આજની આપણી લાઈફસ્ટાઈલને કારણે અનેક બીમારીઓ ઘર કરી જાય છે, જે પૈકી એક સમસ્યા છે શરીરમાં યુરિક એસિડ વધવાની સમસ્યા. ફિઝિશિયન ડૉ. શ્રીતેશ મિશ્રા જણાવે છે કે, શરીરમાં યુરિક એસિડવધી જવાને કારણે કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી અને લોહીમાં યુરિક એસિડનું લેવલ વધી જાય છે. આ પછી તે હાડકાની વચ્ચે જમા થાય છે, જેના કારણે ગાઉટની સમસ્યા થાય છે. જેના કારણે શરીરના કોઈપણ ભાગમાં દુખાવો થાય છે અને સ્નાયુઓમાં સોજો આવે છે.
યુરિક એસિડ વધવા પાછળ આ કારણો
આપણા ડાયટમાં ઘણી એવી વસ્તુઓનો સમાવેશ થાય છે જે યુરિક એસિડને વધારી શકે છે. દાળ, રાજમા, મશરૂમ, ટામેટાં, પનીર, કોબી જેવી ઘણી બધી વસ્તુઓ છે જેના કારણે શરીરમાં યુરિક એસિડ વધવાની શક્યતા રહે છે. આ સિવાય જો તમે ડાયાબિટીસ અને હાઈપોથાઈરોઈડથી પીડિત હોવ તો પણ આ બીમારી થઈ શકે છે. ક્યારેક સ્થૂળતા અને તણાવ પણ યુરિક એસિડ વધવાનું કારણ બની શકે છે.
હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો રહી શકે છે
જો યુરિક એસિડ વધી જાય તો તમે હાડકાં, સાંધા અને સ્નાયુઓમાં દુખાવાથી પરેશાન થઈ શકો છો. જેના કારણે ખૂબ જ ઝડપથી થાક લાગવો, આંગળીઓ અને અંગૂઠામાં સોજો આવવો અને વધુ પડતો દુખાવો પણ યુરિક એસિડના લક્ષણો હોઈ શકે છે.
પથરી અને કિડનીની સમસ્યાનું જોખમ
યુરિક એસિડ વધવાને કારણે કેટલાક ક્રિસ્ટલ્સ પેશાબની નળીમાં જમા થવા લાગે છે અને કિડનીમાં પથરી બનવા લાગે છે. જેના કારણે પીઠના નીચેના ભાગમાં બંને બાજુ ભારે દુખાવો, પેટમાં દુખાવો થવાની સંભાવના રહે છે. યુરિક એસિડ વધવાને કારણે યુરિન ડિસ્ચાર્જ કરવામાં તકલીફ થાય છે, જેના કારણે કિડની પર દબાણ આવે છે અને કિડનીમાં ઈન્ફેક્શન જેવી સમસ્યા થઈ શકે છે.
હાઈ ફાઈબર ડાયટથી કરી શકો છો કંટ્રોલ
જો તમે કોઈ આ પ્રકારના લક્ષણોનો સામનો કરી રહ્યાં છો, તો તમારી જાતની તપાસ કરો અને ડૉક્ટરને મળો. આ સિવાય તમારા આહારમાં ઓટ્સ, ઓટમીલ, બ્રાઉન રાઈસ જેવા ઉચ્ચ ફાઈબરવાળા ખોરાકનો સમાવેશ કરો. જે શરીરમાં યુરિક એસિડને શોષવામાં મદદ કરે છે. આ સિવાય રોજ અજમાનું સેવન કરો.
શરીરને હાઇડ્રેટેડ રાખો, બેરી, જાંબુ ખાઓ
ચેરી, સ્ટ્રોબેરી, બ્લૂબેરી અને બેરી જેવા ઘણા ફળો છે, જે બળતરા વિરોધી ગુણોથી ભરપૂર છે. યુરિક એસિડની સમસ્યાથી છુટકારો મેળવવા માટે રોજ ખાઓ આ ફળો. આ સિવાય શરીરને હાઇડ્રેટ રાખો, બને એટલું પાણી પીઓ. આ શરીરમાંથી યુરિક એસિડને બહાર કાઢવામાં મદદ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.