દક્ષિણ કોરિયાની એક યુનિવર્સિટી ટોઈલેટનો ઉપયોગ કરવા પર પૈસા આપી રહી છે. જો કે, આ પૈસા ડિજિટલ મનીના રૂપમાં આપવામાં આવી રહ્યા છે. આ ટોઈલેટ ઉલ્સાન નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (UNIST)માં છે. UNIST દક્ષિણ કોરિયાની 4 પબ્લિક યુનિવર્સિટીઝમાંથી એક છે, જે એક સાયન્ટિફિક અને ટેક્નોલોજીકલ રિસર્ચ માટે સમર્પિત છે.
ટોઈલેટ યુઝ કરવા માટે મળી રહ્યા છે પૈસા
હકિકતમાં આ ટોઈલેટ યુનિવર્સિટીની એક લેબ સાથે જોડાયેલું છે જે આ હ્યુમન વેસ્ટમાંથી બાયોગેસ અને ખાતર બનાવે છે. આ ટોઈલેટને UNISTમાં અર્બન એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગના પ્રોફેસર ચો-જે-વેને ડિઝાઈન કર્યું છે. તેનું નામ ‘બીવી’ રાખવામાં આવ્યું છે. આ ટોઈલેટનો ઉપયોગ કરવા પર યુઝરને Ggool નામના ડિજિટલ પૈસા મળે છે. યુઝર દરરોજ 10 Ggool કમાઈ શકે છે અને આ ડિજિટલ મનીનો ઉપયોગ કેમ્પસમાં કોફી, ઈન્સ્ટન્ટ નૂડલ્સ, ફળ અને પુસ્તકો વગેરે ખરીદવા માટે કરી શકે છે.
ટોઈલેટમાંથી નીકળતા વેસ્ટમાંથી વીજળી ઉત્પન્ન
ટોઈલેટમાંથી હ્યુમન વેસ્ટને ભૂગર્ભ ટાંકીમાં નાખવા માટે એક વેક્યૂમ પમ્પનો ઉપયોગ કરવામાં આવે છે. તેનાથી પાણીનો બગાડ ઓછો થાય છે. ત્યારબાદ સુક્ષ્મજીવોને મળને ઉર્જા સ્રોતમાં રૂપાંતરિત કરે છે. આ પ્રક્રિયામાંથી કાઢવામાં આવેલી ઉર્જામાંથી વીજળી ઉતપન્ન કરીને તેનો ઉપયોગ યુનિવર્સિટીની એક બિલ્ડિંગમાં ગેસ સ્ટોવ ચલાવવા અને ગરમ પાણીનાં બોઇલર સળગાવવા માટે કરવામાં આવે છે.
હ્યુમન વેસ્ટ કિંમતી છે
પ્રોફેસર જે-વેનના જણાવ્યા પ્રમાણે, જો આપણે લીકથી હટીને વિચારીએ તો ઊર્જા અને ખાતર બનાવવા માનવ મળ કિંમતી સાબિત થઈ શકે છે. એક દિવસમાં સરેરાશ વ્યક્તિ આશરે 500 ગ્રામ હ્યુમન વેસ્ટ કાઢે છે. તેને 50 લિટર મિથેનમાં રૂપાંતરિત કરી શકાય છે. તે એક કારને 0.78 માઈલ સુધી ચલાવવા માટે પર્યાપ્ત ઉર્જા પેદા કરી શકે છે, જેનાથી 0.5kWh વીજળી ઉત્પન્ન થાય છે.
યુનિવર્સિટીમાં ટોઈલેટ યુઝ કરવા પર ડિજિટલ મની મળવાની સ્કિમની ઘણી ચર્ચા થઈ રહી છે. યુનિવર્સિટીના એક પોસ્ટ-ગ્રેજ્યુએટ વિદ્યાર્થીએ કહ્યું, ‘પહેલાં હું વિચારતો હતો કે હ્યુમન વેસ્ટ ગંદી વસ્તુ છે, પરંતુ હવે એવું નથી કેમ કે તેનાથી મને પૈસા મળે છે. હવે ખાવાનું ખાતી વખતે પણ તેની વાત કરું છું જેથી હું મારું મનપસંદ પુસ્તક ખરીદવા વિશે વિચારી શકું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.