• Gujarati News
  • Dvb original
  • 50 Thousand To 3 Lakh Kites, Opportunity To Travel The World, Stay In Five Star Hotels, Earn Millions! Say, Want To Be A Professional Kite Flyer?

શું કહે છે દુનિયાભરના પતંગબાજો?:50 હજારથી 3 લાખની પતંગ, દુનિયા ફરવાની તક, ફાઇવસ્ટાર હોટલોમાં સ્ટે, લાખોની કમાણી! બોલો, પ્રોફેશનલ કાઇટ ફ્લાયર બનવું છે?

અમદાવાદ23 દિવસ પહેલાલેખક: વિક્રમ મહેતા

ગુજરાતની સાંસ્કૃતિક ઓળખમાં ગરબા ઉપરાંત પતંગ કલ્ચરની પણ આગવી ભૂમિકા છે. ગુજરાતમાં દર વર્ષે યોજાતા કાઈટ ફેસ્ટિવલમાં પોતાની પતંગકલાનો પરિચય કરાવતા દેશવિદેશના પ્રોફેશનલ કાઈટ ફ્લાયર્સનાં ધાડાં ગુજરાતમાં ઊતરી ચૂક્યાં છે. પોતાની સાથે ચિત્ર-વિચિત્ર આકારની ગંજાવર પતંગો લઈ આવ્યા છે.

આ પતંગબાજો ‘પ્રોફેશનલ કાઇટ ફ્લાયર્સ’ છે. એટલે કે પતંગ ઉડાડવાના ફેસ્ટિવલોમાં તેમને બાકાયદા આમંત્રિત કરાય છે. પતંગ ઉડાડવા માટે તેમને હજારો રૂપિયા પણ મળે અને ફાઇવ સ્ટાર હોટલોમાં ઉતારા પણ મળે. આકાશમાં ઊડતી કઠપૂતળીઓની જેમ પતંગ ઉડાડવાની કળામાં તેમણે કારકિર્દી બનાવી છે અને આ કળા જ તેમને દુનિયાભરમાં ફરવાની પણ આપી રહી છે! આવા પ્રોફેશનલ કાઇટ ફ્લાયર્સને પૂછવા માટે અમારી પાસે અનેક સવાલો હતા. તે લઇને ‘દિવ્ય ભાસ્કર’ એપના પ્રતિનિધિ પહોંચ્યા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં અને ત્યાંના પ્રોફેશનલ પતંગબાજો સાથે ગોઠડી માંડી.

પહેલા તો પ્રોફેશનલ કાઈટ ફ્લાયર્સ એટલે શું? એની કોઈ ડીગ્રી હોય?

વેલ, સાદો જવાબ એ છે કે જેઓ વિવિધ પ્રકારના પતંગો ઉડાડી શકે છે, જેઓ દેશવિદેશના કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લે છે. જેમના માટે કાઈટ ફ્લાઇંગ એ પેશન પણ છે અને ફુલટાઈમ અથવા તો સાઈડ પ્રોફેશન છે. જેઓ પતંગનાં સંલગ્ન પાસાંઓને, તેનું સાયન્સ બારીકાઈથી સમજે છે એ બધા જ સ્થાપિત વ્યાવસાયિક પતંગબાજો છે.

આવા જ એક પ્રોફેશનલ કાઈટ ફ્લાયર છે અમદાવાદના પાવન સોલંકી. ‘કાઇટિસ્ટ ઇન્ડિયા’ અને ‘રોયલ કાઇટ ફ્લાયિંગ ક્લબ’ના પ્રેસિડેન્ટ પાવન સોલંકી છેલ્લાં 17 વર્ષથી કાઇટ ફ્લાઇંગ કરી રહ્યા છે. તેલંગણા, હૈદરાબાદ કાઇટ ફેસ્ટિવલ અને ગુજરાત ટુરિઝમ દ્વારા યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં પણ પાવન સોલંકી કન્સલ્ટન્ટ અને એડવાઈઝર તરીકે કામગીરી કરી ચૂક્યા છે. મલેશિયા, સિંગાપોર, દુબઈના કાઈટ ફેસ્ટિવલમાં પણ પાવન સોલંકીએ ભાગ લીધો છે. એમની પાસે પાંચ ફૂટથી લઈને પચ્ચીસ ફૂટ સુધીના જાતભાતના પતંગો છે.

