કર્ણાટકમાં મૃત લોકોનાં લગ્ન થાય છે:છોકરાથી મોટી હોય છોકરી તો તોડી નાખે છે સંબંધ, તમામ રીતરિવાજો નિભાવવામાં આવે છે

19 દિવસ પહેલા

આપણે ત્યાં અનેક પ્રકારનાં જુદાં-જુદાં રીતરિવાજથી લોકો લગ્નનાં પવિત્ર બંઘનમાં બંધાય છે. સ્થળ, ધર્મ, જાતિ પરિવર્તન થતાં લગ્નની રીત પણ બદલાય છે અને આ ત્રણ પરિબળોનાં આધારે થતાં જુદાં-જુદાં લગ્નો જોયા પણ હશે, પરંતુ શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે બે મૃત લોકો પણ લગ્ન કરે છે? હા હા.. કર્ણાટકમાં એક એવી જગ્યા પણ છે કે જ્યાં બે લોકોનાં મોત થયા બાદ તેમનાં લગ્ન કરાવવાનો રિવાજ છે. તાજેતરમાં એની અરુણ નામની એક યુટ્યુબરે આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી હતી. કર્ણાટકમાં દક્ષિણ કન્નડ જિલ્લામાં બે બાળકોનાં મૃત્યુ બાદ તેમનાં લગ્ન કરાવવાનો રિવાજ છે. આ પ્રથાને 'પ્રતિ કલ્યાણમ્' તરીકે ઓળખવામાં આવે છે. કર્ણાટક અને કેરળનાં કેટલાક ભાગોમાં, કેટલાક સમુદાયો હજુ પણ આ પ્રથાને અનુસરે છે. ચાલો તમને જણાવીએ કે, આ લગ્ન કેવી રીતે થાય છે?

યૂટ્યૂબરે ટ્વિટર પર આ વીડિયોને શેર કરી વધુ માહિતી આપી હતી
એની અરુણ નામનાં યુટ્યૂબરે લખ્યું છે કે, ‘હું આજે એક લગ્નમાં હાજરી આપવા જઈ રહી છું. તમે પૂછી શકો છો કે, તેમાં વળી ટ્વીટ કરવા જેવી વાત શું છે? વેલ, આ ‘પ્રેત કલ્યાણમ’છે, જેમાં લગભગ 30 વર્ષ પહેલાં વર-વધૂનું મોત થઈ ચૂક્યું છે. આજે તેમનાં લગ્ન છે. તે દક્ષિણ કન્નડની પરંપરા અથવા પ્રથા છે, કેટલાંક લોકોને તે વિચિત્ર પણ લાગે છે. આ લગ્ન જન્મ દરમિયાન મૃત્યુ પામનાર બાળક વચ્ચે થાય છે. જો તમે એવું વિચારતાં હોવ કે આ લગ્નનો નિર્ણય લેવો સરળ છે, તો એવું નથી. હાલમાં જ આ વરરાજાનાં પરિવારે વધૂને લગ્ન માટે એટલે ના પાડી દીધી, કારણ કે વધૂ વરરાજાથી મોટી હતી.’

લગ્નની તમામ વિધિઓ કરવામાં આવે છે
‘પ્રેત કલ્યાણમ’દરમિયાન સગાઈથી લઈને લગ્ન સુધીની તમામ વિધિઓ કરવામાં આવે છે. તમામ રીતરિવાજો વરરાજા અને કન્યાનાં પરિવાર દ્વારા નિભાવવામાં આવે છે. રીતરિવાજ મુજબ સૌથી પહેલાં વરરાજા એક સાડી લાવે છે, જે લગ્ન મુહુર્ત પર કન્યા પહેરે છે. વર-વધૂને બેસવા માટે 2 ખુરશીઓ પણ અલગ-અલગ રાખવામાં આવે છે. લગ્નમાં હાજર સ્વજનો કન્યાદાન કરે છે, ફેરા ફેરાવે છે, મંગળસૂત્ર પહેરાવે છે. લગ્ન કર્યા બાદ વર-વધૂ ઘરની બહાર આવે છે અને ચારેય દિશામાંથી આશીર્વાદ લે છે. આ પછી વધૂ વરના ઘરમાં પણ પ્રવેશ કરે છે. અંતે કન્યાનો પરિવાર પોતાની દીકરીની જવાબદારી વરરાજાનાં પરિવારને સોંપે છે, જાણે વિદાય થતી હોય. લગ્ન પૂરાં થયા પછી લગ્નમાં હાજર દરેક વ્યક્તિને જમાડવામાં પણ આવે છે.

બાળકો અને કુંવારાં લોકો આ લગ્નમાં આવી શકતાં નથી
આવાં લગ્ન વિશે એવી માન્યતા છે, કે તેમાં બાળકો અને અવિવાહિત લોકો જઈ શકતાં નથી. આ લગ્ન દરમિયાન વર-વધૂના નામ પણ રાખવામાં આવે છે. ‘પ્રેત કલ્યાણમ’ સાથે જોડાયેલી તમામ જાણકારી યૂટ્યૂબર એની અરુણે પોતાના ટ્વિટર પર પોસ્ટ કરી છે. આ લગ્ન વિશે જાણીને લોકો જુદી-જુદી રીતે પ્રતિક્રિયા આપી રહ્યાં છે.