હાલમાં જ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ અને રણબીર લગ્નગ્રંથીથી બંધાયા છે. આલિયા ભટ્ટ લગ્નનાં દિવસે ઓફ વ્હાઇટ કલરની સાડી સાથે સિમ્પલ મેકઅપ બહુ જ સુંદર લાગી રહી હતી. આલિયાના લુક વિષે સૌથી ખાસ વાત કરવામાં આવે તો તેનો બ્રાઇડલ મેકઅપ. આલિયાએ લગ્નના દિવસે તેના ચહેરાને નેચરલ જ રાખ્યો હતો. મેકઅપમાં ફક્ત કાજલ, ન્યૂડ લિપસ્ટિક અને આઈબ્રોને જ હાઈલાઈટ કરી હતી.
આલિયા ભટ્ટે તેના આ સિમ્પલ લુકને લઈને વાત કરી હતી કે, લગ્નના થોડા મહિના પહેલા જો સ્કિન અને ચહેરાની દેખભાળ કરવામાં આવે તો બ્રાઇડલ લુક માટે મેકઅપની જરૂરત રહેશે નહીં. લાઈટ મેકઅપ લુકમાં કોઈ પણ દુલ્હન આલિયા ભટ્ટ જેવી જ દેખાશે. જો તમે પણ લગ્નના દિવસે આવી જ ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હોય તો બ્યુટી એક્સપર્ટ પૂજા સિંહે જણાવ્યું હતું કે, લગ્નના 1 કે 2 મહિના પહેલા ઘરગથ્થુ ફેસપેક લગાવવાથી લગ્નના દિવસે નેચરલ અને ખુબસુરત દેખાઈ શકો છો.
ચણાનો લોટ, હળદર અને દહીંથી બનાવો ફેસપેક
ત્વચાને ચમકદાર બનાવવા માટે હળદર બેસ્ટ છે. આ ફેસ પેક બનાવવા માટે એક ચમચી ચણાનો લોટ અને દહીં લો. તેમાં એક ચપટી હળદર ઉમેરો. ત્રણેયને સારી રીતે મિક્સ કરો. તેને તમારા ચહેરા પર લગાવો અને એક કે બે મિનિટ માટે ગોળ ગતિમાં મસાજ કરો. લગભગ 7 થી 8 મિનિટ માટે તેને તમારા ચહેરા પર રહેવા દો અને પછી પાણીથી ધોઈ લો.
પરંપરાગત રીત અપનાવો
ચહેરા પર ચમક લાવવા માટે મુલતાની માટીનો ફેસ પેક લગાવવો એ ભારતીય ઘરોમાં વર્ષો જૂની યુક્તિ છે. આ માટે તમારે એક બાઉલમાં એક મોટી ચમચી મુલતાની માટી નાખીને તેમાં થોડું ગુલાબજળ મિક્સ કરવું પડશે. તેમને સારી રીતે મિક્સ કરો અને તમારા ચહેરા પર લગાવો. આ પછી તેને લગભગ 8 થી 10 મિનિટ સુકાવા દો. આ ફેસ માસ્ક તમારા ચહેરાને માત્ર ચમકદાર બનાવશે જ નહીં પરંતુ તમારી ત્વચાને ટોન પણ કરશે.
ઘર પર જ બનાવો વિટામિન 'સી' થી ભરપૂર ફેસપેક
આ એક એવું ફેસ-માસ્ક છે. જેને તમે ઘરે સરળતાથી તૈયાર કરી શકો છો. ત્વચાને ફ્રેશ અને ચમકદાર બનાવવા માટે તેને તમારા ચહેરા પર લગાવી શકાય છે. તેને બનાવવા માટે નારંગીની છાલને થોડા દિવસો સુધી તડકામાં સૂકવીને તેને બારીક પીસી લો. આ પછી એક ચમચી નારંગીની છાલનો પાવડર લો અને તેમાં થોડા ટીપાં દૂધ ઉમેરો. હવે તેને તમારા ચહેરા પર લગાવો, થોડીવાર સુકાવા દો અને પછી પાણીથી ધોઈ લો.
ઉનાળાની ઋતુ માટે બેસ્ટ છે કુલિંગ ફેસ માસ્ક
જો તમે પણ ઉનાળામાં લગ્ન કરી રહ્યા છો તો આ કુલિંગ ફેસ માસ્ક તમારી ત્વચા માટે બેહદ ફાયદાકારક છે. ફેસ માસ્ક બનાવવા માટે એક કાકડીને છીણી લો. આ બાદ તેમાં મધ મિક્સ કરો. આ બાદ આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 10 મિનિટ સુધી રાખો. આ બાદ શુદ્ધ પાણીથી ચહેરાને ધોઈ લો. આ ફેસપેકથી તમારી ત્વચા ફરીથી ફ્રેશ અને ચમકતી લાગવા લાગશે.
મસૂરદાળથી કરો ચહેરાને સ્ક્ર્બ
એક ચમચી મસૂર દાળને આખી રાત ગુલાબજળમાં પલાળી લો. આ બાદ તેમાં થોડું દૂધ મિક્સ કરીને ક્રશ કરી લો. આ મિશ્રણને તમે ચહેરા અને ગરદન પર લગાવો. 10 મિનિટ પછી ચહેરાને ધોઈ લો. મસૂર એક્સ્ફોલિએટર અને સ્ક્રબ તરીકે કામ કરશે જ્યારે દૂધ તમારી ત્વચાને મોઇશ્ચરાઇઝ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.