એક પતંગ બનાવતાં કેટલો ખર્ચ થાય?
ભવિષ્યમાં કાઈટ એકેડેમી ઓપન કરવાનું સપનું સેવતા પાવન સોલંકી સૌ પ્રથમ તો પતંગમાં ઉપયોગમાં લેવાતા કાપડ અંગે જાણકારી આપતાં કહે છે, ‘આ પતંગોમાં ત્રણ પ્રકારનાં મટિરીયલનો ઉપયોગ થાય છે. એક છે રિપસ્ટોપ નાયલોન. આ નાયલોન ઇન્ડિયામાં ખાસ મળતું નથી અને જે મળે છે ખૂબ મોંઘું છે. બીજું મટિરીયલ છે છત્રી અને પેરાશૂટ બનાવવામાં જેનો ઉપયોગ થાય છે એ પેરાશૂટ નાયલોન. આ સિવાય હેરસલૂનમાં ઉપયોગમાં લેવાતા સિલ્ક નાયલોનનો પણ પતંગ બનાવવામાં ઉપયોગ થાય છે. મોટી પતંગ ઉડાડવા માટે સ્ટ્રોંગ દોરીની જરૂર પડે છે. એ દોરી ચાઇનીઝ માંજાથી વિપરીત પક્ષીઓ માટે જોખમી પણ નથી હોતી. કેમકે તેને હવામાં ઊડતાં પક્ષીઓ આસાનીથી જોઈ શકે છે અને તેનાથી બચવા માટે પોતાનો રસ્તો બદલી શકે છે.

પતંગના કાપડ અને ખર્ચ અંગે માહિતી આપતાં પાવનભાઈ કહે છે, ‘કાપડ હળવું અને હવામાં ઊડી શકે એવું જોઈએ. સાથોસાથ એ કાપડ થોડું મજબૂત પણ હોવું જોઈએ. નહીંતર પવનથી તમારો પતંગ ફાટી જાય. યુએસ અને સિંગોપોરથી અમે રિપસ્ટોપ નાયલોન મંગાવીએ છીએ. થોડું મોંઘું ખરું, પણ ટકાઉ હોય છે. એક પતંગ બનાવવામાં સારો એવો ખર્ચ થતો હોય છે. પેરાશૂટ નાયલોનનો એક નાનામાં નાનો છ ફૂટનો પતંગ પાંચથી છ હજારમાં તૈયાર થતો હોય છે. વીસ-પચ્ચીસ ફૂટનો પતંગ પચાસ-સાઠ હજારમાં તૈયાર થતો હોય છે.’

કઈ રીતે બને ગંજાવર પતંગો?
પોતાના બધા જ પતંગો જાતે જ બનાવતા પાવનભાઈ કાઇટ મેકિંગની પ્રોસેસ જણાવતાં કહે છે, ‘પતંગ બનાવવી અને એ પતંગ બનાવીને ઉડાડવી એ બંને તદ્દન અલગ વાત છે. કાપડના પતંગો સંપૂર્ણ રીતે એરોડાયેનેમિક પદ્ધતિથી બને છે. માટે આવા પતંગ બનાવવામાં એરોડાયનેમિક્સ (શુદ્ધ ગુજરાતીમાં કહીએ તો ‘હવાગતિશાસ્ત્ર’)નું નોલેજ હોવું ખૂબ જરૂરી છે. જે કાઇટ ફ્લાઇંગ કરતો હોય એને કાઈટ ડિઝાઈનનું નોલેજ પણ હોવું જોઈએ.’

‘સૌથી પહેલાં અમે કેટલા ફૂટનો પતંગ બનાવવો છે એના આધારે મેઝરમેન્ટ લઇએ છીએ. ત્યાર પછી કટિંગ, સિલાઈ અને ત્યારબાદ અમે સપોર્ટ માટે વાંસનું માળખું સેટ કરીએ છીએ અને પછી અમે એનું ટેસ્ટ ફ્લાઇંગ કરીએ છીએ. જો કંઇક ખામી જણાય તો એની કમાનને છોલીને જરૂરી ફેરફાર કરીએ છીએ. અમે પાંચથી છ વખત તો આ પ્રયોગમાં નિષ્ફળ પણ ગયા છીએ.’

