ભાસ્કર એક્સક્લૂસિવગુજરાતના કયા ધારાસભ્યને ફિશ-ચિકન બહુ ભાવે છે?:રીવાબા અને સંગીતા પાટીલના ફેવરિટ એક્ટર કોણ? ગેનીબેન સવારે શું પીને દિવસની શરૂઆત કરે છે?

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ઉર્વી બ્રહ્મભટ્ટ
  • કૉપી લિંક

ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ઉમેદવારો પોત-પોતાના મતવિસ્તારમાં તન-મન-ધનથી પ્રચારમાં લાગેલા છે. આમ તો આપણને આપણા ઉમેદવારના રાજકીય કરિયર અંગેની મોટા ભાગની તમામ માહિતી હોય છે, પરંતુ તેમની લાઇફસ્ટાઇલ, અંગત જીવનની માહિતી બહુ બહાર આવતી નથી. આજે અમે ગુજરાતની મુખ્ય ત્રણેય પાર્ટીના જાણીતા ચહેરાઓને શું ગમે છે, કઈ ફિલ્મ જોવી ગમે છે, કેવાં કપડાં પહેરવા ગમે છે, તેમના આદર્શ કોણ છે, તેઓ ફિટ રહેવા માટે શું કરે છે, એ અંગે તમામ વાત કરીશું.

ઈસુદાન ગઢવી
1982માં 10 જાન્યુઆરીએ જન્મેલા ઈસુદાન ગઢવી AAPમાં જૂન, 2021માં જોડાયા હતા. તેઓ AAPના મુખ્યમંત્રીનો ચહેરો છે. તેઓ જામખંભાળિયાથી વિધાનસભાની ચૂંટણી લડવાના છે. તેમનો જન્મ જામખંભાળિયાની નજીક આવેલા પીપળિયા ગામમાં જન્મ થયો છે. તેઓ સામાન્ય પરિવારમાંથી આવે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વનો કોર્સ કર્યો હતો.

ઈસુદાનનાં પત્ની તથા માતા.
ઈસુદાનનાં પત્ની તથા માતા.

ઈસુદાને નાનપણથી એક વ્રત લીધું છે કે તેઓ માતાજીની પૂજા કર્યા વગર ક્યારેય અન્નનો એક દાણો પણ મોંમાં નાખતા નથી. ઈસુદાન બે ટાઇમ જમે છે, સવારે નાસ્તો કર્યો હોય તો બપોરના ના જમે અને પછી સીધા રાત્રે જ જમે. ઈસુદાન ફિટ રહેવા માટે તળેલી વસ્તુ તથા ચરબીયુક્ત ભોજન ખાતા નથી.

ગોપાલ ઈટાલિયા
21 જુલાઈ, 1989માં બોટાદમાં જન્મેલા અને પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુશન કરનારા ગોપાલ ઈટાલિયા AAPના રાજકીય નેતા છે. તેઓ 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી સુરતના કતારગામ પરથી લડવાના છે. 2017 સુધી ગોપાલ ઈટાલિયા પોલીસ ખાતામાં નોકરી કરતા હતા. ત્યાર બાદ પાટીદાર આંદોલનમાં ભાગ લીધો અને પછી AAPમાં જોડાયા હતા.

ગોપાલ ઈટાલિયા પત્ની સાથે.
ગોપાલ ઈટાલિયા પત્ની સાથે.

ગોપાલ ઈટાલિયા રોજ સવારે ઊઠીને સૌ પહેલા ભગવાનને પ્રાર્થના કરે છે. સવારના 9થી 10 રોજ પાર્ટી ફોલોઅપનું કામ કરે છે અને ત્યાર બાદ જે પ્રમાણેના કાર્યક્રમ હોય એ કરે છે. સવારે નાસ્તો કરીને નીકળે છે અને બપોરે મોટા ભાગે જમતા નથી. મનોજ સોરઠિયાની પ્રેરણાથી તેઓ રાજકારણમાં આવ્યા છે.

અલ્પેશ કથીરિયા
અમરેલી જિલ્લાના મોટા ગોખરવાળા ગામના વતની અને નાના વરાછામાં રહેતા અલ્પેશ કથીરિયાએ LLBનો અભ્યાસ કર્યો છે. 2015માં હાર્દિક પટેલ સુરત આવ્યા ત્યારે તેમની સાથે મુલાકાત થઈ, પછી તેઓ પાટીદાર આંદોલનમાં જોડાયા હતા. તેઓ AAPના સુરતની વરાછા બેઠક પરથી 2022માં ધારાસભ્યની ચૂંટણી લડી રહ્યા છે.

