પાકિસ્તાનમાં એક પિતાએ કોર્ટમાં પોતાની જ દીકરીની ગોળી મારીને હત્યા કરી નાખી. આ દીકરીનો વાંક ફક્ત એટલો જ હતો કે, તેણીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હતા પણ તેનો પરિવાર તેના લગ્નથી જરાપણ ખુશ ન હતો. પરિવારનો દરેક સભ્ય આ સંબંધનાં વિરોધમાં હતો. આ યુવતીની ઉંમર ફક્ત 19 વર્ષ હતી અને 10 દિવસ પહેલા જ તે લગ્નનાં બંધનમાં બંધાઈ હતી.
વજીરીસ્તાનનાં ગ્રામીણ વિસ્તારમાં રહેતી નવવધૂ કરાચી શહેરની એક કોર્ટમાં પોતાનું નિવેદન નોંધાવવા માટે આવી હતી. કોર્ટમાં તેના પિતા પણ હાજર હતા. પિતાની નજર જેવી તેની દીકરી પર પડી કે, તેઓએ ન તો જગ્યા કે ન તો ત્યાં હાજર જજ, વકીલ અને સુરક્ષાકર્મચારીઓની સુધ્ધા રાખી અને એક જ ભડાકે દીકરીને ગોળી મારીને તેની હત્યા કરી નાખી. આ યુવતીનું ઘટનાસ્થળે જ નિધન થયું. આ હુમલામાં બે સુરક્ષા કર્મચારીઓ પણ ઘાયલ થયા અને આરોપી પિતાની પોલીસે ધરપકડ કરી લીધી.
પતિને છોડાવવા માટે આવી હતી યુવતી
10 દિવસ પહેલા મૃતક યુવતીએ પોતાના વિસ્તારનાં એક ડૉક્ટર સાથે લગ્ન કરી લીધા. ઘરનાં લોકો આ લગ્નની વિરુદ્ધમાં હતા, જેના કારણે તેણીએ પોતાનું ઘર છોડી દીધુ હતુ. આ ઘટના ઘટ્યા પછી મૃતક યુવતીનાં પિતાએ પોલીસમાં દીકરીનું અપહરણ થયું છે એવી ફરિયાદ નોંધાવી અને આરોપી તરીકે ડૉક્ટરનું નામ નોંધાવ્યું.
આ ફરિયાદનાં આધાર પર ડૉક્ટરની ધરપકડ કરી લીધી હતી. સોમવારનાં રોજ યુવતી પોતાનાં ડૉક્ટર પતિનાં પક્ષમાં કોર્ટમાં નિવેદન આપવા માટે આવી હતી પરંતુ, તે પોતાનું નિવેદન આપે ને પોતાના પતિને બચાવીને લઈ જાય તે પહેલા તો તેના પિતાએ તેની હત્યા કરી નાખી હતી.
ઓનર કિલિંગ પાકિસ્તાનમાં ખતરો બની ગયું છે
પાકિસ્તાની સોસાયટીમાં ઓનર કિલિંગ ખતરો બની ચૂક્યું છે. પાકિસ્તાનનાં માનવઅધિકાર આયોગ મુજબ દર વર્ષે લગભગ 700 યુવતીઓ ‘ઓનર કિલિંગ’નો શિકાર બને છે. આ આંકડાઓ સરકારી છે. પાકિસ્તાનમાં કામ કરનારી સંસ્થાઓ મુજબ આવી યુવતીઓની સંખ્યા હજારોમાં છે, જેની હત્યા ફક્ત પોતાની ખોખલી પ્રતિષ્ઠા બચાવવાના નામ પર કરવામાં આવે છે.
પોતાની સાથે યૂરોપ પણ લઈ ગયા આ ‘ઓનર કિલિંગ’નો વિચાર
પાકિસ્તાની લોકોનાં મનમાં વસેલો આ ‘ઓનર કિલિંગ’નો વિચાર તે પોતાની સાથે યૂરોપ સુધી લઈ આવ્યા. વિશ્વનાં જે-જે ખૂણે પાકિસ્તાનીઓ વસી રહ્યા છે તે-તે ખૂણેથી આ પ્રકારની ખબરો મળતી રહે છે.
હાલ જ એક પાકિસ્તાની પરિવારે ઈટલીમાં પોતાની 18 વર્ષની પુત્રીને મોતને ઘાટ ઉતારી દીધી. કારણ ફક્ત એટલું જ હતું કે, તે યુવતી ભણેલી-ગણેલી હતી અને પોતાના પરિવારની ઈચ્છા મુજબ તે પાકિસ્તાનમાં અરેન્જ મેરેજ કરવા ઈચ્છતી ન હતી. હત્યા પછી યુવતીનાં પિતા-માતા અને ભાઈએ મળીને તેના શબને ઘરનાં આંગણમાં દાટી દીધુ હતું અને લોકોને કહ્યું કે, તે તેના પ્રેમીની સાથે ભાગી ગઈ હતી.
એક વર્ષ પછી જ્યારે તે જ મહિનામાં ઈટલીની પોલીસને 18 વર્ષની સમન અબ્બાસનો કંકાલ મળ્યો. આ કંકાલની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પરથી એ જાણવા મળ્યું કે, તેની હત્યા કરવામાં આવી છે. જે પછી આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાની ઈટલી સહિત આખા યૂરોપમાં ભરપૂર નિંદા કરવામાં આવી હતી. ઈટલીની PM જિઓગીઆ મેલોનીએ એક નિવેદન બહાર પાડ્યું હતું અને કહ્યું હતું કે, ‘આ પ્રકારની વિચારધારાની અહીં કોઈ જગ્યા નથી.’
આખા વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો કંદીલ બલોચનો કેસ
વર્ષ 2016માં કંદીલ બલોચની તેના સગા ભાઈએ ગળુ દબાવીને હત્યા કરી નાખી હતી. કંદીલનાં સ્વતંત્ર વિચાર તેના ભાઈને જરાપણ ગમતા ન હતા. કંદીલની હત્યા કરીને તેના ભાઈએ પ્રેસને જણાવ્યુ હતું કે, તેની બહેનની હત્યા કરવાનું તેને જરાપણ દુ:ખ નથી કારણ કે, તેનું વર્તન સહનશીલતાની હદ્દને વટાવી ચૂક્યુ હતું. બહેનની હત્યા કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી અને તેને કોર્ટમાં ઉમરકેદની સજા સંભળાવવામાં આવી.
પરંતુ, 5 વર્ષ પછી વર્ષ 2021માં આરોપી ભાઈને છોડી દેવામાં આવ્યો હતો. આ કેસ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બન્યો હતો. માનવ અધિકાર સંસ્થાઓએ પાકિસ્તાનને આ વિષય પર એક ગંભીર કાયદો ઘડવા માટેની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.