તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાના સંશોધકોનો દાવો:સદીના અંત સુધી માણસનું આયુષ્ય 130 વર્ષ સુધીનું થશે, છેલ્લા દશકમાં લાંબી ઉંમર ધરાવતા લોકોની સંખ્યા વધી; હાલ 118 વર્ષની કેન તનાકા સૌથી વૃદ્ધ વ્યક્તિ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ દીર્ઘાયુ સંબંધિત આંતરરાષ્ટ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરી દાવો કર્યો
  • રિસર્ચરના જણાવ્યા પ્રમાણે, દુનિયાભરમાં આશરે 10 લાખથી વધારે લોકો 100 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા

દુનિયાભરમાં વધતી જતી બીમારીઓને જોઈને મોટા ભાગના લોકોનું એવું માનવું છે કે આગામી સમયમાં માણસોની ઉંમર ઘટતી જશે, પરંતુ તાજેતરના રિસર્ચના પરિણામ તેનાથી વિપરિત અને ચોંકાવનારા છે. નવાં રિસર્ચ પ્રમાણે, પહેલાં કરતાં માણસની ઉંમર વધી છે. હવે માણસ 130 વર્ષ સુધી જીવી શકે છે. આટલું જ નહિ છેલ્લા 10 વર્ષમાં લાંબી ઉંમર ધરાવતા લોકોની સંખ્યા વધી છે. આ દાવો વોશિંગ્ટન યુનિવર્સિટીના સંશોધકોએ કર્યો છે.

સદીના અંક સુધી લોકો પર અસર જોવા મળશે
અમેરિકાના સંશોધકોએ માણસની સરેરાશ ઉંમર શોધવા માટે દીર્ઘાયુ સંબંધિત આંતરરાષ્ટ્રીય ડેટાબેઝનો ઉપયોગ કર્યો. આ ડેટા જર્મનીની મેક્સ પ્લેન્ક સંસ્થા પાસેથી લેવામાં આવ્યો. રિસર્ચમાં સામે આવ્યું કે, ભવિષ્યમાં માણસની ઉંમર વધશે. સદીના અંત સુધી માણસ 125થી 130 વર્ષની ઉંમર સુધી જીવશે.

સુપરસેન્ટેરિયન લોકોનું અવલોકન કરવામાં આવ્યું
સંશોધકોના જણાવ્યા પ્રમાણે હાલ પણ ઘણા લોકો 130 વર્ષની ઉંમર સુધી જીવી શકે છે. વૈજ્ઞાનિકોએ 100થી વધુ ઉંમર ધરાવતા સુપરસેન્ટેરિયન લોકોને રિસર્ચમાં સામેલ કર્યા. રિસર્ચ દરમિયાન કેનેડા, જાપાન, બ્રિટન, અમેરિકા અને યુરોપના દેશોના સુપરસેન્ટેરિયન લોકોનું અવલોકન કરવામાં આવ્યું.

10 લાખ લોકો શતાયુ
સંશોધક માઈકલ પિયર્સનું કહેવું છે કે, દુનિયાભરમાં આશરે 10 લાખથી વધારે લોકો 100 વર્ષની ઉંમર પાર કરી ચૂક્યા છે. 600 લોકો 110 અથવા 120 વર્ષના આરે છે. વૈજ્ઞાનિકોએ લાંબી ઉંમર માટે કેટલીક સલાહ પણ આપી છે. તેમનું કહેવું છે કે દીર્ઘાયુ બનવા માટે હેલ્ધી ડાયટ, સ્વચ્છ પાણી અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

સૌથી વધુ ઉંમરનો રેકોર્ડ કેન તનાકાને નામ
હાલ દુનિયાની સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનની કેન તનાકા છે. તેમની ઉંમર 118 વર્ષ છે. લાંબી ઉંમર માટે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં તેમનું નામ છે.
કેનના 8 ભાઈ બહેન છે. તેમના લગ્ન 19 વર્ષની ઉંમરમાં હિદેઓ તનાકા સાથે થયા હતા. તેમના 5 બાળકો છે અને 8 પરપૌત્ર અને પરપૌત્રીઓ છે.
કેન કોલોરેક્ટલ કેન્સરને માત આપી ચૂક્યા છે. તેમને બોર્ડ ગેમ ઓથેલો રમવી પસંદ છે.

લાંબી ઉંમર માટે ફળ-શાકભાજી ખાઓ
અમેરિકન હાર્ટ એસોસિએશનના જણાવ્યા પ્રમાણે, લાંબી ઉંમર માટે દરરોજ 160 ગ્રામ ફળ અને 240 ગ્રામ શાકભાજી ખાવી જોઈએ. અઠવાડિયાંમાં 5 દિવસ સુધી આ રૂટિન ફોલો કરવાથી ઘણો ફાયદો થાય છે.

દુનિયાભરમાં 20 લાખ લોકો પર થયેલાં રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે કે સારી ડાયટ લેવાથી મૃત્યુનું જોખમ ઘટે છે. રિસર્ચ પ્રમાણે, ફળ-શાકભાજી લાંબી ઉંમર સાથે હાર્ટ ડિસીઝ અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ ઓછું કરે છે.

અન્ય સમાચારો પણ છે...