આ તસવીર અલ્પેશ કથીરિયા-કાવ્યાની સગાઈ થઈ એ સમયની છે.
આ તસવીર અલ્પેશ કથીરિયા-કાવ્યાની સગાઈ થઈ એ સમયની છે.

અલ્પેશ કથીરિયા સવારે જ નાસ્તો કરીને ઘરેથી નીકળી જાય છે અને તેમને કાઠિયાવાડી ભોજન વધારે પસંદ છે. સવારે દોઢેક કલાક ઓફિસે જાય અને ત્યારબાદ કોર્ટમાં અને પછી ફરી ઓફિસે જાય. ઇલેક્શન હોવાથી હાલમાં તે પ્રચારમાં વ્યસ્ત રહે છે.

અનંત પટેલ
નવસારી જિલ્લાની વાંસદા બેઠક પરથી 2017માં અનંત પટેલ કોંગ્રેસની સીટ પરથી ધારાસભ્ય બન્યા હતા. 45 વર્ષીય અનંત પટેલે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટીમાંથી M.A.ની ડીગ્રી લીધી છે. 2003માં વાપીની R.K. દેસાઈ કોલેજ ઑફ એજ્યુકેશનમાંથી B.Ed. કર્યું. સામાન્ય પરિવારમાંથી આવતા અનંત પટેલના પિતા રિટાયર્ડ સર્વેયર તો માતા અને પત્ની વૈશાલી હોમમેકર છે. મોટા ભાઈ મનોજ પટેલ સુરતમાં ક્રિભકોમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. અનંત પટેલનાં બહેન સુરતમાં રહે છે અને જીજાજી કિશોર પટેલ એસ્સારમાં જોબ કરે છે.

પત્ની વૈશાલી સાથે અનંત પટેલ.
પત્ની વૈશાલી સાથે અનંત પટેલ.

અનંત પટેલને કોલેજકાળથી ગોગલ્સ તથા ઘડિયાળનો ઘણો જ શોખ છે. નવાઈની વાત એ છે કે ધારાસભ્ય હોવા છતાં તેમની પાસે એકપણ બ્રાન્ડેડ ગોગલ્સ કે ઘડિયાળ નથી. આજે પણ તેઓ તેમના ગામ ઉનઈમાં દર વર્ષે મકરસંક્રાંતિમાં ભરાતા મેળામાંથી ઘડિયાળ ખરીદે છે અને ગોગલ્સ પણ ગામમાંથી 200-300 રૂપિયાના ખરીદીને પહેરે છે. તેમને બુલેટ ચલાવવાનો ઘણો શોખ છે, એટલે તેઓ મિત્રના બુલેટ પર લોંગ ડ્રાઇવ પર જતા હોય છે. અમરનાથની યાત્રા 12થી વધુ વાર કરી છે અને આ દરમિયાન તેમને ઘોડેસવારી શીખવાની ઈચ્છા થઈ અને તેઓ શીખ્યા. આજે પણ જ્યારે તેમને ઘોડેસવારી કરવાની ઈચ્છા થાય તો મિત્રનો ઘોડો લઈને સવારી કરે છે.

ઠાકોર ગેનીબેન નગાજી
પહેલી જાન્યુઆરી, 1975માં જન્મેલાં ગેનીબેન ઠાકોર 2017માં બનાસકાંઠાની વાવ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડ્યાં હતાં અને જીત્યાં હતાં. 2022માં ફરી એકવાર તેઓ આ બેઠક પરથી ઊભાં રહ્યાં છે. તેમના પતિનું નામ શંકરજી ઠાકોર છે. ગેનીબેન ચૂંટણી હોય કે ના હોય, રોજ 200-250 કિમીનો પ્રવાસ કરે છે. તેઓ સવારે દૂધ ને રોટલો ખાઈને નીકળી જતા હોય છે. તેમને હોટલમાં ક્યારેક જ જમવું ગમે છે. રાજકારણમાં સમય મળતો ના હોવાને કારણે તેઓ બહાર ક્યાંય જઈ શકતા નથી. સમય મળે ત્યારે તેમને ડાકોર જવાની ઈચ્છા છે.

પરિવાર સાથે ગેનીબેન.
પરિવાર સાથે ગેનીબેન.

