રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી તો આપણે મોજ મજાથી કરીએ છીએ. પરંતુ બાદમાં આ મજા જ સજાનું રૂપ લઇ લે છે. ધુળેટી બાદ ઘણા લોકોને સ્કિનમાં ખંજવાળ, બળતરા અને લાલ ચકમા જેવી સમસ્યા થાય છે. હોળી રમ્યા બાદ સ્કિન અને વાળની સંભાળ કેવી રીતે કરવી તે જણાવી રહ્યાં છે બ્યૂટી એક્સપર્ટ શહનાઝ હુસૈન.
ધુળેટી બાદ સ્કિન પરથી આવી રીતે રંગ દૂર કરી શકો
રંગ લાગ્યા બાદ સૌથી પહેલાં સાદા પાણીથી ચહેરાને ધોઈ લો. આ પછી ક્લીન્ઝિંગ ક્રીમ અથવા લોશનનો ઉપયોગ કરો. ક્લીન્ઝિંગ ક્રીમ અથવા લોશનને ચહેરા પર લગાવીને થોડીવાર મસાજ કરો. પછી ભીના રૂથી ચહેરાને સાફ કરો. આંખોની આસપાસને ભાગમાં પણ હળવા હાથે મસાજ કરો.
ઘરે ક્લીન્ઝિંગ ક્રીમ બનાવવા માટે, અડધો કપ ઠંડુ દૂધ લો અને તેમાં એક ચમચી કોઈપણ વનસ્પતિ તેલ, જેમ કે તલ, ઓલિવ અથવા સૂર્યમુખી તેલને બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં રૂ ડુબાડીને ત્વચાને સાફ કરો.
જો શરીરમાંથી રંગને દૂર કરવા માટે તલના તેલથી ત્વચા પર માલિશ કરો. આ ઉપાયથી ત્વચા પરનો રંગ તો દૂર થાય જ છે, આ સાથે-સાથે ત્વચા પણ કોમળ બને છે. તલનું તેલ ત્વચાને સૂર્યપ્રકાશથી રક્ષણ આપે છે. સ્નાન કરતી વખતે ત્વચાને લૂફ અથવા નરમ કપડાથી હળવા હાથે સ્ક્રબ કરો. સ્નાન કર્યા પછી તરત જ ચહેરા અને શરીર પર મોઇશ્ચરાઇઝર લગાવો, તે ત્વચામાં હાલની ભેજ જાળવી રાખે છે.
જો રંગ લગાવ્યા બાદ શરીરમાં ખંજવાળ આવી રહી હોય તો એક મગ પાણીમાં બે ચમચી વિનેગર મિક્સ કરો. સ્નાન કર્યા પછી આ પાણીને ત્વચા પર રેડવાથી ખંજવાળ ઓછી થાય છે. જો આ પછી પણ ખંજવાળ આવે છે અને ત્વચા પર પિમ્પલ્સ અને ફોલ્લીઓ હોય છે, તો તે રંગને કારણે થતી એલર્જીની નિશાની છે. આ સ્થિતિમાં શક્ય તેટલી વહેલી તકે ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ.
હોળીના એક દિવસ પછી અડધો કપ દહીંમાં બે ચમચી મધ મિક્સ કરો. આ બાદ એક ચપટી હળદર મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો અને ચહેરા, ગરદન અને હાથ પર લગાવો. આ બાદ 20 મિનિટ માટે રહેવા દો, પછી ચોખ્ખા પાણીથી ધોઈ લો. આ પેક ટેન દૂર કરે છે અને ત્વચાને કોમળ બનાવે છે.
ત્વચા પર એલોવેરા જેલ અથવા જ્યુસ લગાવો. તે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે ડ્રાયનેસ અને સન બર્નને અટકાવે છે. એલોવેરામાં ઝીંક હોય છે, જે એન્ટી-ઇન્ફેલેમેટરી હોય છે. એક ટેબલસ્પૂન ચણાનો લોટ, એક ટેબલસ્પૂન દહીં અને એક ટેબલસ્પૂન એલોવેરા જેલ મિક્સ કરીને ફેસ પેક બનાવો. તેને ચહેરા પર લગાવો, 20 મિનિટ પછી ધોઈ લો.
હોળી બાદ આ રીતે કરો હેર કેર
રંગથી રમ્યા બાદ વાળમાંથી કલર કાઢવો સૌથી મુશ્કેલ હોય છે. વાળને ધોતા સમયે સૌથી પહેલાં સૂકા રંગને સાદા પાણીથી ધોઈ લો, આ બાદ વાળમાં હર્બલ શેમ્પુ લગાવીને આંગળીઓથી મસાજ કરો. સ્કેલ્પમાં ધીરે-ધીરે મસાજ કરો અને ચોખ્ખા પાણીથી વાળને ધોઈ લો.
વાળ ધોયા પછી છેલ્લે વાળમાં બિયરનો ઉપયોગ કરો. બિયરથી વાળ નરમ થશે અને કન્ડિશન પણ થશે. બિયરમાં એક લીંબુનો રસ ઉમેરો. શેમ્પૂ કર્યા પછી વાળમાં લગાવો. તેને થોડીવાર રહેવા દો અને સાદા પાણીથી ધોઈ લો.
તો ઘરે જ આયુર્વેદિક શેમ્પુ બનાવો, એક લીટર પાણીમાં એક મુઠ્ઠી સૂકા અરીઠા, આંબળા અને શિકાકાઈને મિક્સ કરીને આખી રાત પલાળી દો. બીજા દિવસે ધીમી આંચે ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધું ન રહી જાય. જ્યારે આ પાણી ઠંડુ થઇ જાય ત્યારે ફ્રિજમાં રાખી દો અને વાળને ધોઈ લો.
વાળ માટે લીમડાનું તેલ પણ ફાયદાકારક રહેશે. 250 મિલી નારિયેળ તેલ અથવા તલનું તેલ ગરમ કરો. તેલમાં મુઠ્ઠીભર લીમડાના પાન ઉમેરો. આ બાદ 4 કે 5 દિવસ આ તેલ તડકામાં રાખો અને ગાળી લો. ચામડી પર ખંજવાળ અને સ્કેલ્પમાં ફોલ્લીઓથી રાહત મેળવવા માટે તેલનો ઉપયોગ કરો.
ઓઈલી વાળ માટે ત્રણ કપ ગરમ પાણીમાં એકે મુઠી ગેંદાના તાજા ફૂલ નાખો. એક કલાક એમ જ રહેવા દો. આ પાણી જ્યારે ઠંડુ થાય છે ત્યારે ઉકાળી લો. શેમ્પુ બાદ વાળ ધોવા માટે આ પાણીનો ઉપયોગ કરો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.