• Gujarati News
  • Lifestyle
  • IIT Guwahati Developed An Edible Coating, Tomatoes Will Stay Good For A Month; Food Wastage Will Be Reduced

ફળો અને શાકભાજી 2 મહિના સુધી તાજા રહેશે:IIT ગુવાહાટીએ એડિબલ કોટિંગ બનાવ્યું, ટામેટાં એક મહિના સુધી સારા રહેશે; ખોરાકનો બગાડ ઘટશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફળો અને શાકભાજીનું આયુષ્ય વધારવા માટે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (IIT) ગુવાહાટીના સંશોધકોએ એડિબલ કોટિંગ એટલે કે ખાદ્ય સ્તર બનાવ્યું છે. તેની મદદથી ખાદ્ય પદાર્થો પહેલા કરતાં વધારે સમય સુધી તાજા રહેશે. આ વસ્તુનો ઉપયોગ ખોરાકનો બગાડ ઘટાડવા માટે થઈ શકે. આ સંશોધન જર્નલ ACS ફૂડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં પ્રકાશિત થયું હતું.

સ્ટ્રોબેરી 5ની જગ્યાએ 20 દિવસ સુધી તાજી રહેશે
સંશોધકોએ બટાકા, ટામેટાં, લીલા મરચાં, સ્ટ્રોબેરી, સફરજન, અનાનસ અને કિવી જેવા શાકભાજી-ફળો પર એડિબલ કોટિંગ અજમાવ્યું હતું. IIT ગુવાહાટીના ડિપાર્ટમેન્ટ ઓફ કેમિકલ એન્જિનિયરિંગના પ્રોફેસર વિમલ કટિયારે જણાવ્યું હતું કે, આ કોટિંગથી બે મહિના સુધી ખાવાની ચીજવસ્તુઓ તાજી રાખી શકાય છે જેમ કે, કોટિંગ લગાવ્યા પછી ટામેટાંની શેલ્ફ લાઇફ એક મહિના સુધી વધી જાય છે. આ સિવાય સ્ટ્રોબેરીની શેલ્ફ લાઇફ માત્ર 5 દિવસની હોય છે, પરંતુ એડિબલ કોટિંગની મદદથી તેને 20 દિવસ પછી પણ ખાઈ શકાય છે.

એડિબલ કોટિંગ કેવી રીતે બનાવવામાં આવ્યું?
એડિબલ કોટિંગમાં બે પદાર્થો હોય છે. સૂક્ષ્મ શેવાળનો અર્ક અને બીજું પોલિસેકેરાઇડ્સ (એક પ્રકારનો કાર્બોહાઇડ્રેટ). દરિયાઇ માઇક્રોએલ્ગી ડુનાલીલા ટેરિઓલેક્ટામાંથી આ અર્ક કાઢવામાં આવ્યા છે. એલ્ગી ઓઇલ માછલીના તેલનું પ્લાન્ટ આધારિત વિકલ્પ છે અને હેલ્થ સપ્લિમેન્ટ છે. તેલ કાઢ્યા બાદ જે પદાર્થ વધે છે, તેને ફેંકી દેવામાં આવે છે. કટિયાર અને તેની ટીમે એડિબલ કોટિંગ બનાવવા માટે તે જ પદાર્થનો ઉપયોગ કર્યો હતો. તેને કાઈટોસનમાં ઉમેરવામાં આવ્યું હતું, જે એક પ્રકારનું સુગર છે. તેને શેલફિશની ખોપડીમાંથી કાઢીને બનાવવામાં આવે છે.

એડિબલ કોટિંગ સાથે અને વિના કેપ્સિકમની ફોટો
એડિબલ કોટિંગ સાથે અને વિના કેપ્સિકમની ફોટો

ટૂંક સમયમાં જ બજારમાં આ પ્રોડક્ટ આવી શકે છે
કટિયારના જણાવ્યા મુજબ તે પોતાની ટીમ સાથે મળીને છેલ્લા 6 વર્ષથી શાકભાજી અને ફળોની શેલ્ફ લાઇફ વધારવા માટે કોટિંગ તૈયાર કરે છે. હવે તેમને સફળતા મળી છે. તેમના મતે, કોટિંગની સામગ્રી સંપૂર્ણપણે બિન-ઝેરી અને ખાવા માટે સલામત છે. અમે ઉદ્યોગોની મદદથી એડિબલ કોટિંગ બજારમાં લાવવા માટે તૈયાર છીએ. અમે ઉદ્યોગોને વિનંતી કરીએ છીએ કે, તે આ પ્રોજેક્ટમાં અમારી મદદ કરે જેથી તે ખેડૂતોની આવકમાં વધારો કરી શકે. કટિયારે ઉત્પાદનની કિંમત વિશે કોઈ માહિતી આપી નથી.