ઈંગ્લેન્ડમાં એક ભારતીય કાફેના માલિકે ગ્રાહકો અને કાફેના સ્ટાફ વચ્ચે શિસ્તતા ભરેલું વર્તન જળવાઈ રહે તે માટે એક ખૂબ જ અનોખો વિચાર અજમાવ્યો છે. ઈંગ્લેન્ડના લેન્કશાયરના પ્રેસ્ટનમાં આવેલી ‘ચાઈ સ્ટોપ’ નામના કાફેએ પેમેન્ટને લઈને એક નવો નિયમ બહાર પાડ્યો છે. આ નિયમ મુજબ તે ગ્રાહકો પાસેથી એક જ પીણા માટે અલગ-અલગ કિંમતો વસૂલશે. આ કિંમત ગ્રાહક કેવી રીતે ઓર્ડર કરે છે? તેના પર આધાર રાખે છે. જો કોઈ ઉદ્ધતાઈથી વર્તન કરે છે તો પછી તે પીણાના ઓરિજિનલ ભાવથી બમણા ભાવ તેમની પાસેથી વસૂલવામાં આવે છે.
ડેઈલી મેલ મુજબ ઉસ્માન હુસૈને ઈંગ્લેનેડમાં ચા, ડોનટ્સ, સ્ટ્રીટ ફૂડ અને ડેઝર્ટ વેચતું કાફે ખોલ્યું હતું. તે કહે છે કે, ‘આ નિયમને લાગુ કરીને, તે તેના વ્યવસાયમાં ‘good vibes only’ સંસ્કૃતિને લાગુ કરશે. માલિકે ગ્રાહકોને પોતાનો નવો નિયમ સમજાવતા સંકેત પણ શેર કર્યા હતા. તે આ નિયમ સમજાવતા કહે છે કે, જો કોઈ ગ્રાહક ‘દેશી ચાય’ કહીને ઓર્ડર કરશે તો ચા માટે તેણે 5 પાઉન્ડ ચૂકવવા પડશે, જો ‘દેશી ચાય પ્લીઝ’ કહીને ઓર્ડર કરશે તો 3 પાઉન્ડ ચૂકવવાના રહેશે અને જો તેનાથી આગળ કોઈ ‘હેલો, દેશી ચાય પ્લીઝ’ કહીને ઓર્ડર કરશે તો તેણે £1.90 ચૂકવવાના રહેશે.
જો કે, આ કાફેના માલિકનું કહેવું છે કે, ‘હજુ સુધી તેણે ખરાબ વર્તનવાળા ગ્રાહકનો અનુભવ કર્યો નથી અને તેને આશા છે કે, કાફેમાં આવનાર નવા ગ્રાહકોને પણ આ નિયમો સ્ટાફ પ્રત્યે નમ્ર અને માયાળુ રહેવાની ફરજ પાડશે. તેણે ડેઇલી મેઇલને કહ્યું, ‘મને લાગે છે કે, તમારી સંસ્કૃતિને તમારા વ્યવસાય સાથે જોડવી એ સારી બાબત છે કારણ કે, કમનસીબે કેટલીકવાર લોકોને તેની યાદ અપાવવાની જરૂર પડે છે.' વધુમાં તે કહે છે કે, ‘અમે ક્યારેય અસંસ્કારી ગ્રાહકો સાથે સંઘર્ષ કર્યો નથી, સંકેતો હોવાથી, લોકો ચોક્કસપણે નિયમનું પાલન કરી રહ્યા છે અને અમારી સાથે હસી રહ્યા છે.’
હુસેનને એક અમેરિકન કાફેની પોસ્ટ જોઈને આવા જ નિયમને પોતાના કાફેમાં અમલમાં મૂકવાનો વિચાર આવ્યો હતો. તેનાથી તેઓ પ્રેરિત થયા હતા. તેણે પોતાના કાફેમાં પણ આ જ નિયમનો ઉપયોગ કર્યો અને તેના કારણે તેને મૈત્રીપૂર્ણ વાતાવરણ અને કાફેમાં વધુ ગ્રાહકો આવ્યાનો અનુભવ પણ થયો. તે કહે છે, ‘અત્યાર સુધી કોઈપણ ગ્રાહક પાસેથી બમણી રકમ વસૂલવામાં આવી નથી. ખરેખર, કેવો અનોખો વિચાર છે?’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.