આજથી 20 હજાર વર્ષ પહેલાં હિમયુગનાં ઘણાં રહસ્યો આજના આધુનિક વિજ્ઞાન અને સભ્યતા માટે પડકાર બનેલાં છે, પરંતુ હાલમાં જ લંડનના એક યુવકે કેવ્ઝ પેઇન્ટિંગ એટલે કે ગુફાઓમાં બનાવવામાં આવેલાં ચિત્રોનું રહસ્ય ઉકેલ્યું છે.
આ રહસ્ય ઉકેલનાર શખસનું નામ બેન બેકન છે, જેઓ એક ફર્નિચર-કન્ઝવેટર હતા. બેન બેકને ગુફા પેઇન્ટિંગ પર 20,000 વર્ષ જૂનાં નિશાનોનું વિશ્લેષણ કર્યા બાદ કહ્યું હતું કે આ ચિત્રનું રહસ્ય ચંદ્ર કેલેન્ડર, એટલે કે ચંદ્રની હિલચાલ અને ભ્રમણકક્ષાના બનેલા પંચાંગ સાથે સંબંધિત છે.
જાનવરોનાં પ્રજનન ચક્રનો હિસાબ કરવામાં આવ્યો હતો
યુરોપમાં આવેલી ગુફાઓમાં બારહસિંગા, માછલી અને ઢોર જેવાં પ્રાણીઓનાં ચિત્રો પણ મળ્યાં છે. ચિત્રો પરના બિંદુઓ અને અન્ય ચિહ્નોના અર્થ પુરાતત્ત્વવિદોને મૂંઝવણમાં મૂકે છે, તેથી બેકને નક્કી કર્યું હતું કે તેઓ તેમને ડીકોડ કરવાનો પ્રયાસ કરશે.
નિશાનોની પેટર્નને સમજવા માટે કલાકો સુધી ઓનલાઇન સંશોધન કર્યું
બેકને ગુફા પેઇન્ટિંગ્સ માટેનાં ચિત્રો સમજવા માટે ઇન્ટરનેટ અને બ્રિટિશ લાઇબ્રેરી પર ઘણા કલાકો વિતાવ્યા હતા. જેટલો શક્ય હોય એટલો ડેટા ભેગો કર્યો હતો. આ પછી એ ચિત્રો પર પુનરાવર્તિત પેટર્ન શોધવાનું પણ શરૂ કર્યું હતું. ખાસ કરીને તેમણે અમુક ચિત્રો પર બનેલી 'Y' માર્કસની પેટર્નને પણ સમજી હતી. તેમના સંશોધનમાં જે બહાર આવ્યું એ હતું કે 'Y' પ્રતીક જન્મ આપવાનું પ્રતીક હોઈ શકે છે, કારણ કે એ એક લીટીથી બીજી લીટી વધતી દર્શાવે છે. જેમ જેમ તેમણે તેમના સંશોધનને આગળ વધાર્યું ત્યારે બેકન તેમના મિત્રો અને વરિષ્ઠ શિક્ષણવિદોને સાથે લાવ્યા હતા. આ બધાથી જ બેકનને વધુ સંશોધન માટે પ્રેરણા મળી હતી.
રિપ્રોડક્ટિવ સાઇકલ માટે બિંદુ અને નિશાનનો ઉપયોગ કરવામાં આવ્યો
બેકને ડરહામ યુનિવર્સિટીના બે પ્રોફેસર અને યુનિવર્સિટી કોલેજ લંડનના પ્રોફેસરની મદદથી પ્રાણીઓની રિપ્રોડક્ટિવ સાઇકલ પર કામ કરવાનું શરૂ કર્યું હતું. આ બાદ સંશોધન પરથી તારણ કાઢ્યું હતું કે ગુફા ચિત્રો પરના અંકોની સંખ્યા ચંદ્ર કેલેન્ડરને અનુરૂપ છે, જે પ્રાણીઓના રિપ્રોડકશનનો સમય છે. ટીમનું આ સંશોધન કેમ્બ્રિજ આર્કિયોલોજિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
લુનર કેલેન્ડરનો સૌથી પહેલા ઉપયોગ હિમયુગના લોકોએ કર્યો
ડરહામ યુનિવર્સિટીના પ્રોફેસર પૌલ પેટિટે જણાવ્યું હતું કે તેઓ ખુશ છે કે જ્યારે બેકન તેમની પાસે આવ્યા ત્યારે તેમની વાતને ગંભીરતાથી લીધી હતી. સંશોધનનાં પરિણામો સૂચવે છે કે હિમયુગના શિકારી-સંગ્રહકર્તાઓ સિસ્ટમેટિક કૅલેન્ડરનો ઉપયોગ કરનારા અને કૅલેન્ડર અનુસાર મુખ્ય ઇકોલોજિકલ ઇવેન્ટ્સ રેકોર્ડ કરનારા પ્રથમ માણસ હતા.
ફ્રાન્સ અને સ્પેનની ગુફાઓમાં આ પ્રકારનાં ચિત્રો મળ્યાં છે
પ્રોફેસરે વધુમાં જણાવ્યું હતું કે આ શિકારીઓએ ફ્રાન્સમાં લાસકોક્સ અને સ્પેનમાં અલ્તામિરાની ગુફાઓમાં અદભુત કલા વારસો છોડી દીધો હતો. તેમમે પ્રારંભિક સમયની સંભાળનો રેકોર્ડ પણ છોડી દીધો, જે આખરે આપણી પ્રજાતિઓમાં સામાન્ય બની ગયો હતો. તો બીજી તરફ બેકને કહ્યું હતું કે અમારા પૂર્વજો આપણે અગાઉ વિચારતા હતા તેના કરતાં વધુ આપણા જેવા હતા. એવું લાગે છે કે આપણી પહેલાં ઘણી સદીઓ જીવતા આ લોકો અચાનક આપણી ખૂબ નજીક આવી ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.