ભારતમાં કોરોનાવાઈરસની બીજી લહેરમાં અનેક લોકો ઝપેટમાં આવી ગયા છે. રોજ કેસનો આંકડો અને મૃત્યુઆંક વધી રહ્યો છે. એક્સપર્ટનું માનવું છે કે, વધુ વેક્સિનેશનથી આપણે આ મહામારીની રોકી શકીશું. ઘણા લોકોને હજુ પણ વેક્સિનને લઈને ડર કે પછી મૂંઝવણ છે. આવા લોકોને પ્રોત્સાહિત કરવા ઘણા ગ્રુપ આગળ આવ્યા છે. ગુરુગ્રામમાં એક રેસ્ટોરાંએ લોકોને વેક્સિન લેવા પ્રોત્સાહિત કરવા માટે ફ્રીમાં બિઅર આપવી ઓફર રાખી છે. વેક્સિન કાર્ડ બતાવનારાને આ રેસ્ટોરાં ફ્રીમાં બિઅર ઓફર કરે છે.
વેક્સિનનો ડર દૂર કરવો જરૂરી છે
ગુરુગ્રામની રેસ્ટોરાં ‘ઇન્ડિયન ગ્રિલ રૂમ’એ નવું કેમ્પેન શરુ કર્યું છે. ‘સેલિબ્રેટ યોર વેક્સિનેશન વિથ ઇન્ડિયન ગ્રિલ રૂમ’ કેમ્પેન હેઠળ ગ્રાહકોને તેમની સાથે વેક્સિન લીધા હોવાનું પ્રૂફ એટલે કે વેક્સિન કાર્ડ લાવવાનું રહેશે. તેના બદલામાં રેસ્ટોરાં તેમને ફ્રીમાં બિઅર સર્વ કરે છે. 5 એપ્રિલથી આ ઓફર શરુ થઇ હતી જે આખું અઠવાડિયું ચાલી. આ ઓફર પાછળનો હેતુ વધુમાં વધુ લોકોને વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવાનો અને લોકોમાંથી વેક્સિનનો ડર દૂર કરવાનો છે. રેસ્ટોરાંના માલિકને આશા છે કે તેમની ઓફર અને ડિસ્કાઉન્ટથી વધુમાં વધુ લોકો કોરોનાની વેક્સિન લેશે અને બીજાને પર વેક્સિન લેવાનું કહેશે.
રાજકોટમાં વેક્સિન લેનારા માટે ‘સોનેરી’ ઓફર
વેક્સિન લેવા માટે પ્રોત્સાહિત કરવાની આ કોઈ પ્રથમ ઓફર નથી. આની પહેલાં ગુજરાતમાં રાજકોટ શહેરમાં સોની સમાજે ‘સોનેરી’ પહેલ શરુ કરી હતી. રાજકોટમાં વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા 702 મહિલાને સોનાની નાકની ચૂંક ભેટમાં આપી અને તો 531 ભાઈઓને હેન્ડ બ્લેન્ડર આપ્યું હતું.
સોની સમાજે વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું
સોની સમાજે શુક્રવાર અને શનિવાર બે દિવસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કર્યું હતું. એમાં લોકોને રસી મુકાયા બાદ એક ખાસ ભેટ પણ આપવામાં આવી હતી. જે પણ મહિલા વેક્સિન લઈ રહી છે તેને સોનાના દાગીનાની ભેટ આપવામાં આવી હતી, જેમાં મહિલાઓને નાકમાં પહેરવાની સોનાની ચૂંક અને પુરુષોને હેન્ડ બ્લેન્ડર ગિફ્ટમાં આપવામાં આવ્યાં હતાં. બે દિવસ કેમ્પ દરમિયાન અરવિંદભાઇ પાટડિયા દ્વારા કુલ 702 બહેનોને સોનાની ચૂંક ભેટમાં આપવામાં આવી છે, જ્યારે 531 ભાઇને હેન્ડ બ્લેન્ડરની ભેટ આપવામાં આવી હતી.
કોરોનાની બીજી લહેર વધુ ઘાતક
કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. શનિવારે દેશમાં 1 લાખ 52 હજાર 565 લોકો કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા. મહામારી શરૂ થયા પછી એક દિવસમાં પહેલીવાર આટલા વધુ સંક્રમિત લોકો સામે આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં, 90,328 લોકો સાજા થયા અને 838 લોકો મૃત્યુ પામ્યા. આ વર્ષે બીજી વખત, એક જ દિવસમાં 800થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ અગાઉ 8 એપ્રિલે 802 લોકોનાં મોત નીપજ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.