પતંગ ચગાવવા માટે સેફ્ટી રુલનો ખ્યાલ આપતાં પાવન સોલંકી કહે છે, ‘પબ્લિક પ્લેસમાં આવો પતંગ ન ઉડાડી શકાય. ખાસ કરીને બામ્બુ વપરાતો હોય એવો પતંગ. કારણકે જો આ પંતગ કોઈના માથા પર પડે તો ગંભીર ઈજા થઈ શકે છે. જ્યાં હાઇ ટેન્શન લાઇનના વીજળીના વાયરો પસાર થતા હોય ત્યાં પણ આ પતંગ ન ઉડાડી શકાય.’

બીજા દેશના કાઈટ ફેસ્ટિવલો અને આપણા દેશના કાઇટ ફેસ્ટિવલો વચ્ચે શું તફાવત છે? એમનામાંથી આપણે શું અપનાવવા જેવું?

પાવન સોલંકી ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાં પણ ભાગ લઈ ચૂક્યા છે. તેલંગણા ખાતે આયોજિત કાઈટ ફેસ્ટિવલમાં એમણે કન્સલ્ટન્ટ તરીકે પણ કામગીરી કરી છે. ઇન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલમાંથી આપણે શું અપનાવવા જેવું છે? અહીંના કાઈટ ફેસ્ટિવલની સરખામણીએ ફોરેનના કાઈટ ફેસ્ટિવલ્સ કેવા છે? એ અંગે પાવન સોલંકી કહે છે, ‘કાઈટ ફેસ્ટિવલમાં ગ્રાઉન્ડ મેનેજમેન્ટ ખૂબ જરૂરી છે. મેદાનના ક્ષેત્રફળ-એરિયા પ્રમાણે કાઇટ ફ્લાયરને બોલાવવા જોઈએ. દરેક ફલાયરને કમ સે કમ એક સ્ક્વેર ફૂટની જગ્યા મળવી જરૂરી છે. ‘સ્ટંટ કાઇટ’, ‘સ્પોર્ટ્સ કાઇટ’ અને ‘પાવર કાઇટ’ માટે ખૂબ મોટી જગ્યા જરૂરી બની જાય છે. વિશાળ ગ્રાઉન્ડ અને એરિયા ફિક્સિંગ એ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આપણે અપનાવવા જેવું સૌથી મોટું જમાપાસું છે. સરકાર સારો એવો ખર્ચ કરીને કાઈટ ફ્લાયરને આમંત્રણ તો આપે છે, પરંતુ ક્રાઉડ એટલું વધી જાય કે ફ્લાયર નિરાશ બની જાય છે. હતોત્સાહ થઈ જાય છે. ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં દરેક પ્રકારની કાઈટ માટે અલગ જગ્યા ફાળવવામાં આવે છે. પાવર કાઇટ માટે પણ અલગ અને સિંગલ કાઈટ માટે પણ અલગ. અત્યારે અમદાવાદમાં બધી પતંગો વચ્ચે ગુંચવાડો થઈ જાય છે. ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે ગ્રાઉન્ડ એટલું વિશાળ હોવું જરૂરી છે કે જો પતંગ કપાઈને નીચે પડે તો કોઈને ઈજા ન થાય.’

પતંગની સાંસ્કૃતિક આદાન પ્રદાનમાં ભૂમિકા, અન્ય દેશોમાં પતંગના કલ્ચર અંગે પાવન સોલંકી કહે છે, ‘એશિયામાં બામ્બુ કાઈટ ખૂબ ફેમસ છે. મલેશિયા, ઇંડોનેશિયા, કંબોડિયા, થાઈલેન્ડ જેવા દેશોમાં બામ્બુનો ઉપયોગ થાય છે. સિતેર-એંશી ફૂટ સુધીની બામ્બુ કાઇટ એ લોકો ઉડાડે છે. એમની ફિરકીને જનરેટરથી ઓપરેટ કરે છે. એક વખત પતંગ ચગાવ્યા પછી ત્રણ દિવસ સુધી એ લોકો પતંગ ઉતારતા નથી કારણ કે પતંગ ઉતારવા માટે પણ એ લોકોને મહેનત કરવી પડે છે. એ લોકો અહીં આવે ત્યારે એમની ટ્રેડિશનને જ અનુસરત પતંગો ઉડાડે છે. જ્યારે આપણે ત્યાં જઈએ ત્યારે ફાઈટર કાઈટ ઉડાડીએ છીએ. એ લોકો પણ આપણી પાસેથી ઘણી નવી બાબતો એડોપ્ટ કરે છે. ‘વન સ્કાય, વન વર્લ્ડ, વન અર્થ’ની વિભાવના આવી રીતે સાર્થક થાય છે.’