ગેનીબેનને સાડી જ પહેરવી ગમે છે અને જો કોઈ પ્રેમથી 100 રૂપિયાની સાડી આપે અને તેની પર બીજો 500નો ખર્ચ કરવો પડે તોપણ તે 100 રૂપિયાની સાડી પહેરે છે. જાહેરજીવનમાં આવ્યા બાદ તે ભાગ્યે જ પરિવારના પ્રસંગોમાં હાજરી આપી શક્યાં છે. હતાશા નામનો શબ્દ તેમની ડિક્શનરીમાં જ નથી. ગેનીબેનના પતિનું નામ શંકરજી ઠાકોર છે.

પરેશ ધાનાણી
15 ઓગસ્ટ, 1976માં જન્મેલા કોંગ્રેસી નેતા પરેશ ધાનાણી ગ્રેજ્યુએટ છે. 2002માં તેઓ અમરેલી બેઠક પરથી વિધાનસભા ચૂંટણી જીત્યા હતા. ત્યાર બાદ 2012 તથા 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ જ બેઠક પરથી વિજય મેળવ્યો હતો. 2022માં તેઓ આ જ બેઠક પરથી કોંગ્રેસની ટિકિટ પર લડવાના છે. રોજ સવારે પૂજા કરીને વડીલોના આશીર્વાદ લીધા બાદ ગાય માતાને રોટલી ખવડાવીને જ ઘરની બહાર નીકળે છે. તેમને સવારે નાસ્તો કરવાની ટેવ છે અને તેઓ ભાખરી-શાક, થેપલાં, પુડલા, ખીચડી, દાળ-ભાત વગેરે લેતા હોય છે.. છેલ્લાં 25 વર્ષથી તેઓ બપોરના જમતા નથી. રાતના ભોજનમાં તેઓ ક્યારેક ભજિયાં પાર્ટી કરે છે તો ક્યારેક ભાજી પાર્ટી તો ક્યારેક ગાંઠિયા પાર્ટી પણ કરે છે તો ક્યારેક શાક-રોટલા પણ ખાઈ લે છે.

પરેશ ધાનાણી પત્ની વર્ષા તથા બંને દીકરી (સંસ્કૃતિ-પ્રણાલી) સાથે.
પરેશ ધાનાણી પત્ની વર્ષા તથા બંને દીકરી (સંસ્કૃતિ-પ્રણાલી) સાથે.

પરેશ ધાનાણીનો જીવનમંત્ર છે 'ધરાઈને ખાવાનું ને ધરાઈને મહેનત કરવાની.' રોજ સવારે આઠથી નવ પોતાના ઘરે મતવિસ્તારના લોકોને મળે છે. ત્યાર બાદ મતવિસ્તારમાં જાય અને પાર્ટી કાર્યક્રમ તથા જાહેરજીવનને લગતી વિવિધ ઇવેન્ટમાં ભાગ લે. છેલ્લાં 25 વર્ષથી રાજકારણમાં રહેવાને કારણે પરિવારને સમય ઓછો આપી શકે છે. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે 2022ની ચૂંટણી યોજાય એ પહેલાં દીકરીને વૉટરકાર્ડ મળ્યું હતું અને તેણે વૉટરકાર્ડ હાથમાં લેતાં મીઠી ફરિયાદ સાથે કહ્યું હતું, 'ડેડી, નાઉ આઇ એમ ઓલ્સો યોર વૉટર, થોડુંક મારામાં ધ્યાન આપજો.' પરેશ ધાનાણીએ કહ્યું હતું, 'મારી સાત પેઢીમાંથી કોઈ રાજકારણમાં નથી, પરંતુ મારા મિત્રો બનાવવાના શોખે મને જાહેરજીવનનો હિસ્સો બનાવ્યો.'

પરેશ ધાનાણીએ ડર અંગે વાત કરતા કહ્યું હતું, 'ડર કોઈપણ સમસ્યાનો ઉકેલ નથી. ચઢાવ-ઉતાર જીવનનો હિસ્સો છે. ઉપર જઈએ ત્યારે છકી ના જવું અને નીચે પડીએ તો ડરી ના જવું. સંઘર્ષના રસ્તે સામે પાણીએ લડવાનું કૌશલ્ય એ કદુરતની બક્ષિસ છે. સફળતા અને નિષ્ફળતાને સહજતાથી સ્વીકારું છું.'

માતા, ભાઈ-ભાભી-ભત્રીજા તથા પત્ની-દીકરીઓ સાથે પરેશ ધાનાણી.
માતા, ભાઈ-ભાભી-ભત્રીજા તથા પત્ની-દીકરીઓ સાથે પરેશ ધાનાણી.

