સોશિયલ મીડિયાવાળી પુત્રવધૂ:લગ્ન પહેલાં ફેસબુક-ઇન્સ્ટાગ્રામ પર છોકરીઓની પ્રોફાઈલ ફંફોળવામાં આવે છે, પ્રેશરમાં ઘણી છોકરીઓ પોસ્ટ ડિલીટ કરે છે તો ઘણી ફેક પ્રોફાઈલ બનાવે છે

કમલા બડોની5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં ઘણી છોકરીઓ બોલ્ડ પિક્ચર્સ અપલોડ કરે છે
  • બોલ્ડ ફોટોઝ જોયા પછી લગ્નની વાત આગળ વધતી નથી

આજકાલ લગ્નની વાત શરૂ થાય કે તરત જ છોકરીની સોશિયલ મીડિયા પ્રોફાઈલના પાના ઊથલવા લાગે છે, છોકરીની લાઈફસ્ટાઈલ કેવી છે? તે કોને મળે છે? કેટલા છોકરાઓ સાથે મિત્રતા છે? આટલી વસ્તુઓ ચેક કર્યા પછી જો તે એક આદર્શ પુત્રવધુની પરીક્ષામાં ખરી ઉતરે તો લગ્નની વાત આગળ વધારવામાં આવે છે. આ જ કારણે લગ્નની વાત શરૂ થતાની સાથે જ છોકરીઓ પોતાની સોશિયલ મીડિયા પ્રોફાઈલ એડિટ કરે છે અને લગ્નમાં અડચણ આવે તેવી પોસ્ટ ડિલીટ કરે છે.

સોશિયલ મીડિયાની પ્રોફાઈલ જોઈને છોકરીને જજ કરવામાં આવે છે
ચેન્નાઇની અંતરા અનુરાગે તેના ભાઈના સંબંધની વાત કરતા કહ્યું, મારા ભાઈ માટે એક છોકરીની વાત ચાલી રહી હતી. છોકરી વિશે જાણવા માટે ઘરવાળાએ ભાઈને સોશિયલ મીડિયા પર રિકવેસ્ટ મોકલવા કહ્યું. ભાઈએ રિકવેસ્ટ મોકલી. છોકરીએ તેની પ્રોફાઈલમાં હેલોવીનનો વીડિયો મૂક્યો હતો અને સ્ક્રીન પર તેનો ડરામણો ચહેરો ફ્લેશ થયો. તેની પ્રોફાઈલ જોઈને બધા હસી પડ્યા અને લગ્નની વાત અટકી પડી. પ્રોફાઈલ જોઈને ઘરમાં બધાએ કહ્યું, છોકરી ક્રિએટિવ છે, પણ સોશિયલ મીડિયામાં આ બધું પોસ્ટ કરવાની શું જરૂર? ઘરમાં બધાએ પોતપોતાની રીતે છોકરીને જજ કરી અને લગ્નની વાત આગળ જ ના વધી.

ફેક પ્રોફાઈલ છોકરીઓને ખોટું બોલતા શીખવાડી રહી છે
​​​​​​​મુંબઈની સાઇકોલોજિસ્ટ અને હેલ્થ કાઉન્સલર નમ્રતા જૈન માને છે કે, પેરેન્ટ્સે સંતાનોની ભાવના સમજવી જોઈએ. છોકરીઓ પર પ્રેશર હોય છે કે લગ્નમાં અડચણ આવે તેવું કઈ સોશિયલ મીડિયા પર પોસ્ટ ના કરે. આ પ્રેશરથી બચવા માટે છોકરીઓ હવે ફેક પ્રોફાઈલ બનાવે છે. પર્સનલ લાઈફમાં પણ તેઓ ખોટું બોલે છે અને પોતાની રિયલ પર્સનાલિટી ખોઈ બેસે છે. યુથને આ જુઠાણાથી બચાવવા માટે તેમની પર વિશ્વાસ કરવો અને સારા-ખરાબનો ફર્ક કહી છૂટ આપવી, જેથી તેઓ પોતાની વાત મન ખોલીને કહી શકે.

લગ્ન સમયે સોશિયલ મીડિયા પ્રોફાઈલ લોક કરવી પડી
​​​​​​​જયપુરની સરિતા ભંડારીએ પોતાની વ્યથા જણાવી, મારા લગ્નની વાતો ચાલી રહી હતી ત્યારે ઘરેથી મને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું. તેમને લાગતું હતું કે, અમુક ફોટાથી મારા લગ્નમાં અડચણ આવશે. તેમના કહેવા પર મેં મારી ઓફિસ પાર્ટી અને ફ્રેન્ડ્સ સાથેના ઘણા ફોટો હાઇડ કર્યા. થોડા સમય માટે સોશિયલ મીડિયા પ્રોફાઈલ લોક કરી. લગ્ન પછી પણ હું દોઢ વર્ષ સુધી સોશિયલ મીડિયા પર ઓછી એક્ટિવ રહેતી. થોડા સમય પહેલાં મારા દેરની લગ્નની વાતો ચાલી રહી હતી. તેણે છોકરીની પ્રોફાઈલ જોઈ અને તેમાં ફ્રેન્ડ્સ અને પાર્ટીના ફોટો શૅર કર્યા હતા. આ બધું તેને ના ગમ્યું અને લગ્ન માટે ના પાડી દીધી.

પેરેન્ટ્સને બાળકોની ચિંતા થાય છે
​​​​​​​મુંબઈની રિલેશનશિપ કાઉન્સલર માધવી શેઠે એક કેસ સ્ટડી વિશે કહ્યું, એક માતા તેની ફેશન ડિઝાઈનર છોકરીની ચિંતા લઈને મારા પાસે આવી. તેની દીકરીને ઇન્સ્ટાગ્રામ પર ફોટો અને વીડિયો શૅર કરવાની એટલી ખરાબ ટેવ પડી ગઈ હતી કે તે બજેટ બહારના ખર્ચ કરતી. રૂપિયા ઓછા પડતા તો તેની માતા પાસેથી પૈસા માગીને મોંઘી વસ્તુઓ ખરીદતી અને પછી તેના ફોટો અપલોડ કરતી. તે છોકરી પર લાઇક્સ અને ફોલોઅર્સ વધારવાનું એવું જૂનુન હતું કે તે મિત્રો પાસેથી કપડાં માગીને પહેરતી હતી. માતાની ચિંતા એ હતી કે તેની દીકરી ઘણા બોલ્ડ ફોટો પોસ્ટ કરતી હતી અને તેના લીધે તેની ઇમેજ પણ ખરાબ થઈ શકતી હતી. સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં ઘણી છોકરીઓ બોલ્ડ પિક્ચર્સ અપલોડ કરે છે અને તેનાથી પેરેન્ટ્સની ચિંતા વધી જાય છે.

સોશિયલ મીડિયાના ઉપયોગથી ઘણી યંગ છોકરીઓ કરિયર બનાવી રહી છે, ઓનલાઇન બિઝનેસ શરૂ કરી રહી છે. તો બીજી તરફ ઘણી એવી છોકરીઓ પણ છે કે ફોલોઅર્સ વધારવાના ચક્કરમાં, લાઇક્સ અને કમેંટ તથા વાઇરલ થવાની હોડ ઘણો બધો સમય વેડફી રહી છે. આની અસર લગ્ન પર પણ પડી રહી છે. સોશિયલ મીડિયા પર વધારે એક્ટિવ રહેતી છોકરાવાળાને ગમતી નથી અને છોકરીઓ પણ લગ્ન નક્કી થવાના હોય તે સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહેવા લાગે છે.