ્છતો કારણ કે, દ્વારકા મુખ્યત્વે તેના બીચના કારણે ખૂબ જ લોકપ્રિય છે અને તેને તરતા પણ નહોતું આવડતું. આ સમયે તેનું પૂરેપૂરુ ફોકસ ડાન્સિંગ પર હતું. તે પોતાનું વેકેશન બ્રેક ડાન્સ અને પોપ-એન્ડ-લોકની પ્રેક્ટિસ કરવામાં વિતાવવા માગતો હતો પણ તેના પિતાએ તેને આ ટ્રિપ પર આવવા માટે આગ્રહ કર્યો. તેણે મને ટ્રિપ પર લઈ જવા માટે મજાકમાં કહ્યું,'ચાલ હું તને પાણીમાં ડાન્સ કરતા શીખવીશ.' ખબર નહી એ સમયે મારા મગજમાં શું ચાલી રહ્યું હતું પણ તેમના આ વિચાર મારા મગજમાં ઘર કરી ગયો અને ટ્રિપ પર જવા માટે હું રાજી થઈ ગયો.'

રાજકોટ આવીને સ્વિમિંગ ક્લાસમાં જોડાયો
દ્વારકાની ટ્રિપ પૂરી કરીને જ્યારે તે પાછો આવ્યો ત્યારે તે ગવર્મેન્ટ દ્વારા સંચાલિત સ્વિમિંગ કલાસીસમાં જોડાયો. અહીથી જ તેણે પાણીની અંદર ડાન્સ મૂવ્સ અજમાવવાનું શરુ કર્યુ. તેણે ઘરે આવીને પાણીની ટાંકીમાં પણ ડાન્સ પ્રેક્ટિસ કરવાનું શરુ કર્યું. શરુઆતમાં તેણે સંઘર્ષનો સામનો કરવો પડ્યો કારણ કે, ટાંકીમાં અંધારું થઈ જતું પછી તેણે માથા પર લાઈટ લગાવીને પ્રેક્ટિસ કરવાનું શરુ કર્યું. તેણે વિઝ્યુઅલ એલેમેન્ટસ પર કામ કરવાનું શરુ કર્યું. કેવી રીતે તે પાણીના પરપોટા અને તરંગોને પોતાની કોરિયોગ્રાફીનો ભાગ બનાવી શકે, તે અંગે તેણે વિચારણા શરુ કરી. આ પછી તેણે કેમેરો લગાવીને પોતાનો એક વીડિયો બનાવ્યો અને તેના માતા-પિતાને તે દેખાડ્યો. તેમને તે ખૂબ જ ગમ્યો અને તેને તેમાં આગળ વધવા માટે પ્રોત્સાહન પણ આપ્યું.

ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટમાં પણ ભાગ લઈ ચૂક્યો છે
જયદીપ કહે છે, 'ફેબ્રુઆરી 2014માં તેના ભાઈના લગ્નમાં પહેલીવાર તેણે જાહેરમાં અંડરવોટર ડાન્સ કર્યો હતો. વર્ષ 2016માં તેણે 'ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ'માં ભાગ લીધો હતો અને ત્યાં સુધીમાં તે એક અનુભવી કલાકાર બની ગયો હતો. જ્યારે મેં તેમને મારો વીડિયો મોકલ્યો ત્યારે પહેલા તો તેમને લાગ્યું કે, આ એક યુક્તિ છે. ત્યારબાદ તેમની ટીમ જ્યારે વીડિયો શૂટ કરવા માટે મારા ઘરે આવી હતી ત્યારે મારા ઓડિશનથી અભિનેતા અક્ષય કુમારના મનમાં પણ આ સ્ટંટ અજમાવવાની લાલચ મળી હતી. મેં તેને એક કલાકમાં આ તાલીમ આપી હતી, કારણ કે તે મજબૂત તરવૈયા છે. હરિયાણા, હૈદરાબાદ અને પંજાબ તેમજ મુંબઈમાં પર્ફોમન્સ આપી ચૂકેલા જયદીપ કહે છે, "હું સેમીફાઈનલ સુધી પહોંચ્યો પણ શો જીતી ન શક્યો, પરંતુ આ શોએ મને કોન્ટ્રાક્ટ અપાવ્યો.'

બે મિનિટનો વીડિયો બનાવવામાં 3 કલાકનો સમય લાગે છે
તે જે પણ બે મિનિટનો વીડિયો પોસ્ટ કરે છે, તેને શૂટ કરવામાં લગભગ ત્રણ કલાકનો સમય અને પરફેક્ટ શોટ માટે 50-60 વખત પરફોર્મ કરવું પડે છે પરંતુ, આ જ પરિશ્રમપૂર્ણ પ્રયાસે તેને જૂન 2020માં 'એન્ટરટેઇનર નંબર-1' માં બીજું ઇનામ અપાવ્યું હતું, જેમાં અભિનેતા વરુણ ધવન પેનલિસ્ટ હતો. જયદીપ કહે છે કે, 'લોકડાઉન દરમિયાન દરેકે આવક ગુમાવી હતી, ત્યારે મેં આ શોને કારણે યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ મેળવ્યા.'