બ્રાઝિલમાં એમેઝોનના જંગલની કાપણી એ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. નેશનલ સ્પેસ રિસર્ચ એજન્સી INPEના જણાવ્યા મુજબ આ વર્ષનાં પહેલાં છ મહિનામાં ન્યુયોર્ક સિટી કરતાં પાંચ ગણા મોટા વિસ્તારમાંથી જંગલોનો સફાયો થઈ ચુક્યો છે. જે ગયા વર્ષે આ જ મહિનાઓમાં થયેલ કાપણીની સરખામણીએ 10.6 ટકા વધારે છે.
3,988 ચો.કિ.મી. જંગલની સફાઈ કરવામાં આવી હતી
બ્રાઝિલ સરકારનાં આંકડા મુજબ 2022માં જાન્યુઆરીથી જૂન સુધીમાં 3,988 ચોરસ કિલોમીટરનો એમેઝોન વન વિસ્તાર નાશ પામ્યો છે. વર્ષ 2015 પછી કાપણીનું આ ઉચ્ચતમ સ્તર છે. INPE એ વર્ષ 2015ના મધ્યથી વનનાબૂદી સાથે સંબંધિત તેની DETER-B ડેટા સીરિઝનું સંકલન કરવાનું શરૂ કર્યું હતું. અહેવાલ મુજબ આ વર્ષે જૂન મહિનામાં જ કાપણીમાં 5.5 ટકાનો વધારો થયો અને 1120 વર્ગ કિલોમીટરનો વિસ્તાર નષ્ટ થઈ ગયો. આ પણ એક મહિનામાં ‘વનનાબૂદી’નો એક નવો રેકોર્ડ છે.
જંગલમાં આગ લાગવાનાં કિસ્સાઓમાં વધારો
ન્યૂઝ એજન્સી રોયટર્સના રિપોર્ટ મુજબ એમેઝોનનાં જંગલને કાપવાના કારણે આગ લાગવાના કેસમાં પણ અસામાન્ય રીતે વધારો થયો છે. આ સાથે આગામી મહિનાઓમાં સ્થિતિ વધુ વણસી શકે છે. INPEના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લાં 15 વર્ષમાં જૂન મહિનામાં બ્રાઝિલના એમેઝોનમાં સૌથી વધુ જંગલમાં આગ લાગવાની ઘટનાઓ નોંધાઈ છે. જો કે, ઓગષ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં આગની જ્વાળાઓના કેસોનો આ એક નાનો ભાગ છે.
આગ આગામી મહિનાઓમાં ખતરનાક બની રહેશે
સામાન્ય રીતે લાકડાં કાપનાર લોકો લાકડું કાઢયા બાદ જમીન પચાવી પાડનારા અને ખેડૂતો આ વિસ્તારમાં આગ લગાડી દેતાં હોય છે, જેથી ત્યાં ખેતી કરી શકાય. બ્રાઝિલનાં નિષ્ણાતો આ માટે રાષ્ટ્રપતિ જૈર બોલ્સોનારોની ટીકા કરે છે. તેમનું કહેવું છે કેં બોલ્સોનારોની કેટલીક નીતિઓના કારણે જ આજે એમેઝોનની આ હાલત છે. જંગલમાં લાગેલી આગ અને કાપણી માટે વૂડવેલ ક્લાઇમેટ રિસર્ચ સેન્ટર અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધક મનોલા માચાડોનું કહેવું છે, કે જંગલોમાં વધુ કાપણીને કારણે એમેઝોનમાં આગ વધુ જોવા મળે છે, જે આગામી મહિનાઓમાં વધુ ખતરનાક બની જશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.