ઉનાળાની કાળઝાળ ગરમીમાં તડકાથી બચવા માટે ફક્ત ત્વચાની જ સંભાળ ના લો, સાથે-સાથે આંખોને પણ યુવી કિરણોથી બચાવી જોઈએ. ઉનાળામાં આંખમાં બળતરા, સોજો અને ખંજવાળથી બચાવવા માટે ઘરગથ્થુ ઉપચાર બતાવી રહ્યા છે બ્યુટી એક્સપર્ટ શહનાઝ હુસૈન.
ઉનાળાની ઋતુમાં આંખો પર ઠંડુ પાણી છાંટવાથી ઘણી રાહત મળે છે. આ ઉપાયથી આંખોનો થાક અને સોજો પણ દૂર થાય છે. સૌપ્રથમ આંખોને ગરમ પાણીથી ધોઈ લો, આ બાદ આંખ પર ઠંડુ પાણી છાંટો. આ ઉપાય કરવાથી આંખોમાં રક્ત પરિભ્રમણ સારું થાય છે અને રાહત મળે છે.
આંખનો થાક અને સોજો દૂર કરવા માટે ટી બેગનો ઉપયોગ આઈ પેડ તરીકે કરો. ટી બેગને પહેલા ગરમ પાણીમાં ડુબાડો બાદમાં ગરમ પાણીમાંથી કાઢીને ઠંડુ થવા દો. આ પછી આઈ પેડ તરીકે ઉપયોગ કરો.
કાચા બટાકાના પાતળા ટુકડાને પણ આંખો પર આઈ પેડ તરીકે વાપરી શકાય છે. તે આંખોની બળતરા અને ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે.
કાકડીનો રસ અથવા છીણેલી કાકડી આંખોની આસપાસ લગાવવાથી ઉનાળામાં આંખોને આરામ મળે છે અને આંખોનો થાક દૂર થાય છે. કાકડીના રસમાં રૂને પલાળી રાખો અને તેને આંખો પર પેડની જેમ લગાવો. 15 મિનિટ માટે સુઈ જાઓ અને આરામ કરો. આ ઘરગથ્થુ ઉપચાર ઉનાળામાં થાકથી પણ રાહત આપે છે. એ જ રીતે તમે ઠંડા ગુલાબજળનો પણ ઉપયોગ કરી શકો છો.
આંખોની આસપાસના ડાર્ક સર્કલ અને ફાઈન લાઈન્સથી છુટકારો મેળવવા માટે દરરોજ આંખોની આસપાસ થોડું-થોડું ચોખ્ખું બદામનું તેલ લગાવો અને માત્ર રિંગ ફિંગર (અનામિકા આંગળી)નો ઉપયોગ કરીને બંને આંખોની નીચેની ત્વચા પર એક મિનિટ માટે હળવા હાથે મસાજ કરો. ધ્યાન રાખો કે, માત્ર એક જ દિશામાં માલિશ કરો. ત્વચાને ખેંચવાનું ટાળો. તેને 15 મિનિટ માટે રહેવા દો અને તેને કોટનથી સાફ કરો.
ઉનાળામાંની ઋતુમાં ઘણા લોકો સ્વિમિંગ પુલમાં જતા હોય છે ત્યારે ફરિયાદ હોય છે કે ક્લોરિનના કારણે આંખોમાં બળતરા થાય છે. ક્લોરિનના કારણે આંખો લાલ થઇ જાય છે અને ડ્રાય પણ થઇ શકે છે. આ સમસ્યાથી બચવા માટે જ્યારે તમે સ્વિમિંગ પછી તરત જ સ્નાન કરો છો, ત્યારે આંખો પર પાણીનો છંટકાવ કરો. જો તમે ઈચ્છો તો ડોક્ટરની સલાહ પર આઈ ડ્રોપ્સ પણ લગાવી શકો છો. જો ડ્રાયનેસ અને બળતરા ચાલુ રહે તો આંખના નિષ્ણાંત ડોક્ટર પાસે ચેક કરાવો.
અન્ય એક ઘરગથ્થુ ઉપચારની વાત કરવામાં આવે તો કાકડીનો રસ અને ઈંડાની સફેદી મિક્સ કરો. દરરોજ 20 મિનિટ માટે આંખોની નીચેના ભફ પર લગાવો. આ બાદ સાદા પાણીથી ધોઈ લો. કાકડી ડાર્ક સર્કલ ઘટાડે છે અને ત્વચાને કડક બનાવે છે. ઈંડાની સફેદી ત્વચાને પોષણ આપવાની સાથે જ ટાઈટ પણ કરે છે.
ઠંડા ગુલાબજળમાં રૂને પલાળી રાખો અને તેને 10 થી 15 મિનિટ માટે આંખોની નીચે રાખવાથી આંખની બળતરાની સમસ્યા દૂર થાય છે.
છીણેલા બટેટા અથવા બટેટાનો રસ આંખોની આસપાસ લગાવવાથી પણ આંખનો સોજો ઓછો થાય છે.
ડાર્ક સર્કલથી બચવાનો સૌથી સરળ રસ્તો એ છે કે પૌષ્ટિક અને સંતુલિત આહાર લેવો, જેમાં તાજા ફળો, સલાડ, દહીં, ફણગાવેલા અનાજ, દૂધ, ચીઝ, દાળ અને કઠોળનો સમાવેશ થાય છે. આ સાથે પૂરતી ઊંઘ અને આરામ પણ ખૂબ જ જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.