સિંગાપોરમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. શી યાન નામની મહિલાને અચાનક તેના ઘરમાં સાપના સિસકારાના અવાજો સંભળાવા લાગ્યા. મહિલાએ ગભરાઈને એનિમલ વેલફેર ગ્રુપ acresને ફોન કરી સાપ રેસ્ક્યુ કરવા કહ્યું. આખું ઘર માથે લીધા બાદ રેસ્ક્યુ ટીમ સાપને બદલે બગડેલાં ઈલેક્ટ્રિક ટૂથબ્રશના સિસકારા સાંભળી ચોંકી ગઈ. અસલ સાપને બદલે ઈલેક્ટ્રિક બ્રશ સિસકારનું કારણ હોવાનું સામે આવતાં તમામ લોકોના જીવમાં જીવ આવ્યો.
સિંગાપોરના જુરોન્ગ વેસ્ટ વિસ્તારમાં રહેતી શી યાનને તેના બેડરૂમમાં સાપના સિસકારા સંભળાયા. આ સાંભળી પહેલાં તો મહિલાને આ તેનો કોઈ ભ્રમ લાગ્યો, પરંતુ વારંવાર આ જ પ્રકારના અવાજ સાંભળી તેણે એનિમલ રેસ્ક્યુ ટીમને ફોન કર્યો.
શી યાને રેસ્ક્યુ ટીમને તેના બેડરૂમમાંથી આવતા સિસકારના અવાજનું રેકોર્ડિંગ સેન્ડ કર્યું. તેને સાંભળી રેસ્ક્યુ ટીમે અંદાજો લગાવ્યો કે આ તો કોઈ કોબ્રા સાપનો અવાજ છે.
1 કલાકની મહેનત બાદ પણ ઘરમાંથી કોબ્રા ન મળ્યો
જરાય વિલંબ ન કરી રેસ્ક્યુ ટીમ શી યાનના ઘરે પહોંચી અને કોબ્રાને શોધવા આખું ઘર ગાંડુ કર્યું. 1 કલાકની મહેનત બાદ પણ કોબ્રા હાથ લાગ્યો નહિ. છેવટે એક કર્મચારીને સાપના સિસકારા ક્યાંથી સંભળાય છે તેનું કારણ મળ્યું. શીના બેડરૂમમાં એક ખરાબ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ હતું. તેમાંથી જ સાપના સિસકારા જેવાં અવાજો આવી રહ્યા હતા.
અસલ કોબ્રાને બદલે સિસકારાનું કારણ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ હોવાનું સામે આવતાં જ તમામ લોકોએ રાહતનો શ્વાસ લીધો. શી યાને ઘટના બાદ જણાવ્યું કે હવે તે બીજું ઈલેક્ટ્ર્રિક ટૂથબ્રશ ખરીદશે જેથી આવી પરિસ્થિતિ ઉત્પન્ન ન થાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.