વાઇરલ વીડિયો:યુવતીએ વીડિયો બનાવ્યો તો લેસ્બિયન ગણાવીને જેલમાં નાખી, સાઉદી પ્રશાસને કહ્યું કે, શોર્ટ હેરના કારણે બાળકો બગડી રહ્યા છે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજકાલ લોકો સોશિયલ મીડિયામાં એટલા એક્ટિવ રહે છે કે ક્યારેક ખરાબ અસર પણ થાય છે. આવો જ એક કિસ્સો વિદેશમાંથી સામે આવ્યો છે. સાઉદી અરેબિયામાં એક યુટ્યબરને મિત્ર સાથે વીડિયો બનાવવો ભારે પડી ગયો છે. આ વીડિયો વાઇરલ થયા બાદ સાઉદી અરેબિયાની પોલીસે યુવતીની ધરપકડ કરી લીધી છે. તાલા સફવાન નામની યુટ્યુબર પર સમાજમાં અશ્લીલતા અને સમલૈંગિકતાનો પ્રચાર કરવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. મૂળ ઇજિપ્તની તાલા સફવાન હાલ સાઉદી અરેબિયામાં રહેતી હતી. તે વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર મૂકતી હતી. યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ પર તેના ઘણા બધા ફોલોઅર્સ છે.

બે મહિલાઓને સાથે જોઈ જતા લોકોએ માન્યું સમલૈંગિકતા
તાલા સફવાન લાંબા સમયથી વીડિયો બ્લોગિંગ કરી રહી છે. તેના મોટાભાગના વીડિયો ફની જ હોય છે. આવા જ એક વીડિયો બ્લોગમાં તાલા સફવાન પોતાની એક મહિલા મિત્ર સાથે વાત કરતી જોવા મળી હતી. આ વીડિયોના એક ભાગને લોકોએ સમલૈંગિકતાનો પ્રચાર ગણાવ્યો હતો. જે બાદ સાઉદી અરેબિયામાં ટ્વિટર પર તેમની વિરુદ્ધ "Tala offends society" હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. ગણતરીના કલાકોમાં જ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

જુઓ વીડિયો

મહિલાઓના નાના વાળને કારણે બગડી રહ્યા છે બાળકો
સાઉદી અરેબિયાની પોલીસે એક વીડિયો જાહેર કરીને તાલાની ધરપકડની પુષ્ટિ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ઇજિપ્તના નાગરિકની સેક્સ્યુઅલ કન્ટેન્ટ બનાવવા અને અશ્લીલતા ફેલાવવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.આ સાથે જ પોલીસે એ પણ જણાવ્યું હતું કે, "બ્લોગરના કન્ટેન્ટ સામાજિક નૈતિકતાને નુકસાન પહોંચાડી રહ્યું છે. આ સાથે જ શોર્ટ વાળવાળા બ્લોગરને જોઈને સાઉદી ટીનેજર્સ પર ખરાબ અસર પડી રહી હતી.

લોકોનો ભભૂકી ઉઠ્યો ગુસ્સો
તાલાના ટિકટોક પર 50 લાખ અને યુટ્યુબ પર 8 લાખ ફોલોઅર્સ છે. તાલા ઇજિપ્ત અને અન્ય અરબી ભાષી વિસ્તારોનો જાણીતી ઇન્ફ્લ્યુઅન્સર છે. વિવાદિત વીડિયોની સાથે સાથે તેનું ઘણું જૂનું કન્ટેન્ટ પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થવા લાગ્યું હતું. જેના પર સાઉદી અરેબિયાની નાગરિકોએ દેશમાં અશ્લીલતા ફેલાવવાનો લોકો પર આરોપ લગાવ્યો હતો. તેઓએ આ ટ્રેન્ડ ચલાવ્યો હતો અને પોલીસ અને વહીવટીતંત્રને ફરિયાદ કરી હતી, ત્યારબાદ તાલાની ધરપકડ કરવામાં આવી હતી.

સાઉદીનો કાયદો કડક હોય ઘણા વર્ષો જેલમાં પસાર કરવા પડી શકે છે
સાઉદી અરેબિયાનો કાયદો એકદમ રૂઢિચુસ્ત માનવામાં આવે છે. અહીં ઇસ્લામિક શરિયા કાયદાનું પાલન કરવામાં આવે છે. કુરાનને જ અહીં બંધારણનો દરજ્જો આપવામાં આવ્યો છે. સાઉદી અરબમાં આજે પણ પથ્થર અને ચાબુક મારવા જેવી સજાઓ આપવામાં આવે છે. સમલૈંગિકતામાં અહીં મોત સુધીની સજા થઈ શકે છે. હાલના કિસ્સામાં તાલાને ઘણા વર્ષો જેલમાં પસાર કરવા પડી શકે છે.