• Gujarati News
  • Lifestyle
  • Dropped Out In 10th Standard, Worked As A Laborer Making Beedis To Support The Household; Read Surendran Patel's Success Story

ભારતનો દીકરો અમેરિકામાં જજ બન્યો:10મા ધોરણમાં અભ્યાસ છોડ્યો, ઘરનું ગુજરાન ચલાવવા બીડી બાંધવાનું મજૂરીકામ કર્યું; પત્નીનાં કારણે અમેરિકા ગયો

20 દિવસ પહેલા

જો મંઝિલ નક્કી જ હોય તો રસ્તો આપમેળે જ બની જાય છે. ભારતનાં પુત્રએ અમેરિકાનાં ટેક્સાસમાં જજ બનીને આ વાતની સાબિતી આપી છે. સુરેન્દ્રન કે. પટેલે 1 જાન્યુઆરીએ ટેક્સાસનાં ફોર્ટ બેન્ડ કાઉન્ટીમાં 240માં ડિસ્ટ્રિક્ટ જજ તરીકે શપથ લીધા. તેમના જીવનની કહાની એટલી સંઘર્ષમય છે કે, દરેક ભારતીયને તેની જાણ હોવી જ જોઇએ. આખી ઘટના એકદમ કોઈ વાર્તા કે ફિલ્મને મળતી આવે છે કે, એક ગરીબ છોકરો કે, જે સ્કૂલમાં ભણી ન શક્યો, ઘરનું ગુજરાન ચલાવવા માટે બીડી બાંધવાનું કામ કર્યું, હાઉસકીપર તરીકે કામ કર્યું ને એકાએક તેના જીવનમાં ચમત્કાર થયો ને અમેરિકાનાં ટેક્સાસની ડિસ્ટ્રિક્ટ કોર્ટનો જજ બની ગયો!

અહેવાલો મુજબ અમેરિકામાં ચૂંટણી દ્વારા જિલ્લા ન્યાયાધીશોની ચૂંટણી કરવામાં આવે છે અને 51 વર્ષીય સુરેન્દ્રને પહેલા રાઉન્ડની ચૂંટણીમાં સીટિંગ જજને હરાવીને અમેરિકામાં ડિસ્ટ્રિક્ટ જજ બનનાર પ્રથમ મલયાલી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું. જો સુરેન્દ્રનનાં ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો તે કેરળનાં કાસારગઢનો રહેવાસી છે. તેઓનાં પરિવારની આર્થિક સ્થિતિ જરાપણ સારી નહોતી. તેના માતા-પિતા મજૂરીકામ કરીને જીવન જીવતા હતા, જેથી તેઓની કારકિર્દી ઘડતરનો શરુઆતનો સમય પણ સંઘર્ષથી ભરપૂર હતો.

10માં ધોરણમાં અભ્યાસ છોડવો પડ્યો
સુરેન્દ્રનનાં જીવનમાં સંઘર્ષનો એક સમય એવો આવ્યો કે, તેઓએ 10માં ધોરણથી અભ્યાસ છોડવો પડ્યો. 10માં ધોરણ પછી તેને કમાવવા માટે ઘરની બહાર નીકળવું પડ્યું. તેણે બીડી બાંધવાનું અને દૈનિક મજૂરીનું કામ કર્યું. જો કે, આ સમયે તેના મનમાં કાયદાનાં ક્ષેત્રમાં કારકિર્દી બનાવવાનું સપનું ગૂંથાઈ રહ્યું હતું. કામ કરીને જે પણ પૈસા ભેગા થયા તેનાથી તેઓએ ફરીથી પોતાનો અભ્યાસ શરુ કર્યો. જો કે,નોકરીનાં કારણે ઘણી વખત તે ભણવા માટે કોલેજ જઈ શકતો ન હતા પરંતુ, આ સમયે તેના મિત્રો નોટ્સ બનાવવામાં તેની મદદ કરતા રહ્યા.

કોલેજમાં પરીક્ષા આપવા પર પ્રતિબંધ મુકાયો
મિત્રોની નોટ્સની મદદથી સુરેન્દ્રનની પરીક્ષાની તૈયારી તો થઈ જતી પણ કોલેજમાં ઓછી હાજરીને કારણે તેના પર પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જે બાદ સુરેન્દ્રનને પોતાના પ્રોફેસરને વિનંતી કરી હતી કે, તેમને પરીક્ષા આપવા દેવામાં આવે. જો રીઝલ્ટ સારુ ન આવે તો તે તેને કોલેજમાંથી કાઢી મૂકે. પ્રોફેસરોએ સુરેન્દ્રનની ઘગશ જોઈને તેઓને પરીક્ષા આપવાની મંજૂરી આપી અને તેણે કોલેજમાં ટોચનું સ્થાન મેળવ્યું.

ઉછીનાં પૈસાથી યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો
કોલેજનો અભ્યાસ પૂરો કર્યા બાદ સુરેન્દ્રન લો યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગતો હતો, પરંતુ તેની પાસે એટલા પૈસા નહોતા. આ પછી, તેણે તેના મિત્રો પાસેથી પૈસા ઉધાર લઈને લો યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. વર્ષ 1995માં સુરેન્દ્રન પટેલે વકીલાતની ડિગ્રી પૂરી કરી અને કેરળના હોસદુર્ગમાં પ્રેક્ટિસ શરૂ કરી પરંતુ, તેની કારકિર્દીનાં ઉતાર-ચડાવ અહીં જ અટકયા નહી. આ પછી શુભા તેના જીવનમાં આવી કે, જે વ્યવસાયે નર્સ હતી. શુભા સાથે લગ્ન કર્યા બાદ સુરેન્દ્રન દિલ્હી આવ્યો હતો અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરતો હતો અને અહીથી જ તેમના જીવનમાં એક નવી સંઘર્ષની કસોટી શરુ થઈ.

પત્નીનાં કારણે અમેરિકા જવું પડ્યું
વર્ષ 2007માં પત્નીને અમેરિકામાં કામ કરવાની તક મળી. જે પછી સુરેન્દ્રન અને શુભા અમેરિકા આવી ગયા. કાયદા ક્ષેત્રે કારકીર્દી ઘડવાનો તેનો જુસ્સો હજુ પણ એટલો જ હતો. તેણે થોડા સમય માટે સુપરમાર્કેટમાં કામ કર્યા પછી ટેક્સાસ બારની પરીક્ષા આપી અને પાસ કરી. અમેરિકામાં તેણે ફરીથી કાયદાની પ્રેક્ટિસ કરવા માટે નવેસરથી અભ્યાસ કર્યો અને વર્ષ 2011માં તે સ્નાતક થયા. આ પછી સુરેન્દ્રને યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટન લો સેન્ટરમાં LLMમાં એડમિશન લીધું હતું. વધુ સારા માર્ક્સ સાથે આ પરીક્ષા પાસ કર્યા બાદ વકીલ તરીકે ફરી કામ કરવાનું શરૂ કર્યું હતું.

વર્ષ 2017માં નાગરિકતા મળી અને વર્ષ 2022માં જજ બન્યા
સુરેન્દ્રન કે પટેલને વર્ષ 2017માં યુ.એસ.ની નાગરિકતા મળી હતી. આ પછી તેઓએ વર્ષ 2020માં ડિસ્ટ્રિક્ટ જજ બનવાનો પ્રથમ પ્રયાસ કર્યો હતો પરંતુ, તે બની શક્યા ન હતા. આ પછી વર્ષ 2022માં ફરીથી તેઓએ ડિસ્ટ્રિક્ટ જજ બનવાનો પ્રયાસ કર્યો અને તે સફળ રહ્યો.