તેમણે વધુમાં કહ્યું હતું, 'ભગવાન સાક્ષાત્ છે. તે માત્ર નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારે એવું નથી. જો પરેશ ધાનાણી કોરા કાગળ પર હૂંડી લખીને મોકલે તો કાનુડો સ્વીકારી લે છે.'

જિજ્ઞેશ મેવાણી
31 ડિસેમ્બર, 1980માં જન્મેલા જિજ્ઞેશે 2017માં બનાસકાંઠાની વડગામ બેઠક અપક્ષ ઉમેદવાર તરીકે જીતી હતી. ત્યાર બાદ તેઓ કોંગ્રેસ પક્ષમાં જોડાઈ ગયા હતા. 2022માં ફરી એકવાર તેઓ આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે B.A.નો અભ્યાસ કર્યો છે અને ત્યાર બાદ ડિપ્લોમા ઇન જર્નલિઝમ તથા LLB કર્યું છે. જિજ્ઞેશ મેવાણીને ફિશ તથા ચિકન બહુ જ ભાવે છે.

માતા-પિતા સાથે જિજ્ઞેશ.
માતા-પિતા સાથે જિજ્ઞેશ.

જિજ્ઞેશ મેવાણી શહીદ ભગત સિંહ તથા ડૉ. બાબાસાહેબ આંબેડકરમાંથી રાજકારણમાં આવવાની પ્રેરણા મળી હોવાનું સ્વીકારે છે.

જયેશ રાદડિયા
20 ડિસેમ્બર 1981માં જન્મેલા જયેશ રાદડિયાએ બીઇ સિવિલ કરેલું છે. તેઓ 2009માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જયેશ રાદડિયા ભાજપની ટિકિટ પરથી જેતપુર બેઠક પર વિજયી થયા હતા. ત્યાર બાદ 2012 અને 2017ની વિધાનસભા ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. 2022માં પણ તેઓ આ જ બેઠક પરથી ઊભા રહ્યા છે. જયેશ રાદડિયા માત્ર રાજકીય પ્રવૃત્તિ નથી કરતા, પરંતુ તેઓ વિવિધ સામાજિક પ્રવૃત્તિ સાથે પણ જોડાયેલા છે અને આ જ કારણે તેઓ વ્યસ્ત રહેતા હોય છે. જમવાની વાત કરીએ તો તેઓ મોટા ભાગે બહાર જ સાદું ભોજન લેતા હોય છે. રાતના જમવાની વાત કરીએ તો જો કોઈ ઇવેન્ટ કે ફંક્શનમાં હોય તો ત્યાં જ જમવાનું હોય, પરંતુ આવું કંઈ ના હોય તો ઘરે આવીને સાડ નવ-દસની વચ્ચે જમી લેતા હોય છે.

જયેશ રાદડિયા પત્ની-બાળકો તથા માતા સાથે.
જયેશ રાદડિયા પત્ની-બાળકો તથા માતા સાથે.

જયેશ રાદડિયા મોટા ભાગે બ્લૂ રંગના શૂઝ પહેરતા હોય છે. બ્લૂ રંગના શૂઝ પહેરવાનું કારણ આપતાં તેમણે કહ્યું હતું કે તેમનો ફેવરિટ રંગ બ્લૂ છે અને તેઓ કોઈપણ બ્રાન્ડના શૂઝ પહેરી લે છે.

સંગીતા પાટીલ
12 ઓગસ્ટ, 1976માં જન્મેલાં સંગીતા પાટીલે એસવાયબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેમણે 2012 તથા 2017 એમ બંને વખતે ભાજપની ટિકિટ પરથી સુરતની લિંબાયત સીટ પર વિજય મેળવ્યો હતો. 2022ની વિધાનસભા ચૂંટણી માટે તેમને આ જ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે. સંગીત પાટીલ રોજ સવારે પહેલા પોતાના મતવિસ્તારની મુલાકાત લે છે અને ત્યાર બાદ પોતાની ઓફિસ આવે છે. ઘરે પરત ફરવાનો કોઈ ટાઇમ નક્કી હોતો નથી.

નાના દીકરા સાથે સંગીતા પાટીલ.
નાના દીકરા સાથે સંગીતા પાટીલ.

સંગીતા પાટીલ પરિવાર ને જાહેર જીવન વચ્ચે સંતુલન રાખવાનો શક્ય એટલો પ્રયાસ કરે છે. તેમને સાડી પહેરવી ઘણી જ ગમે છે. સંગીતા પાટીલના પતિ રાજેન્દ્રભાઈ કોન્ટ્રેક્ટર છે. સમય મળે ત્યારે પરિવાર માટે રસોઈ બનાવે છે. મનુષ્યે જે ધાર્યું હોય એ ના થાય તો હતાશ થવું એ માનવસહજ સ્વભાવ હોવાનું સંગીત પાટીલ માને છે.