ગુજરાતની પતંગકલા જોઈને અનુપમ ખેર ખુશ થયા..

ફિલ્મ સેલિબ્રિટી પણ ગુજરાતની પતંગ સંસ્કૃતિ જોઈને પ્રભાવિત થયા હોય એવો યાદગાર પ્રસંગ પાવન સોલંકી વાગોળે છે, ‘વર્ષ 2010માં વોલ્ટ ડિઝનીની ‘જોકોમોન’ નામની ફિલ્મ આવી હતી. એ ફિલ્મની એક સોંગ સિકવન્સ માટે અમે પતંગ ચગાવી હતી. ફિલ્મમાં અનુપમ ખેર અને ગુજરાતી કલાકાર દર્શીલ સફારી જેવા કલાકારોએ અમને સારો પ્રતિસાદ આપ્યો હતો.’

પતંગ ચગાવવામાં ‘ફ્લાઇંગ કરિયર’ છે ખરી? કેટલા રૂપિયા મળે?
પાવન સોલંકી કહે છે, ‘આખું વર્ષ કાઇટ ફ્લાઇંગની એક્ટિવીટી થતી નથી. પતંગનો શોખ બધાને હોય છે પરંતુ લોકો ઉડાડે છે જાન્યુઆરીમાં. આ પ્રોફેશનમાં હજુ આપણે ત્યાં બહોળું માર્કેટ વિકસ્યું નથી. ઘણીવાર ફાઈવ સ્ટાર હોટેલ કે રિસોર્ટ-ક્લબમાં ફ્લાયર્સને આમંત્રિત કરવામાં આવે છે. કાઇટ ફ્લાયર્સ સામાન્ય રીતે પાંચ હજારથી પચાસ હજાર સુધીનો ચાર્જ કરતા હોય છે.’

આવડત હોય તો આ ફિલ્ડમાં ઝંપલાવી શકાય ખરું..
પાવન સોલંકીની વાતમાં ભલે આ ફિલ્ડને ફુલટાઈમ એક્ટિવિટી તરીકે ન લેવાનો સૂર સંભળાતો હોય, પરંતુ આ અંગે કેરળના પતંગબાજ રાજેશ નાયરનો સૂર થોડો જુદો છે. રાજેશ વર્ષ 1995થી પ્રોફેશનલ કાઇટ ફ્લાઇંગમાં એક્ટિવ છે. રાજેશ નાયર કહે છે, ‘ગવર્મેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કાઇટ ફ્લાયર્સને આમંત્રિત કરવામાં આવે છે. ડેલિગેટ તરીકે. હુન્નર બતાવવાની તક મળતી હોવાથી અમે ભાગ પણ લઈએ છીએ. પરંતુ પ્રોફેશનલ કાઇટ ફ્લાઇંગની વાત કરીએ તો પ્રાઇવેટ કાઇટ ફેસ્ટિવલમાં કાઈટ ફ્લાયર્સને સારું વળતર આપવામાં આવે છે. એ તમારી ટેલેન્ટ પર આધાર રાખે છે. પતંગને-પતંગબાજીને હજુ પણ ઘણા લોકો બાળકોની રમત માને છે. આ માનસિકતા દૂર થવી જરૂરી છે. બાકી આવડત હોય તો આ ફિલ્ડને બિલકુલ ફુલટાઈમ એક્ટિવિટી તરીકે સ્વીકારી શકાય છે.’

