તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકા:67 વર્ષીય દાદીનું બોડી ટેટૂથી ભરચક, પશુ-પક્ષીઓના ટેટૂ કરાવીને તેમને લુપ્ત થતા બચાવવા સપોર્ટ કરે છે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડેબીએ શ્વાન અને બિલાડીની હોસ્પિટલમાં પણ અનેક વર્ષો સુધી સેવા આપી છે
  • જમણા હાથ પર પોલાર બિયર, હાથી, ગોરિલા, પાન્ડા, ઝેબ્રા અને વ્હાઈટ ટાઈગરનું ટેટૂ છે

અમેરિકામાં કેલિફોર્નિયામાં રહેતા 67 વર્ષીય દાદી જ્યારે ઘરની બહાર જાય ત્યારે બધા તેમને જોતા રહી જાય છે. આ દાદીનું આખું શરીર કલરફુલ ટેટૂઓથી ભરચક છે. જોવાની વાત તો એ છે કે ટેટૂ કોઈ ડિઝાઈનનાં નહીં પણ જંગલી અને લુપ્ત થવાને આરે પહોંચેલા પ્રાણીઓનાં બનાવેલા છે.

ડેબી મેકગ્રેગરને પહેલેથી પ્રાણીઓ પ્રત્યે લગાવ હતો. ડેબીએ વેટ ટેક્નીશિયન તરીકે 28 વર્ષ સુધી કામ કર્યું છે. શ્વાન અને બિલાડીની હોસ્પિટલમાં પણ અનેક વર્ષો સુધી સેવા આપી છે. ડેબીએ પોતાના પશુ પ્રેમને વર્ણવા માટે એક બુક પણ લખી છે.

ડેબી કહ્યું, અનેક પશુઓને લુપ્ત થતા બચાવવા અને તેમને સપોર્ટ કરવા માટે હું તેમના ટેટૂ બનાવડાવું છું. મેં છેલ્લે એપ્રિલ મહિનામાં એશિયાટિક બિયરનું કલરફુલ ટેટૂ કરાવ્યું હતું. મારા જમણા હાથ પર પોલાર બિયર, હાથી, ગોરિલા, પાન્ડા, ઝેબ્રા અને વ્હાઈટ ટાઈગરનું ટેટૂ છે. ડાબા હાથ પર જિરાફનું ટેટૂ છે. તેમને જોઇને મને રોજ આનંદ થાય છે.

ડેબીએ પ્રથમ ટેટૂ તેના પતિ સાથે છૂટાછેડા પછી કરાવ્યું હતું. પતંગિયાનું ટેટૂ કરાવ્યું ત્યારે તેમની ઉંમર 30 વર્ષ હતી. ડેબીએ કહ્યું, મારા જન્મ થયો ત્યારથી મને પ્રાણીઓની આજુબાજુ રહેવું ગમતું હતું. લોકડાઉન અને કોરોના મહામારીમાં અનેક પ્રાણીઓના જીવ જોખમમાં મૂકાયા છે. આપણે બધાએ સાથે મળીને તેમનું રક્ષણ કરવાનું છે.

ડેબીનો પશુપ્રેમ જોઇને ઘણા લોકો તેની મજાક પણ ઉડાવે છે પણ તેમને કોઈ ફરક પડતો નથી. તેમણે કહ્યું, હું આ પૃથ્વી પશુ-પક્ષીઓ વગર ઈમેજીન ના કરી શકું. હું નથી ઇચ્છતી કે મારા પૌત્રો એનિમલ્સને માત્ર બુકમાં જ જુએ. ડેબી દર વર્ષે વર્લ્ડ વાઈલ્ડલાઈફ માટે ફંડ ડોનેટ કરે છે. છેલ્લા બે દશકાથી તેઓ પોતે પણ ડોનેશન કરે છે અને બીજાને કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. બિયરને બચાવવા માટે હાલમાં જ તેમણે એનિમલ્સ એશિયા NGO જોઈન કર્યું છે.