ડૉ. દર્શિતા શાહ
53 વર્ષીય ડૉ. દર્શિતા શાહ પહેલી જ વાર ભાજપની ટિકિટ પરથી રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ2015માં સૌ પહેલીવાર ડેપ્યુટી મેયર બન્યાં હતાં અને ત્યાર બાદ બીજીવાર પણ ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં. રાજકારણી હોવાની સાથે સાથે ડૉ. દર્શિતા પેથોલોજિસ્ટ પણ છે. તેઓ રોજ સવારે ઊઠીને પાંચેક મિનિટ ભગવાનને પ્રાર્થના કરે છે. સવારના સાડાઆઠ વાગ્યાથી બે કલાક સુધી પોતાના વિસ્તારની મુલાકાત લે છે, ત્યાર બાદ તેઓ સવારે 11થી 2 સુધી કોર્પેરેશનની ઓફિસ જાય, પછી તેઓ બપોરના 2થી 4 લેબ પર જતાં. ચારથી સાત સુધી તેઓ કોર્પોરેશનની ઓફિસમાં હોય. ડૉક્ટર હોવાને કારણે દર્શિતા શાહ પોતાની હેલ્થનું ધ્યાન રાખે છે. તેઓ બપોરના જમવામાં હેલ્થી ફૂડ, જેમાં પ્રોટીન સલાડ, ગ્રીન જ્યૂસ, ફ્રૂટ્સ લેતાં હોય છે.

ડૉ. દર્શિતા શાહ પતિ તથા બાળકો સાથે.
ડૉ. દર્શિતા શાહ પતિ તથા બાળકો સાથે.

ડૉ, દર્શિતા શાહ શક્ય હોય ત્યાં સુધી રાત્રે 8 વાગ્યા પહેલાં જમી લેવાનું પસંદ કરતાં હોય છે. તેઓ રાતના જમવામાં પણ હેલ્થી ડાયટ જ લેવાનું પસંદ કરે છે. આટલું જ નહીં, તેઓ બપોરના 12 વાગ્યા સુધી આદુ-હળદર-તજ નાખેલો ગરમ પાણીનો ઉકાળો લેતા હોય છે. 12 વાગ્યા પછી તેઓ ગ્રીન જ્યૂસ લે છે. તેમણે કહ્યું હતું કે તેઓ પરિવારની પ્રેરણાને કારણે રાજકારણમાં આવ્યાં છે. હતાશા થવા અંગેના સવાલ પર તેમણે કહ્યું હતું કે જીવનમાં એવું ઘણીવાર બન્યું છે, પરંતુ તેઓ પોતાની મેળે જ તેમાંથી બહાર આવી ગયાં હતાં.

રીવાબા જાડેજા
ગુજરાતમાં જન્મેલાં રીવાબાએ મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. રીવાબા ભાજપની ટિકિટ પરથી જામનગર ઉત્તરની સીટ પર 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલી જ વાર લડી રહ્યાં છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણી યોજાય એ પહેલાં ભાજપમાં જોડાયાં હતાં. તેઓ છેલ્લા ઘણા સમયથી સામાજિક કાર્યો કરે છે. રીવાબા ખજૂર, ખાખરા, સીંગ, ડ્રાયફ્રૂટ્સ, દાડિયા, મખાના જેવો હેલ્થી નાસ્તો લેતાં હોય છે. રીવાબાનું ફેવરિટ શાક ડુંગળીનું છે. તેઓ વિદેશમાં હોય તો ઘણીવાર ગુજરાતી-ઇન્ડિયન ફૂડને મિસ કરતાં હોય છે.

પતિ રવીન્દ્ર જાડેજા સાથે રીવાબા.
પતિ રવીન્દ્ર જાડેજા સાથે રીવાબા.

વેકેશનની વાત પર રીવાબાએ કહ્યું હતું કે તેમના માટે જગ્યા કરતાં પતિ અને પરિવાર સાથે હોય એ બાબત મહત્ત્વની છે. રીવાબા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી રાજકારણમાં આવ્યાં છે. રીવાબા નવરાત્રિ તથા શ્રાવણ મહિનાના ઉપવાસ કરે છે.

અન્ય સમાચારો પણ છે...