જાતે જ પતંગ બનાવતા રાજેશ નાયર કહે છે કે, માર્કેટમાંથી ખરીદેલા પતંગ ઉડાડવામાં મજા છે પરંતુ જાતે બનાવેલી પતંગ ઉડાડવાની મજા સૌથી જુદી છે. પતંગ બનાવવામાં અમે પેપર, નાયલોન કાપડનો ઉપયોગ કરીએ છીએ. કારણકે તે ટકાઉ છે. રાજેશભાઈ કેરળમાં ‘કાઇટલાઇટ ફાઉન્ડેશન’ સંસ્થા પણ ચલાવે છે. જેમાં કાઇટ ફ્લાઇંગને લગતી વિવિધ એક્ટિવિટી થાય છે. કાઇટનો બ્લોગ પણ લખે છે. અને હાલ તેઓ ‘ધ કાઇટિસ્ટ’ નામનું પુસ્તક પણ તેઓ આપવાના છે, જેમાં દેશવિદેશના પતંગો, પતંગના ઇતિહાસની રસપ્રદ વાતો હશે. હિન્દી, મલયાલમ અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં આ પુસ્તક પ્રગટ થશે. થૈયમ, કથ્થકલી, મહાબલી જેવી ઈન્ડિયન આર્ટ ટ્રેડિશનને પતંગના માધ્યમથી રાજેશ નાયર રજૂ કરે છે. તેઓ માને છે કે કાઇટ ભારતની સંસ્કૃતિ બહુવિધ છે. અહીં સંસ્કૃતિના અનેક કલર્સ છે, પણ વિવિધતામાં એકતા છે. કાઇટ તમારી વાત લોકો સુધી પહોંચાડવાનું એક માધ્યમ છે.

‘ગુજરાતમાં કાઇટ ફ્લાઇંગ નહીં, ‘કાઇટ ફાઇટિંગ’ છે!’
ગુજરાતમાં ટ્રેડિશનલ આર્ટ પ્રેઝન્ટેશન કરતા કાઇટ ફાઇટિંગ વધારે છે ત્યારે રાજેશ નાયર ‘પ્રમોટ કાઇટ, પ્રમોટ હેરિટેજ થ્રુ કાઈટ’ની વાત કરે છે. તેઓ કહે છે, ‘ગુજરાતની લોકપ્રિય કલાઓ, નૃત્યોને પતંગના માધ્યમથી બતાવવા જોઈએ. ઇન્ડોનેશિયા, થાઈલેન્ડ, કમ્બોડિયા જેવા દેશોમાં યોજાતા કાઈટ ફેસ્ટિવલ્સ જમીન સાથે જોડાયેલા છે, ત્યાંની લોકસંસ્કૃતિ સાથે જોડાયેલા છે. ગુજરાતની ગરબા ટ્રેડિશનને પણ હું પતંગના માધ્યમથી રજૂ કરું તો ત્યાંના લોકોને અહીંની ટ્રેડિશનનો ખ્યાલ આવશે અને આમ પતંગ સાંસ્કૃતિક આદાન પ્રદાન માટેનું એક માધ્યમ બનશે.’

ફ્લાયર્સ વચ્ચે બોન્ડિંગ અને બે સંસ્કૃતિનું આદાન પ્રદાન
ગુજરાતના કાઇટ કલ્ચર, દેશવિદેશના કલ્ચર અંગે પોતાનું નિરીક્ષણ જણાવતાં રાજેશ કહે છે, ‘ગુજરાતમાં કોઈ એકવાર આવશે એટલે એ દર વર્ષે આવશે. દેશવિદેશથી અહીં મોટી સંખ્યામાં કાઇટ ફ્લાયર્સ આવે છે જેને કારણે ટૂરીઝમને પણ સપોર્ટ મળે છે. પ્લેયર્સ વચ્ચે બોન્ડિંગ થાય છે. મિત્રતા ડેવલપ થાય છે. જેના કારણે કલ્ચર એક્સચેન્જ થઈ શકે છે. ગુજરાત સરકાર બજેટ સારું ફાળવે છે. બાકી રાજ્યોમાં સરકારનો આવો સપોર્ટ નથી મળતો. માત્ર ખિસ્સાખર્ચીની રકમ જ આપવામાં આવે છે. અમારા કેરળમાં લોંગ બીચ એરિયા છે જેનો કાઇટ ફ્લાઇંગ માટે ખૂબ સારો ઉપયોગ થઈ શકે પરંતુ પ્રશાસનનું વલણ ઉદાસીન છે. ગુજરાતમાં આવું નથી.’

