અત્યાર સુધી તમે ફક્ત લાઈનમેન શબ્દ જ સાંભળ્યો હશે. તમે વીજળીનાં ઊંચા થાંભલાઓ પર હાઈટેન્શન તારો વચ્ચે કામ કરતાં પુરુષોને પણ જોયા હશે પરંતુ, હવે તમને દેશમાં ‘લાઈનમેન’ ની સાથે ‘લાઈનવુમન’ પણ જોવા મળશે. તેની શરુઆત તેલંગણાથી થઈ. અહીં પહેલીવાર બે યુવતીઓને ‘લાઈનવુમન’ની નોકરી આપવામાં આવી. બંનેએ કામ કરવાનું પણ શરુ કરી દીધુ છે. 22 વર્ષની શિરિષા અને 24 વર્ષની વી ભારતી દેશની પહેલી બે ‘લાઈનવુમન’ બની.
કોર્ટમાં સાબિત કરવું પડ્યું કે તે પણ વીજળીનાં ઊંચા થાંભલાઓ પર ચડી શકે છે
દેશની પહેલી લાઈનવુમન બનવા માટે શિરિષા અને વી ભારતીએ ભારે મહેનત કરવી પડી હતી. વર્ષ 2020થી પહેલાં કોઈએ વિચાર્યું પણ નહી હોય કે મહિલાઓ પણ આવું કામ કરી શકે છે પણ ITI કર્યા પછી શિરિષા અને વી ભારતીએ ‘લાઈનમેન’ની પોસ્ટ માટે અરજી કરી હતી. આ ઘટના પહેલીવાર ઘટી કે કોઈ મહિલાએ આ પ્રકારની નોકરી માટે અરજી કરી હોય.
શરુઆતમાં તો આ નોકરી માટે તેની અરજી સ્વીકારવામાં આવી નહોતી. તેઓને એમ જણાવવામાં આવ્યું હતું કે, લાઈનમેનનું કામ ફક્ત પુરુષો જ કરી શકે છે. તે પછી તેઓએ કોર્ટનાં દરવાજા ખખડાવ્યા. કોર્ટની સામે તેઓએ સાબિત કરવું પડ્યું કે, તે આ નોકરી મેળવવાની યોગ્યતા ધરાવે છે અને વીજળીનાં થાંભલા પર ચડવા માટે એકદમ ફીટ છે. તેઓએ અધિકારીઓની સામે 8 ફુટ ઊંચા થાંભલા પર ચડીને પોતાની યોગ્યતા સાબિત કરીને બતાવી. જે પછી કોર્ટે તેમનાં પક્ષમાં ચુકાદો આપ્યો અને તેઓને દેશની પહેલી ‘લાઈનવુમન’ બનવાની તક મળી.
આ બંનેથી પ્રેરિત થઈને બીજી મહિલાઓ પણ ITI કરી રહી છે
અત્યારે તો શિરિષા હૈદરાબાદ અને વી ભારતી વારંગલમાં ફરજ બજાવે છે. બંને જૂનિયર ‘લાઈનવુમન’નાં રુપમાં કામ કરી રહી છે પણ બંનેને એ આશા છે કે, જલ્દી જ તેઓનું પ્રમોશન પણ થઈ જશે અને તે આ ફિલ્ડમાં આગળ વધશે. શિરિષાએ પોતાનો અનુભવ શેર કરતાં સોશિયલ મીડિયામાં લખ્યું કે, અત્યારે ઘણી યુવાન મહિલાઓ તેની પાસે આવે છે અને ‘લાઈનવુમન’ બનવા માટેનું જરુરી માર્ગદર્શન લે છે. અમુકે તો તેઓની સફળતા જોઈને ITI પણ શરુ કરી દીધુ છે. શિરિષા જણાવે છે કે, તેઓને વીજળીનાં થાંભલા પર ચડીને કે હાઈ ટેન્શન તારોની વચ્ચે કામ કરતાં જરાપણ ડર લાગતો નથી. તે તેઓનું રોજિંદુ કામ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.