તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શતાયુનું સીક્રેટ:100 વર્ષથી વધારે ઉંમર સુધી જીવિત રહેવા માટેનું એક કારણ આંતરડાંના બેક્ટેરિયા, તે સંક્રમણનું જોખમ ઓછું કરી વધતી ઉંમરની અસર ઓછી કરે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોક્યોની કિયો યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું
  • રિસર્ચમાં 160 શતાયુ લોકોને સામેલ કરાયા

જાપાનીઝ વૈજ્ઞાનિકોએ 100 વર્ષ અને તેનાથી વધારે ઉંમર સુધી જીવતા લોકોનું સીક્રેટ શોધી કાઢ્યું છે. તેમનું કહેવું છે કે આટલી ઉંમરનું એક કારણ આંતરડાંમાં રહેલા બેક્ટેરિયા છે. આ બેક્ટેરિયા સેકન્ડરી બાઈલ એસિડનું નિર્માણ કરે છે. તે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે અને આંતરડાં સ્વસ્થ રાખે છે. આ બેક્ટેરિયા વધતી ઉંમરની અસર પણ ઓછી કરવામાં મદદ કરે છે. આ દાવો ટોક્યોની કિયો યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકોએ કર્યો છે.

આંતરડાંના બેક્ટેરિયા કેવી રીતે સ્વસ્થ રાખે છે
આંતરડાંમાં ખાસ પ્રકારના બેક્ટેરિયા જોવા મળે છે. તેને ગટ બેક્ટેરિયા અથવા ગટ માઈક્રોબિયોમ પણ કહેવાય છે. જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આ બેક્ટેરિયા તેને તોડે છે. તેથી ભોજન સરળતાથી પચે છે અને ભોજનમાં રહેલા પોષક તત્વો શરીરમાં ભળે છે. આ બેક્ટેરિયા ખરાબ બેક્ટેરિયાનો ફેલાવો રોકે છે. આંતરડાંમાં ગટ બેક્ટેરિયાની સંખ્યા ઘટે છે અને હાનિકારક બેક્ટેરિયાની સંખ્યા વધે છે તો અલ્સેરેટિવ કોલાઈટસ જેવી પેટની બીમારી થવા લાગે છે.

રિસર્ચ
વૈજ્ઞાનિકોએ વધારે ઉંમર ધરાવતા 160 લોકો પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામેલ લોકોની સરેરાશ ઉંમર 107 વર્ષની હતી. તેમના શરીરમાં રહેલા ગટ બેક્ટેરિયાની સરખામણી 85થી 89 વર્ષની ઉંમરના 112 લોકો અને 21થી 55 વર્ષની ઉંમરના 47 લોકો સાથે કરવામાં આવી. વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે, 85થી 89 અને 21થી 55 વર્ષની ઉંમરના લોકોની સરખામણીએ શતાયુ લોકોમાં સેકન્ડરી બાઈલ એસિડની માત્રા વધારે હતી.

બાઈલ એસિડનું કામ
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ હેલ્થના જણાવ્યા પ્રમાણે, બાઈલ એસિડ એક તરલ પદાર્થ છે. તેનું નિર્માણ લિવર કરે છે પરંતુ તે ગોલબ્લેડરમાં સ્ટોર રહે છે. તે ભોજન પચાવવામાં મદદ કરે છે. ખાસ કરીને ફેટયુક્ત ખોરાક. લિવરથી આ એસિડ આંતરડામાં પહોંચે છે અને અહીં રહેલા ગટ બેક્ટેરિયા તેને સેકન્ડરી બાઈલ એસિડમાં પરિવર્તિત કરે છે. આ સેકન્ડરી બાઈલ એસિડ વ્યક્તિને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

આ બેક્ટેરિયા ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે
જાપાનીઝ સંશોધકોના જણાવ્યા પ્રમાણે, શતાયુ લોકોમાં એક ખાસ બેક્ટેરિયા મહત્ત્વનો ભાગ ભજવે છે અને ગંભીર બીમારીનું જોખમ ઘટાડે છે.

સંશોધક ડૉ. કેન્યા હોન્ડાનું કહેવું છે કે, 100 વર્ષની ઉંમર અને આંતરડાંના બેક્ટેરિયા વચ્ચે એક કનેક્શન મળ્યું છે, પરંતુ તેનાથી તે સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થતું કે શતાયુ માટે એકમાત્ર કારણ ગટ બેક્ટેરિયા છે. આ વિશે હજુ રિસર્ચ કરવાની જરૂર છે. આ બેક્ટેરિયા લાંબી ઉંમરનું એક કારણ હોઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...