ત્રણ લાખની પતંગ!
કેરળના જ અબ્બાસ કથાકિલ પણ મળવા જેવા કાઇટ ફ્લાયર છે. તેઓ કાઇટ ફ્લાયરના ‘ગ્રૂપ વન કાઇટ ફાઉન્ડેશન’ના મેમ્બર છે અને યુરોપ, અમેરિકા, ફ્રાન્સ, ઇટલી સહિતના ત્રીસ દેશોના કાઈટ ફેસ્ટિવલમાં ભાગ લઈ ચૂક્યા છે. અબ્બાસને ચીનમાં આયોજિત થતો કાઈટ ફેસ્ટિવલ સૌથી વધારે ગમે છે. તેઓ કહે છે, ચીનના કાઈટ ફેસ્ટિવલમાં તમને દરેક પ્રકારના પતંગો જોવા મળી જાય છે. સિમ્પલ કાઇટ અને સ્પોર્ટ્સ કાઈટ પણ ત્યાં જોવા મળે. ગુજરાત અને ચીનમાં પતંગ ઉડાડવાની ખૂબ મજા આવે છે. અહીં ગવર્મેન્ટનો સપોર્ટ અન્ય રાજ્યોની સરખામણીમાં ખૂબ સારો મળે છે. ગુજરાતીઓના પતંગપ્રેમ વિશે વાત કરતાં અબ્બાસ કહે છે કે, ‘અહીં લોકોને પતંગપ્રેમ વારસામાં મળે છે. પિતાનો પતંગ શોખ એના બાળકને પણ વારસામાં મળે છે.’

અબ્બાસભાઈએ ત્રણ લાખ સુધીની કિંમતના પતંગો ઉડાડ્યા છે. તેઓ કહે છે, ‘પતંગના મેકિંગમાં રસપ્રદ એન્જિનિયરિંગ છે. પંતગ ઉડાડવામાં હવા પ્રમાણે પતંગની દિશા બદલતી રહેવી પડે છે. આજના યુથને સ્પોર્ટ્સ કાઈટ વધારે ગમે છે. આ કાઈટ ટુ લાઈન (બે દોરી) કે ફોર લાઈન (ચાર દોરી)થી ઉડાડી શકાય છે. ફોર લાઈનથી પતંગ ઉડાડવા માટે ઘણી મહેનત અને પ્રેક્ટિસની જરૂર પડે છે. પહેલાં ટુ લાઈનની ટ્રેનિંગ લીધા બાદ ફોર લાઈનથી પતંગ ઉડાડવાનું શીખી શકાય છે. પ્રોફેશનલ પતંગબાજો પાસેથી અથવા કાઈટ એેકડેમીમાં આની તાલીમ મેળવી શકાય છે.’

કાઇટ ફ્લાઇંગમાં પ્રોફેશનલ ટ્રેનિંગ લેવી પડે?
‘સ્પોર્ટ્સ કાઇટની વાત કરીએ તો આવા જાયન્ટ પતંગો ઉડાડવા માટે પ્રોફેશનલ ટ્રેનિંગ ખૂબ જરૂરી છે. માત્ર હવાથી આવા પતંગો નથી ઉડાડી શકાતા, પણ એના માટે હાથની ટેકનિક પણ ખૂબ જરૂરી છે. વ્યક્તિ જેટલો ડેડિકેટેડ એટલો એ વધુ ઝડપથી શીખી શકશે.’

કાઇટ ફ્લાયર્સને મળતા આર્થિક વળતર અંગે વાત કરતાં અબ્બાસ કહે છે, ‘આર્થિક રીતે જોઈએ તો અત્યારે કાઇટ મેકર્સ માટે સારી તક છે. જો કાઇટ ફ્લાઇંગ સ્પોર્ટ્સ પ્રોફેશન બની જાય, ઓલિમ્પિક જેવા રમતોત્સવોમાં જો આ સ્પોર્ટને સમાવિષ્ટ કરવામાં આવે તો કાઇટ ફ્લાયર્સ માટે ઉજળી તકોના દરવાજા ખૂલી શકે છે.’

પતંગ ઉડાડવામાં પંજાબી-ગુજરાતી ભાઈ-ભાઈ!
હવે આપણો પતંગ ઘુમાવીએ પંજાબ તરફ. પંજાબથી આવતા વરુણ ચઢ્ઢા પતંગના ભારે શોખીન છે. ભણવામાં ઓછો રસ, પણ પતંગ ચગાવવા પ્રત્યે ખૂબ લગાવ. વરુણ કહે છે, પતંગ એ ખૂબ સારો મિત્ર છે. એમની સાથે તમે ગમે ત્યારે સમય પસાર કરી શકો છો. તમારી મરજી પ્રમાણે એને ઘુમાવી શકો છો. એની સાથે રમી શકો છો. પંજાબીઓ પણ પતંગ ચગાવવાના શોખીન છે. ગુજરાતમાં મને પંજાબની જ ફીલિંગ આવે છે કારણકે પતંગ પ્રત્યેનું બંને પ્રજાનું પેશન સરખું છે. પતંગ અહીં બિઝનેસ અને ટૂરિઝમને સપોર્ટ કરવા માટેનું એક માધ્યમ બન્યું છે.’

કંબોડિયામાં પતંગને ગૃહયુદ્ધનું ગ્રહણ નડ્યું
છેક કંબોડિયાથી ગુજરાત માત્ર પતંગ ઉડાડવા આવેલા કાઇટ ફ્લાયર સીમસત્તા પણ વરુણની વાતમાં ટેકો જાહેર કરે છે. સીમસત્તા કહે છે, કાઈટ ફેસ્ટિવલમાં હજારો લોકો ભાગ લે છે, આ કારણે ટૂરીઝમ, કલ્ચર અને ઈકોનોમીને સારો વેગ મળે છે. દેશવિદેશથી આવતા કાઇટ ફ્લાયર્સ ભારતીય સંસ્કૃતિ અને ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ વિશે જાણી શકે છે.
સીમસત્તાના કંબોડિયામાં હિંદુ સંસ્કૃતિનો ખાસ્સો પ્રભાવ છે. ત્યાં શિવ-વિષ્ણુ અને ગણેશ ભગવાનનાં મંદિરો છે. 1970ની સિવિલ વોર પહેલાં કંબોડિયામાં કાઈટ કલ્ચરનો મસ્ત માહોલ હતો, પણ સિવિલ વૉરમાં લાખો લોકોએ પ્રાણ ખોયા. અને એની અસર એમના કાઇટ કલ્ચર પર પણ થઈ. આશરે બે દાયકા સુધી કાઈટ કલ્ચર પર યુદ્ધનો કાળો પડછાયો રહ્યો. આખરે, વર્ષ 1994માં કંબોડિયાની તત્કાલીન સરકારે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું અને ફરી કાઇટ કલ્ચરે પોતાની ગુમાવેલી ફ્લેવર પાછી મેળવી. ત્યાંના કાઈટ કલ્ચર વિશે સીમસત્તા કહે છે, ‘મે મહિનાથી ઓક્ટોબર માસ દરમિયાન કંબોડિયામાં વરસાદી વાતાવરણ રહે છે. નવેમ્બર માસથી ડ્રાય સીઝન શરુ થાય છે. ખેડૂતો માટે ચોખાની લણણી કરવાની મોસમ શરુ થાય છે. આ દરમિયાન પવનો નોર્થઇસ્ટથી આવે છે. સૌ ખુશખુશાલ હોય છે આ સમયગાળા દરમિયાન ચોખાની લણણી કરવાની સાથે પતંગ ચગાવવાની મોસમનો પણ પ્રારંભ થાય છે.’

‘કેનેડા ઠીક મારા ભૈ, બાકી ગુજરાત એટલે ગુજરાત’
સીમસત્તા સાથેની વાતચીત દરમિયાન છેલ્લે અમારી મુલાકાત થાય છે રોબર્ટ સાથે. તેઓ કેનેડા નિવાસી કાઇટ ફ્લાયર છે. રોબર્ટ પોતાની સાથે છ પતંગો લઈને આવ્યા છે. ઈન્ડિયાની-ગુજરાતની આ પ્રથમ મુલાકાત છે એમની. એમના ચહેરા પર ઉત્સાહ છલકતો જોઈ શકાય છે. કેનેડામાં ઉત્સાહજનક માહોલ ન હોવાનું માનતા રોબર્ટ ગુજરાતીઓ વિશે પોતાનું મંતવ્ય આપતા કહે છે કે, ‘અહીં લોકો ખૂબ ફ્રેન્ડલી છે. અમે અહીં રસ્તા પર નીકળીએ તો લોકો અમારી સામે હાથ હલાવીને અમારું સસ્મિત અભિવાદન કરે છે. બાળકો પણ અમને જોઈને ખૂબ ઉત્સાહિત થઈ જાય છે. બીજી જગ્યાએ આવું નથી. કેનેડામાં અનુકૂળ માહોલ નથી પરંતુ હું વોશિંગ્ટન ડીસીમાં એક અઠવાડિયા માટે યોજાતા કાઇટ ફેસ્ટિવલમાં પાર્ટિસિપેટ થાઉં છું જ્યાં મને ખૂબ મજા પડે છે.’

અન્ય સમાચારો પણ છે...